ઇન્ટરનેશનલ ક્રિકેટમાં હાર્દિક પંડ્યાના ૧૦ વર્ષ, ઈમોશનલ થયો ભારતીય ઓલરાઉન્ડર

27 January, 2026 02:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Hardik Pandya reflects on 10 years in International Cricket: આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૧૦ વર્ષ પૂર્ણ કર્યા હાર્દિક પંડ્યાએ; સોશ્યલ મીડિયા પર શૅર કરી ઈમોશનલ પોસ્ટ; ક્રિકેટ રમતા રમતા વૃદ્ધ થઈ જવાની વાત કહી ભારતીય ઓલરાઉન્ડરે

હાર્દિક પંડ્યાની ફાઇલ તસવીર

સ્ટાર ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya)એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૧૦ વર્ષ પૂર્ણ કર્યા છે. ૩૨ વર્ષીય ક્રિકેટરે ૨૬ જાન્યુઆરી, ૨૦૧૬ના રોજ ઓસ્ટ્રેલિયા (Australia) સામે દેશ માટે પોતાની પહેલી આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. ત્યારથી, તેણે ક્યારેય પાછળ વળીને જોયું નથી. તે હાલમાં બ્લુ ટીમનો એક અભિન્ન ભાગ છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં દસ વર્ષ પૂર્ણ કર્યા હોવાથી હાર્દિક પંડ્યાએ સોશ્યલ મીડિયા (Social Media) પર એક ઈમોશનલ પોસ્ટ શૅર કરી છે.

હાર્દિક પંડ્યા થયો ઈમોશનલ

હાર્દિક પંડ્યાએ ૨૬ જાન્યુઆરી, ૨૦૧૬ના રોજ એડિલેડ (Adelaide)માં ઓસ્ટ્રેલિયા સામે વનડે ડેબ્યૂ કર્યું હતું. પ્રજાસત્તાક દિવસે ડેબ્યૂ કરવું તેના માટે ખૂબ જ ખાસ ક્ષણ હતી. એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં હાર્દિક પંડ્યાએ લખ્યું છે કે, ‘દસ વર્ષ પછી, હું ૩૩ વર્ષનો છું. મારા દેશ માટે રમવું અને સેવા કરવી એ બંને મારા માટે ગર્વનો વિષય છે. તમારા બધા તરફથી મળેલા પ્રેમ માટે હું ખૂબ આભારી છું. દરેક વસ્તુ માટે આભાર. મને અહીં લાવનારા બધા કષ્ટો માટે, ઘણા લોકોએ મારા પર વિશ્વાસ કરીને મને આપેલી તકો માટે અને મને જે જીવન જીવવાની તક મળી છે તે માટે હું ભગવાનનો પણ આભારી છું. આ વર્ષે મને શીખવ્યું છે કે આ તો ફક્ત શરૂઆત છે. હું ફક્ત તે માર્ગ પર આગળ વધી રહ્યો છું જેના પર હું ખરેખર ચાલવા માંગુ છું.’

બાળપણથી આજ સુધીની સફરની ઝલક

હાર્દિકે પોતાના બાળપણની મહેનત યાદ કરી. તેણે કહ્યું, ‘જો હું પાછળ ફરીને જોઉં છું, તો મને બરોડાનો યુવાન હાર્દિક યાદ આવે છે, જે રમવા માટે થોડા વધારાના માઇલ દોડતો હતો. એક એવો બેટ્સમેન જે નેટમાં બોલરોને વધુ બોલ ફેંકતો હતો કારણ કે તેને બેટિંગ પ્રેક્ટિસ કરવાની તક મળતી ન હતી. ૧૯ વર્ષની ઉંમરે ઓલરાઉન્ડર બન્યો, ક્યારેક ઓળખાયો, ક્યારેક નકારાયો, અને પછી મારા દેશ માટે રમવાની તક મળી. આ મારા જીવનની સૌથી મૂલ્યવાન સફર રહી છે.’

તેણે આગળ લખ્યું, ‘ભગવાન પાસે મારા માટે મોટી યોજનાઓ હતી જ્યારે તેણે મને ૨૬ જાન્યુઆરીએ ડેબ્યૂ કરવાની તક આપી. આ રમત રમવાથી હું બાળકમાંથી વ્યક્તિ બની ગયો છું, અને હું આ રમત સાથે વૃદ્ધ થઈશ.’

શાનદાર રેકોર્ડ્સ

ભારતીય ક્રિકેટમાં હાર્દિક પંડ્યાનું યોગદાન ખુબ મહત્વનું છે.

વનડે: ૯૪ મેચ, ૧,૯૦૪ રન (૬૮ ઇનિંગ્સ), સરેરાશ ૩૨.૮૨, સ્ટ્રાઇક રેટ ૧૧૦.૮૯, ૧૧ અડધી સદી, શ્રેષ્ઠ સ્કોર ૯૨ અણનમ, ૯૧ વિકેટ (સરેરાશ ૩૫.૫૦)

T20I: ૧૨૭ મેચ, ૨,૦૨૭ રન, સરેરાશ ૨૮.૫૪, સ્ટ્રાઇક રેટ ૧૪૩+, ૭ અડધી સદી, શ્રેષ્ઠ સ્કોર ૭૧ અણનમ

ટેસ્ટ: ૧૮ ઇનિંગ્સ, ૫૩૨ રન, સરેરાશ ૩૧.૨૯, ૧ સદી અને ૪ અડધી સદી, શ્રેષ્ઠ સ્કોર ૧૦૧, ૧૭ વિકેટ (સરેરાશ ૩૧.૦૫), શ્રેષ્ઠ બોલિંગ ૫/૨૮

hardik pandya indian cricket team team india india one day international odi test cricket t20 international cricket news sports sports news