24 February, 2026 02:35 PM IST | Brisbane | Gujarati Mid-day Correspondent
ઑસ્ટ્રેલિયા સામેની T20 સિરીઝમાં શાનદાર ફીલ્ડિંગ બદલ ડ્રેસિંગ રૂમમાં બેસ્ટ ફીલ્ડરનો અવૉર્ડ જીતી હતી કૅપ્ટન હરમનપ્રીત કૌર.
ઑસ્ટ્રેલિયા સામે ૨-૧થી T20 સિરીઝ જીત્યા બાદ હરમપ્રીત કૌર ઍન્ડ કંપની આજે ૨૪ ફેબ્રુઆરીથી ૧ માર્ચ દરમ્યાન ૩ વન-ડેની સિરીઝ રમવા ઊતરશે. ઑસ્ટ્રેલિયા સામે એક દાયકા બાદ T20 સિરીઝ પર કબજો કર્યા બાદ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ હવે આ હરીફ સામે વન-ડે ફૉર્મેટનો રેકૉર્ડ સુધારવા માટે ઊતરશે. પહેલી મૅચ બ્રિસબેનના ધ ગૅબા સ્ટેડિયમમાં અને બાકીની બન્ને મૅચ હૉબાર્ટના મેદાન પર રમાશે. ભારતીય સમય અનુસાર ત્રણેય મૅચ સવારે ૯.૨૦ વાગ્યે શરૂ થશે.
ભારત અને ઑસ્ટ્રેલિયાની વિમેન્સ ટીમો વચ્ચે ફેબ્રુઆરી ૧૯૮૪થી સપ્ટેમ્બર ૨૦૨૫ દરમ્યાન ૧૧ વન-ડે સિરીઝ રમાઈ છે. આ તમામ વન-ડે સિરીઝ ઑસ્ટ્રેલિયાએ જ જીતી છે. બન્ને ટીમ ૬૧ વન-ડેમાં સામસામે રમી છે, એમાંથી ઑસ્ટ્રેલિયા ૪૯ અને ભારત માત્ર ૧૨ મૅચ જીત્યું છે. ગયા વર્ષે ૩૦ ઑક્ટોબરે બન્ને વચ્ચે છેલ્લી વન-ડે મૅચ રમાઈ હતી એમાં ભારતે પાંચ વિકેટે ધમાકેદાર જીત નોંધાવી હતી.