13 August, 2026 03:17 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હાર્દિક પંડ્યા
ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાની મુંબઈ ઇન્ડિયન્સ સાથેની સફરનો અંત આવી ગયો છે અને નેક્સ્ટ સીઝનમાં નવી ટીમ સાથે રમશે એવું ઑલમોસ્ટ ફાઇનલ થયા બાદ રોજેરોજ નવી-નવી વાતો બહાર આવી રહી છે. ચેન્નઈ, કલકત્તા અને બૅન્ગલોરની ટીમમાં જોડાવાની લાંબા સમયથી ચાલી રહેવી ચર્ચા બાદ લેટેસ્ટ ડેવલપમેન્ટમાં હાર્દિક પંડ્યાની ઇચ્છા તેની જૂની ટીમ ગુજરાત ટાઇટન્સમાં પાછા જવાની છે.
ચર્ચાઓ પ્રમાણે હાર્દિકે પાછા ફરવાની ઇચ્છા ગુજરાત ફ્રૅન્ચાઇઝીને જણાવી હતી અને તેઓ તૈયાર પણ થઈ ગયા હતા. ગુજરાતના ટીમ-મૅનેજમેન્ટે કૅપ્ટન શુભમન ગિલને પણ આ વિશે જણાવ્યું હતું અને તે પણ તેમના ભૂતપૂર્વ કૅપ્ટનને ટીમમાં વેલકમ કરવા તૈયાર થઈ ગયો હતો. બન્ને વચ્ચેની વાટાઘાટો ઑલમોસ્ટ અંતિમ તબક્કામાં હતી ત્યારે હાર્દિકે ફરી ટીમનો કૅપ્ટન બનાવવામાં આવે એવી શરત મૂકી હતી. ગુજરાતનું મૅનેજમેન્ટ શુભમન ગિલને હટાવવા જરાય તૈયાર ન હોવાથી હાર્દિકની આ શરત તેમને મંજૂર નહોતી અને ડીલને બ્રેક લાગી ગઈ હતી. હાર્દિકના કૅમ્પ તરફથી જોકે એવી સ્પષ્ટતા કરવામાં આવી રહી છે કે તેણે ટ્રાન્સફર-ટ્રેડ બાબતે કોઈ પણ ટીમ સાથે સીધી ચર્ચા કરી જ નથી.
ચર્ચા પ્રમાણે હાર્દિકે ૨૦૨૪માં ગુજરાતને છોડીને મુંબઈમાં કમબૅક કર્યું હતું ત્યારે પણ કૅપ્ટન બનાવવાની શરત મૂકી હતી. તેની એ શરતને લીધે જ મુંબઈએ તેમના ચૅમ્પિયન કૅપ્ટન રોહિત શર્માને હટાવવો પડ્યો હતો.
૨૦૨૨ની ડેબ્યુ સીઝનમાં ગુજરાતે હાર્દિકની કૅપ્ટન્સીમાં જ ચૅમ્પિયન બનીને ઇતિહાસ રચી દીધો હતો અને સતત બીજા વર્ષે ૨૦૨૩માં ફાઇનલ-પ્રવેશ કર્યો હતો, પણ ચેન્નઈ સામે હારીને રનર-અપ બનીને સંતોષ માનવો પડ્યો હતો. સતત બે વર્ષ ગુજરાતને ફાઇનલ સુધી દોરી ગયા બાદ ૨૦૨૪માં હાર્દિકે મુંબઈ ઇન્ડિયન્સમાં કમબૅક કર્યું હતું.