વિમેન્સ T20 મુંબઈ લીગની પહલી સીઝનની પહેલી જ મૅચમાં હર્લી ગાલા પ્લેયર ઑફ ધ મૅચ

03 June, 2026 01:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈ ફાલ્કન્સ વતી રમતી ૧૯ વર્ષની આ ગુજરાતી ગર્લે સાતમા ક્રમે રમીને ૨૦૪.૫૫ના સ્ટ્રાઇક-રેટ સાથે બાવીસ બૉલમાં ફટકાર્યા અણનમ ૪૫ રન...

વિમેન્સ T20 મુંબઈ લીગની પહલી સીઝનની પહેલી જ મૅચમાં હર્લી ગાલા પ્લેયર ઑફ ધ મૅચ

ગઈ કાલે સવારે વાનખેડે સ્ટેડિયમમાં વિમેન્સ T20 મુંબઈ લીગની પહેલી સીઝનનો શુભારંભ થયો હતો. સોબો મુંબઈ ફાલ્કન્સે ૬ વિકેટ ગુમાવીને ૧૭૪ રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં થાણે સ્કાય રાઇઝર્સ ૧૫૭-૮નો સ્કોર કરીને ૧૬ રને હાર્યું હતું.

ભારત માટે ૧૩ મૅચ રમનાર થાણે સ્કાય રાઇઝર્સની કૅપ્ટન સાઇમા ઠાકોરે ટુર્નામેન્ટના પહેલા બૉલ પર હરીફ ટીમની ઓપનર આરોહી બાંબોડેને બોલ્ડ કરી હતી. તેણે પહેલી જ ઓવરમાં ત્રીજા ક્રમે રમનાર સનમાયા ઉપાધ્યાયને પણ બે રનના સ્કોર પર તંબુભેગી કરી દીધી હતી.

મુંબઈની ૧૯ વર્ષની ગુજરાતી ગર્લ હર્લી ગાલા વિમેન્સ T20 મુંબઈ લીગની પહેલી સીઝનની પહેલી મૅચની હીરો રહી હતી. તેણે સોબો મુંબઈ ફાલ્કન્સ માટે સાતમા ક્રમે રમીને ૨૦૪.૫૫ના 
સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને બાવીસ બૉલમાં અણનમ ૪૫ રન કર્યા હતા. સોબો મુંબઈ ફાલ્કન્સની કૅપ્ટન અને ભારતીય ફાસ્ટ બોલર સાયલી સાતઘરેએ ૩૫ રન આપીને ૩ વિકેટ લીધી હતી.

મેન્સ T20 મુંબઈ લીગના ઓપનિંગ ડે પર ફાસ્ટેસ્ટ ફિફ્ટી, સદી અને સુપર ઓવર જોવા મળી 
વાનખેડે સ્ટેડિયમમાં સોમવારે મેન્સ T20 લીગની ચોથી સીઝનની ધમાકેદાર શરૂઆત થઈ હતી. બપોરની મૅચમાં આઇકૉન પ્લેયર યશસ્વી જાયસવાલની ગેરહાજરીમાં ઊતરેલી બાંદરા બ્લાસ્ટર્સે ૧૮૯-૯નો સ્કોર કર્યો હતો. જવાબમાં શાર્દૂલ ઠાકુરની આગેવાની હેઠળની ઈગલ થાણે સ્ટ્રાઇકર્સે ૧૫.૨ ઓવરમાં ૧૯૪ રન કરીને ૯ વિકેટે જીત નોંધાવી હતી.


ઈગલ થાણે સ્ટ્રાઇકર્સના ઓપનર સુમીર ઝવેરીએ માત્ર ૧૮ બૉલમાં T20 મુંબઈ લીગની ફાસ્ટેસ્ટ ફિફ્ટી નોંધાવી હતી. તેના સાથી ઓપનર શાશ્વત જગતાપે ૧૪ ફોર અને 3 સિક્સના આધારે ૫૦ બૉલમાં અણનમ ૧૦૦ રન કર્યા હતા. ૭ વર્ષ પહેલાં આ લીગની પહેલી અને એકમાત્ર સેન્ચુરી જય બિસ્તાએ ફટકારી હતી. મે ૨૦૧૯માં તેણે સોબો સુપર સોનિક્સ માટે ૬૦ બૉલમાં ૧૧૦ રન કર્યા હતા.

સાંજે સરફરાઝ ખાનની આકાશ ટાઇગર્સ અને સિદ્ધેશ લાડની મરાઠા રૉયલ્સ વચ્ચેની બીજી મૅચ ૧૬૫ રને ટાઈ થઈ હતી. સુપર ઓવરમાં મરાઠા રૉયલ્સના ૧૬/૧ના સ્કોર સામે આકાશ ટાઇગર્સ ૧૧/૧નો સ્કોર કરીને હાર્યું હતું.

અજિંક્ય રહાણેની ટીમ સામે સૂર્યા ઍન્ડ કંપનીને મળી હાર

ગઈ કાલે બપોરે મેન્સ T20 મુંબઈ લીગમાં અજિંક્ય રહાણે અને સૂર્યકુમાર યાદવની ટીમ વચ્ચે હાઈ સ્કોરિંગ મૅચ રમાઈ હતી. અજિંક્ય રહાણેની આગેવાની હેઠળની નૉર્થ મુંબઈ પૅન્થર્સે ૨૦૯-૫નો સ્કોર કર્યો હતો. જવાબમાં ભારતીય ટીમના T20 કૅપ્ટન સૂર્યકુમાર યાદવની ટીમ ટ્રાયમ્ફ્સ નાઇટ્સ ૧૮૮-૮નો સ્કોર કરીને ૨૧ રને હારી હતી. 
આ મૅચમાં અજિંક્ય રહાણેએ ઓપનર તરીકે ૧૪ બૉલમાં ૩ ફોર અને એક સિક્સની મદદથી ૨૪ રન કર્યા હતા, જ્યારે સૂર્યાએ મિડલ-ઑર્ડર બૅટર તરીકે ૧૧ બૉલમાં ચાર ફોરની મદદથી ૧૯ રન કર્યા હતા. ૪૩ બૉલમાં ૬૭ રન કરનાર નૉર્થ મુંબઈ પૅન્થર્સનો ઓપનર હાર્દિક તમોર પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો. રન-ચેઝ દરમ્યાન ૫૬ બૉલમાં ૯૩ રન કરનાર નૂતન કુમાર ગોયલની ઇનિંગ્સ એળે ગઈ હતી. 

womens premier league mumbai news ajinkya rahane gujaratis of mumbai gujarati community news sports news cricket news