06 April, 2026 03:27 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અશોક શર્મા
૨૩ વર્ષના અશોક શર્માએ ગુજરાત તરફથી રાજસ્થાન સામેની મૅચમાં ૪ ઓવરમાં ૩૭ રન આપીને એક વિકેટ લીધી હતી. સોળમી ઓવર દરમ્યાન તેણે ૧૫૪.૨ પ્રતિ કલાકની ઝડપથી બૉલ ફેંકીનો ઇતિહાસ રચ્યો હતો. તેણે વર્તમાન સીઝનમાં હમણાં સુધીનો સૌથી ફાસ્ટેસ્ટ બૉલ ફેંક્યો હતો. આ બૉલનો બૅટર ધ્રુવ જુરેલ કોઈ જવાબ આપી શક્યો નહોતો. તેણે આ મૅચમાં ૧૪૫ પ્રતિ કલાકની ઍવરેજ ઝડપથી બોલિંગ કરી હતી. રાજસ્થાનના જયપુરના રામપુરા ગામમાં ખેડૂતના ઘરમાં જન્મેલા અશોક શર્માની જર્ની સરળ નથી રહી. આર્થિક સમસ્યાને કારણે તેના મોટા ભાઈએ પોતાની ક્રિકેટ-કરીઅરનું બલિદાન આપીને અશોક શર્માની કરીઅરને નવી ઉડાન આપી હતી. તેનો પરિવાર માત્ર એક જ દીકરાનો ક્રિકેટનો ખર્ચ ઉપાડી શકે એમ હતો. રાજસ્થાન માટે અન્ડર-23 ટીમમાં ઓછી તક મળતી હોવાથી તેણે ૩ વર્ષ પહેલાં ક્રિકેટ છોડીને ગવર્નમેન્ટ એક્ઝામ પર ફોક્સ કરવાનું નક્કી કર્યું હતું. ૨૦૨૨માં કલકત્તાએ પંચાવન લાખ રૂપિયા અને ૨૦૨૫માં રાજસ્થાને ૩૦ લાખ રૂપિયામાં તેને ખરીદ્યો, પણ IPLમાં રમવાની તક મળી નહોતી. ગુજરાતે તેને આ સીઝનમાં ૯૦ લાખ રૂપિયામાં ખરીદીને શરૂઆતથી જ રમવાની તક આપી. તેણે બે મૅચમાં બે વિકેટ લીધી છે. સૈયદ મુશ્તાક અલી ટ્રોફી ૨૦૨૫-’૨૬ની સીઝનમાં તેણે રાજસ્થાન માટે ૧૦ મૅચમાં બાવીસ વિકેટ લઈને પોતાની ટૅલન્ટનો ડંકો વગાડ્યો હતો.
IPLના ઇતિહાસમાં અશોક શર્મા ૧૫૦+ની સ્પીડથી બૉલ ફેંકનાર દસમો બોલર બન્યો છે. ભારતીય તરીકે ઉમરાન મલિક ૧૫૭ પ્રતિ કલાકની ઝડપ, મયંક યાદવ ૧૫૬.૭ અને ૧૫૫.૮ પ્રતિ કલાકની ઝડપથી બૉલ ફેંકીને આ સન્માનજનક લિસ્ટમાં સામેલ થઈ ચૂક્યા છે. ઑસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શૉન ટેટ ૧૫૭.૭ પ્રતિ કલાકની ઝડપથી ટુર્નામેન્ટનો ફાસ્ટેસ્ટ બૉલ ફેંકી ચૂક્યો છે. તેણે ૨૦૧૧માં રાજસ્થાન તરફથી રમીને દિલ્હી સામે આ સિદ્ધિ મેળવી હતી.