23 December, 2025 11:05 AM IST | Visakhapatnam | Gujarati Mid-day Correspondent
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ
રવિવારે હરમનપ્રીત કૌર ઍન્ડ કંપની શ્રીલંકાના ૧૨૨ રનનો ટાર્ગેટ ૧૪.૪ ઓવરમાં ચેઝ કરીને ૮ વિકેટે પહેલી T20 મૅચ જીતી હતી. જેમિમા રૉડ્રિગ્સ ૬૯ રનની અણનમ ઇનિંગ્સ રમીને પ્લેયર ઑફ ધ મૅચ અવૉર્ડ જીતી હતી. આજે વિશાખાપટનમમાં ભારત અને શ્રીલંકા વચ્ચે પાંચ મૅચની સિરીઝની બીજી T20 મૅચ રમાશે. આ બીજી મૅચમાં ભારતીય ટીમ લીડ વધારવાની સાથે ફીલ્ડિંગ સુધારવા પર ફોકસ કરશે.
પહેલી T20 મૅચમાં ભારતીય પ્લેયર્સે ચાર કૅચ છોડ્યા હતા. સ્મૃતિ માન્ધના અને શ્રી ચારણી સહેલા કૅચ છોડતી જોવા મળી હતી. વિમેન્સ ટીમે આ પહેલાં ૨૦૧૮માં પાકિસ્તાન સામે અને ૨૦૨૦માં શ્રીલંકા સામેની T20 ઇનિંગ્સમાં સૌથી વધુ ચાર-ચાર કૅચ છોડ્યા હતા.
ખરાબ ફીલ્ડિંગ વિશે વાત કરતાં કૅપ્ટન હરમનપ્રીત કૌરે કહ્યું હતું કે ‘અમે અમારી ફીલ્ડિંગ પર ખૂબ મહેનત કરી રહ્યાં છીએ પણ મને ખબર નથી કે અમારાથી કેમ કૅચ છૂટી રહ્યા છે. અમે આગામી મૅચમાં વધુ સારો અભિગમ અપનાવીશું. અમે લગભગ એક મહિના પછી રમી રહ્યાં છીએ એથી પ્લેયર્સ બિનજરૂરી જોખમ લેવાનું ટાળી રહ્યા છે.’
શ્રીલંકા સામેની T20 સિરીઝમાં વિજયી શરૂઆત કર્યા બાદ ભારતીય ટીમે ગઈ કાલે એક ધાર્મિક વિઝિટ કરી હતી. આ મહિનાની શરૂઆતમાં વિરાટ કોહલી વિશાખાપટનમના જે શ્રી વરાહલક્ષ્મી નરસિંહસ્વામી મંદિરમાં ગયો હતો ત્યાં ભારતની ચૅમ્પિયન વિમેન્સ ટીમ દર્શન કરવા પહોંચી હતી. કૅપ્ટન હરમનપ્રીત કૌર અને વાઇસ કૅપ્ટન સ્મૃતિ માન્ધના સહિતની ખેલાડીઓએ પરંપરાગત ધાર્મિક વિધિમાં ભાગ લીધો હતો.