રિકી પૉન્ટિંગે જે બૅટથી સદી ફટકારી હતી એ બધાં બૅટ હજી પણ સાચવી રાખ્યાં છે

27 April, 2024 08:27 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‍દરેક બૅટ પર સ્કોર અને હરીફ ટીમનું નામ લખ્યું છે, આ ઉપરાંત પ્રથમ બૅટથી લઈને જુદાં-જુદાં ૧૦૦૦થી પણ વધુ બૅટ ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન કૅપ્ટન પાસે છે

રિકી પૉન્ટિંગ

ઑસ્ટ્રેલિયાને બે વાર વર્લ્ડ ચૅમ્પિયન બનાવનાર ભૂતપૂર્વ કૅપ્ટન રિકી પૉન્ટિંગ પાસે ૧૦ કે ૨૦ નહીં, ૧૦૦૦થી વધુ બૅટનું ક્લેક્શન છે. પૉન્ટિંગે કરીઅર દરમ્યાન ભલાભલા બોલરોની ખબર લઈ નાખતાં તેનાં પરાક્રમોની યાદોને વ્યવસ્થિત રીતે સાચવી રાખી છે.

૪૯ વર્ષના પૉન્ટિંગે ૨૦૧૨માં રિટાયર થતાં પહેલાં ૪૧ ટેસ્ટ-સેન્ચુરી સહિત કુલ ૭૧ ઇન્ટરનૅશનલ સેન્ચુરી ફટકારી હતી. તેણે આ બધી સેન્ચુરી દરમ્યાનનાં બૅટ પર સ્કોર અને હરીફ ટીમનાં નામ લખીને સાચવી રાખ્યાં છે. એક કાર્યક્રમ દરમ્યાન પૉન્ટિંગે આ બાબતે કહ્યું હતું કે ‘તમે માનો કે ન માનો, મારા ઘરે મારું પ્રથમ બૅટ પણ છે. એના પર બધાં સ્ટિકર પણ હજી એમનેમ જ છે. મારી પાસે અત્યારે ૧૦૦૦ જેટલાં બૅટ છે. એમાંથી અમુક મારા માટે ખૂબ જ ખાસ છે. મારી ઇન્ટરનૅશનલ સેન્ચુરી દરમ્યાનનાં દરેક બૅટ સ્કોર અને હરીફ ટીમનાં નામ સાથે સાચવી રાખ્યાં છે.’

પૉન્ટિંગના સૌથી યાદગાર પર્ફોર્મન્સમાંની એક ૨૦૦૩ના વર્લ્ડ કપની ફાઇનલમાં ભારત સામેની ૧૪૦ રનની ઇનિંગ્સ પણ છે. એ ઇનિંગ્સ દરમ્યાનનું બૅટ પણ સાચવી રાખ્યું હોવાનું જણાવીને પૉન્ટિંગે કહ્યું કે આ બધાં બૅટ મેં મારા ઘરમાં પ્રદર્શન માટે ગોઠવી નથી રાખ્યાં, પણ ગૅરેજમાં સાચવી રાખ્યાં છે.

ricky ponting australia cricket news sports sports news