07 January, 2025 08:56 AM IST | Sydney | Gujarati Mid-day Correspondent
જસપ્રીત બુમરાહ
ભૂતપૂર્વ ભારતીય સ્પિનર હરભજન સિંહે BGTના પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ જસપ્રીત બુમરાહ માટે કહ્યું કે ‘સમગ્ર સિરીઝમાં માત્ર એક જ વ્યક્તિ જસપ્રીત બુમરાહનો દબદબો રહ્યો. તેણે પોતાની પૂરી જાન લગાવી દીધી. તેનો શેરડીની જેમ દબાવીને રસ કાઢી લીધો. જો ટ્રૅવિસ હેડ આવે તો બૉલ બુમરાહ પાસે જાય છે, જો માર્નસ લબુશેન અને સ્ટીવ સ્મિથ આવે તો બૉલ બુમરાહને આપવામાં આવે છે. અરે યાર, બુમરાહ કેટલી ઓવર નાખશે? તેની કમર તૂટી ગઈ. હાલત એવી હતી કે જ્યારે સિરીઝ પૂરી થઈ ત્યારે તે બોલિંગ કરવા માટે ઉપલબ્ધ નહોતો. ટીમે બુમરાહ માટે ઓવર નક્કી કરવી જોઈએ. તે આ ટૂર પર ન હોત તો ભારત પાંચ અથવા ચાર ટેસ્ટ-મૅચ હાર્યું હોત.’
હેડ કોચ ગૌતમ ગંભીર પર કર્યો કટાક્ષ
નવા હેડ કોચ ગૌતમ ગંભીરનું નામ લીધા વગર હરભજન સિંહે કહ્યું કે ‘જ્યાં સુધી રાહુલ દ્રવિડ હતો ત્યાં સુધી બધું સારું હતું. ભારતે વર્લ્ડ કપ જીત્યો અને બધું બરાબર હતું, પરંતુ અચાનક શું થયું? છેલ્લા છ મહિનામાં આપણે શ્રીલંકા સામે વન-ડે સિરીઝમાં હારી ગયા, ન્યુ ઝીલૅન્ડ સામેની ટેસ્ટ-સિરીઝમાં વાઇટવૉશ થયો અને હવે ઑસ્ટ્રેલિયામાં ટેસ્ટ-સિરીઝમાં પણ હાર. બધું જ બરબાદ થઈ ગયું હોય એવું લાગે છે.’