હર્ષલ પટેલ ભારતીય ક્રિકેટનું રત્ન બની શકે : તેન્ડુલકર

18 May, 2022 01:48 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દેશના બેસ્ટ ડેથ-ઓવર બોલર્સમાં તેનો અચૂક સમાવેશ કરવો પડે : સચિન

હર્ષલ પટેલ

૨૦૨૧ની આઇપીએલના સર્વશ્રેષ્ઠ બોલર હર્ષલ પટેલે એ સીઝનમાં ૧૫ મૅચમાં ૩૨ વિકેટ લઈને પર્પલ કૅપ મેળવી હતી અને આ વખતે તેણે ૧૨ મૅચમાં ૧૮ વિકેટ લઈને પોતાના ફ્રૅન્ચાઇઝીને નિરાશ નથી કર્યું.
ગુજરાતના સાણંદમાં જન્મેલો હર્ષલ વિક્રમભાઈ પટેલ બે વર્ષથી આઇપીએલમાં પોતાના વેરિએશન્સથી અને ખાસ કરીને ડેથ-ઓવરની સફળ બોલિંગથી રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર (આરસીબી)ની ટીમને મોટી મુશ્કેલીમાંથી ઉગારી છે. બીજી રીતે કહીએ તો આરસીબીએ તેને ૧૦.૭૫ કરોડ રૂપિયામાં ખરીદ્યો છે અને તે જંગી રકમને અનુરૂપ પર્ફોર્મ કરી રહ્યો છે.
વિકેટની સેન્ચુરીની નજીક
૩૧ વર્ષનો આ રાઇટ-આર્મ મીડિયમ બોલર અગાઉ દિલ્હી કૅપિટલ્સ વતી પણ રમી ચૂક્યો છે. તેણે ૨૦૧૨થી અત્યાર સુધી આઇપીએલમાં કુલ ૯૬ વિકેટ લીધી છે અને ગણતરીના દિવસોમાં વિકેટની સદી પૂરી કરતો જોવા મળશે.
આરસીબી ગઈ કાલે ૧૩ મૅચ બાદ ૧૪ પૉઇન્ટ સાથે ૧૦ ટીમના લિસ્ટમાં પાંચમા સ્થાને હતી. સચિન તેન્ડુલકર ખાસ કરીને હર્ષલથી ખૂબ પ્રભાવિત છે. સચિને પોતાની યુટ્યુબ ચૅનલ પર હર્ષલને ભારતીય ક્રિકેટના આગામી સમયકાળના રત્ન તરીકે ઓળખાવતાં કહ્યું છે કે ‘આરસીબીની દરેક મૅચમાં હર્ષલની બોલિંગમાં સુધારો જોવા મળ્યો છે. ડેથ ઓવર્સની બોલિંગની વાત આવે ત્યારે હું હર્ષલને દેશભરના બોલર્સમાં અચૂક સામેલ કરવાનું પસંદ કરીશ.’
હેઝલવુડ કરતાં હર્ષલ ચડિયાતો
૧૩ મેએ બ્રેબર્નમાં પંજાબ સામે બૅન્ગલોરનો પરાજય થયો હતો, પણ એમાં હર્ષલ પટેલ (૪-૦-૩૪-૪) સુપરસ્ટાર બોલર હતો. એ જ મૅચમાં બૅન્ગલોરના જ જૉશ હેઝલવુડ (૪-૦-૬૪-૦)નો સૌથી ખરાબ દેખાવ હતો, પરંતુ હર્ષલને કારણે પંજાબની ટીમ ૨૧૦ રનનો આંક પાર નહોતી કરી શકી.
આવતી કાલે ગુજરાત સામે મૅચ
આવતી કાલે વાનખેડેમાં બૅન્ગલોરની ગુજરાત ટાઇટન્સ સામે મહત્ત્વની મૅચ છે અને એમાં હર્ષલે બધી તાકાત અને ટૅલન્ટ કામે લગાડી દેવી પડશે.

226
હર્ષલ પટેલે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં કુલ આટલી વિકેટ લીધી છે અને ૮/૩૪ તેનો બેસ્ટ પર્ફોર્મન્સ છે.

cricket news sports news sports