17 January, 2026 11:11 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હરલીન દેઓલ
ગુરુવારે વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની આઠમી લીગ મૅચમાં યુપી વૉરિયર્ઝે હરલીન દેઓલની ધમાકેદાર ફિફ્ટીના આધારે મુંબઈ ઇન્ડિયન્સને ૭ વિકેટે હરાવીને પોતાની પહેલી જીત નોંધાવી હતી. મુંબઈએ નેટ સીવર-બ્રન્ટની ૪૩ બૉલમાં ૬૫ રનની ઇનિંગ્સના આધારે ૧૬૧-૫નો સ્કોર કર્યો હતો. હરલીન દેઓલે ચોથા ક્રમે રમીને ૧૨ ફોરની મદદથી ૩૯ બૉલમાં ૬૪ રનની અણનમ ઇનિંગ્સ રમીને યુપીને ૧૮.૧ ઓવરમાં ૩ વિકેટે ૧૬૨ રનનો ટાર્ગેટ ચેઝ કરવામાં મોટું યોગદાન આપ્યું હતું. રન-ચેઝ દરમ્યાન aમોટો સ્કોર હતો.
૨૭ વર્ષની હરલીન માટે આ ખાસ છે કારણ કે અગાઉની મૅચમાં તે ફિફ્ટી પૂરી કરવામાં ૩ રન પાછળ હતી ત્યારે હેડ કોચ અભિષેક નાયરે અન્ય પાવર હિટરને મેદાનમાં મોકલવા તેને રિટાયર્ડ આઉટ થવા માટે મજબૂર કરી હતી. દિલ્હી કૅપિટલ્સ સામેની એ મૅચમાં પહેલાં બૅટિંગ કરીને યુપીએ ૧૭ ઓવરમાં ૧૪૧-૩નો સ્કોર કર્યો હતો. ત્યારે હરલીને ૭ ફોરની મદદથી ૩૬ બૉલમાં ૪૭ રન કર્યા હતા. જોકે યુપીની ટીમ ૧૫૪-૮નો સ્કોર કર્યા બાદ એને ડિફેન્ડ કરવામાં નિષ્ફળ જતાં દિલ્હી સામે ૭ વિકેટે હારી હતી.
આજે ડબલ હેડરના રોમાંચ સાથે પૂરો થશે WPLનો નવી મુંબઈનો પહેલો તબક્કો
વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) 2026નો પહેલો તબક્કો આજે નવી મુંબઈના ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં ડબલ હેડરના રોમાંચ સાથે પૂરો થશે. પાંચ ટીમોમાંથી ટોચની અને તળિયાની ટીમોની સામસામેની ટક્કર સાથે નવી મુંબઈમાં WPL 2026નો અંતિમ જંગ જામશે.
બપોરની મૅચમાં મુંબઈ ઇન્ડિયન્સની ટક્કર યુપી વૉરિયર્ઝ સાથે અને સાંજે રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુની મૅચ દિલ્હી કૅપિટલ્સ સામે થશે. ૪ ટીમોની ટક્કરમાં ભારતની વર્લ્ડ કપ સ્ટાર્સ સામસામે ટકરાશે. WPL 2026નો આ બીજું અને અંતિમ ડબલ હેડર બનશે. ૧૯ જાન્યુઆરીથી બરોડામાં ફાઇનલ મૅચ સહિતની ૧૧ મૅચમાં ડબલ હેડર જોવા નહીં મળે.
૧-૧ મૅચ જીતનાર દિલ્હી અને યુપીની ટીમ અનુક્રમે બૅન્ગલોર અને મુંબઈની ટીમને હરાવીને બીજા તબક્કા પહેલાં આત્મવિશ્વાસ મેળવવાનો પ્રયાસ કરશે.