01 July, 2026 03:30 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
જપાનમાં આગામી ૧૯ સપ્ટેમ્બરથી ૪ ઑક્ટોબર વચ્ચે એશિયન ગેમ્સ રમાશે. વિમેન્સ T20 ક્રિકેટ ઇવેન્ટ માટે ભારતે ૧૫ સભ્યોની સ્ક્વૉડની જાહેરાત કરી છે. આ અઠવાડિયાની શરૂઆતમાં વિમેન્સ T20 વર્લ્ડ કપના ગ્રુપ-સ્ટેજમાં બહાર થઈ ગયેલી હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ટીમમાંથી આ એકમાત્ર ફેરફાર થયો છે.
ગુજરાતના બરોડાની ૨૫ વર્ષની વિકેટકીપર-બૅટર યાસ્તિકા ભાટિયાના સ્થાને તામિલનાડુની ૧૭ વર્ષની જી. કમલિનીને ટીમમાં સ્થાન મળ્યું છે. ડિસેમ્બર ૨૦૨૫માં શ્રીલંકા સામે ડેબ્યુ કર્યા બાદ જી. કમલિની ભારત માટે કોઈ પણ T20 મૅચ રમી નથી. યાસ્તિકા ભાટિયાએ વર્લ્ડ કપ દરમ્યાન ત્રણ ઇનિંગ્સમાં ૧૩.૬૭ના ઍવરેજથી માત્ર ૪૧ રન બનાવ્યા હતા.
ઑફ-સ્પિનર શ્રેયંકા પાટીલ જે પગની ઘૂંટીની ઇન્જરીને કારણે વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગઈ હતી તેને તેની ફિટનેસ સાબિત કરવાની શરતને આધીન ટીમમાં સામેલ કરવામાં આવી છે. ઇન્જરીને કારણે શ્રેયંકાના સ્થાને સામેલ કરાયેલી પ્રેમા રાવત એશિયન ગેમ્સ માટે પસંદ કરાયેલી ટીમનો ભાગ નથી.
ભારત ડિફેન્ડિંગ ચૅમ્પિયન તરીકે ટુર્નામેન્ટમાં પ્રવેશ કરશે. ચીનમાં છેલ્લી એશિયન ગેમ્સમાં વિમેન્સ ક્રિકેટ સ્પર્ધામાં ભારતે ગોલ્ડ મેડલ જીત્યો હતો. વિમેન્સ T20 વર્લ્ડ કપ 2026ના નિષ્ફળ અભિયાન છતાં હરમનપ્રીત કૌરને કૅપ્ટન તરીકે જાળવી રાખવામાં આવી છે.
એશિયન ગેમ્સ માટે ભારતીય સ્ક્વૉડ: હરમનપ્રીત કૌર (કૅપ્ટન), સ્મૃતિ માન્ધના (વાઇસ-કૅપ્ટન), શફાલી વર્મા, જેમિમા રૉડ્રિગ્સ, દીપ્તિ શર્મા, રિચા ઘોષ, જી. કમલિની, ભારતી ફૂલમાલી, શ્રી ચરણી, રેણુકા સિંહ ઠાકુર, ક્રાન્તિ ગૌડ, અરુધંતી રેડ્ડી, શ્રેયંકા પાટીલ, રાધા યાદવ, નંદીની શર્મા.