વિલિયમસન ફ્રેન્ડ છે, આઇપીએલમાં તેને લઈશું કે નહીં એની ખબર નથી : હાર્દિક

17 November, 2022 01:00 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

૨૦૨૨ની આઇપીએલમાં વિલિયમસને ૧૩ ઇનિંગ્સમાં માત્ર ૨૧૩ રન બનાવ્યા હતા.

કોણ બનશે ટ્રોફીનો માલિક?ઃ હાર્દિક પંડ્યા અને કેન વિલિયમસને વેલિંગ્ટનમાં ગઈ કાલે ટી૨૦ સિરીઝની ટ્રોફી સાથે પોઝ આપ્યો હતો. તસવીર એ.એફ.પી.

આવતી કાલે શરૂ થતી ટી૨૦ સિરીઝમાં ભારતનો કૅપ્ટન હાર્દિક પંડ્યા અને ન્યુ ઝીલૅન્ડનો કેન વિલિયમસન છે અને હરીફ હોવા છતાં બન્ને વચ્ચે બહુ સારી મિત્રતા છે. સ્વાભાવિક રીતે આ ફ્રેન્ડશિપ આઇપીએલને કારણે જ થઈ છે. સનરાઇઝર્સ હૈદરાબાદે પોતાના કૅપ્ટન વિલિયમસનને બુધવારે પડતો મૂકીને થોડો આંચકો જરૂર આપ્યો હશે અને એ વિશે ગઈ કાલે એક પત્રકારે હાર્દિકને ‘શું તમારી ચૅમ્પિયન ટીમ ગુજરાત ટાઇટન્સ કેન વિલિયમસનને હવે ઑક્શનમાં ખરીદવામાં રસ બતાડશે?’ એવું પૂછ્યું ત્યારે હાર્દિકે કહ્યું કે ‘કેન મારો ફ્રેન્ડ જરૂર છે, પણ તેને અમારી ટીમ ખરીદશે કે નહીં એ વિશે મને કોઈ જાણ નથી. એ આઇપીએલની વાત છે, હમણાં તો અમે ટી૨૦ સિરીઝ રમવા આવ્યા છીએ.’

૨૦૨૨ની આઇપીએલ પહેલાં ડેવિડ વૉર્નર સાથેના સંબંધો બગડવાને પગલે હૈદરાબાદના ફ્રૅન્ચાઇઝીએ વિલિયમસનને ૧૪ કરોડ રૂપિયામાં રિટેન કર્યો હતો. જોકે હૈદરાબાદની ટીમ લાગલગાટ પાંચ મૅચ જીતવા ઉપરાંત કુલ ૧૪માંથી ફક્ત ૬ મૅચ જીતી હતી. ત્યારે કોણીની ઈજામાંથી મુક્ત થઈને રમવા આવેલા વિલિયમસને ૧૩ ઇનિંગ્સમાં માત્ર ૨૧૩ રન બનાવ્યા હતા. વિલિયમસન કુલ ૮ સીઝન હૈદરાબાદ વતી રમ્યો અને ૨૦૧૮માં તેના સુકાનમાં હૈદરાબાદની ટીમ રનર-અપ બની હતી.

sports news sports indian cricket team cricket news hardik pandya sunrisers hyderabad gujarat titans kane williamson indian premier league