02 January, 2026 03:25 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હાર્દિક પંડ્યા અને જેરસિસ વાડિયા
ઑસ્ટ્રેલિયાની T20 લીગ બિગ બૅશ લીગ (BBL)માં હાલમાં મુંબઈમાં જન્મેલો જેરસિસ વાડિયા ઍડીલેડ સ્ટ્રાઇકર્સ તરફથી પહેલી સીઝન રમી રહ્યો છે. તેણે હાલમાં બ્રિસબેન હીટ સામે ૧૬ બૉલમાં એક ફોર અને ૬ સિક્સરની મદદથી ૩૪ રન ફટકાર્યા હોવાથી ભારે ચર્ચામાં છે. તેના એક ઇન્ટરવ્યુ પરથી જાણવા મળ્યું કે તેની ફૅમિલી હાર્દિક પંડ્યાની ફૅમિલીની ખૂબ નજીક છે.
જેરસિસ વાડિયાના ઇન્ટરવ્યુ અનુસાર હાર્દિક પંડ્યાએ એક સમયે તેની મમ્મી પાસેથી ટ્યુશન લીધું હતું. ક્રિકેટ-કરીઅરની શરૂઆતમાં હાર્દિક પંડ્યા મુંબઈમાં વાડિયા-ફૅમિલીના ઘરમાં રહેતો હતો. બન્ને ફૅમિલીએ વર્ષોથી ગાઢ સંબંધ જાળવી રાખ્યા છે. જેરસિસ વાડિયા માટે પંડ્યા બ્રધર્સને ડોમેસ્ટિક ક્રિકેટમાં સખત મહેનત કરતા જોવું એ એક પ્રેરણા હતી. ક્રિકેટ સાથે જોડાયેલા તેના દાદા સામે ૪ વર્ષની ઉંમરે રમવાથી તેનામાં ક્રિકેટ પ્રત્યે જુસ્સો જાગ્યો હતો.
જેરસિસ વાડિયા બરોડા માટે અન્ડર-16 અને અન્ડર-19 ક્રિકેટ રમ્યો હતો, પરંતુ કોરોના અને લૉકડાઉને તેનો ક્રિકેટ-કરીઅરનો અમૂલ્ય સમય બગાડ્યો હતો. ૨૦૨૨માં તે મમ્મી-પપ્પાની ઇચ્છા વિરુદ્ધ ઑસ્ટ્રેલિયા ગયો હતો. પહેલાં એક મહિના ઘરેથી પૈસા મળ્યા, પરંતુ પછી તેને કોચિંગ આપીને અને સંઘર્ષમય જીવન જીવીને વિદેશી ધરતી પર પોતાની જાતને ટકાવી રાખવાની ફરજ પડી હતી. બિગ બૅશ લીગની ૩ મૅચમાં તે હજી ૪૨ રન જ કરી શક્યો છે. જોકે બ્રિસબેન ટીમ સામેની શાનદાર ઇનિંગ્સ રમ્યા બાદ તેના આત્મવિશ્વાસમાં વધારો થયો છે.