દર વર્ષે આઇપીએલની એક સીઝન ભારતમાં અને બીજી વિદેશમાં રાખો : નેસ વાડિયા

18 June, 2022 04:52 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પંજાબ કિંગ્સના કો-ઓનર કહે છે, ‘ફુટબૉલની ઇંગ્લિશ પ્રીમિયર લીગમાં દરેક ટીમ ૩૮ મૅચ રમે છે, જ્યારે આપણી આઇપીએલમાં માંડ ૧૪ મૅચ રમાય છે’

નેસ વાડિયા

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની પંજાબ કિંગ્સ ટીમના કો-ઓનર નેસ વાડિયાએ કહ્યું છે કે ‘બીસીસીઆઇને આગામી પાંચ વર્ષ માટેના ટીવી અને ડિજિટલ રાઇટ્સના ઑક્શનમાં કુલ ૪૮,૩૯૦ કરોડ રૂપિયા (૬.૨ અબજ ડૉલર)નો જૅકપૉટ લાગ્યો છે અને આ ટુર્નામેન્ટ ઇંગ્લિશ પ્રીમિયર લીગ (ઈપીએલ) કરતાં વધુ મૂલ્યવાન બની ગઈ છે તો પછી હવે દર વર્ષે આઇપીએલનો સમયગાળો વધારવો જોઈએ. જો દર વર્ષે હાલના બે મહિનાને બદલે હવે ચાર મહિનાની આઇપીએલ શક્ય ન હોય તો એને બે તબક્કામાં રાખવી જોઈએ. દર વર્ષે આઇપીએલની એક સીઝન ભારતમાં અને બીજી સીઝન અન્ય કોઈ દેશમાં રાખવી જોઈએ. ભારતીયો વિશ્વભરમાં ફેલાયેલા છે.’
૨૦૨૩થી ૨૦૨૭ સુધીના ટીવી-પ્રસારણના રાઇટ્સ અમેરિકાના ડિઝની સ્ટારે અને ભારતમાંના તેમ જ અન્ય અનેક દેશોમાંના ડિજિટલ રાઇટ્સ રિલાયન્સ ગ્રુપની વાયકૉમ18 કંપનીએ ખરીદ્યા છે.
આગામી પાંચ વર્ષમાં એક સીઝનદીઠ આઇપીએલની વધુમાં વધુ ૯૪ મૅચ રમાશે. બીસીસીઆઇના સેક્રેટરી જય શાહે જણાવ્યા મુજબ આઇસીસીના નવા એફટીપી કૅલેન્ડરથી આઇપીએલ બેને બદલે અઢી મહિનાની થશે.
૨૦૦૫થી ૨૦૦૯ સુધી અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા અને નેસ વાડિયા વચ્ચેના રોમૅન્સને લગતી બાબતો મીડિયામાં ખૂબ ચગી હતી.
નેસ વાડિયાએ પી.ટી.આઇ.ને એવું પણ ખાસ કહ્યું કે ‘દર વર્ષે ૭ હોમ મૅચ રમાય એ તો બહુ ઓછી કહેવાય. દરેક ટીમને હોમ ગ્રાઉન્ડ પર ઓછામાં ઓછી ૧૪ મૅચ તો રમવા મળવી જ જોઈએ. ગયા વર્ષ સુધી ૮ ટીમ હતી, તો દરેક ટીમના ભાગે ૧૪ મૅચ આવતી હતી. 
આ વર્ષે ટીમ વધીને ૧૦ થઈ તો પણ દરેકના ભાગે (પ્લે-ઑફ પહેલાં) વધુમાં વધુ ૧૪ મૅચ જ રમવાની આવી. ફુટબૉલની ઈપીએલમાં દર સીઝનમાં પ્રત્યેક ટીમે ૩૮ મૅચ રમવાની હોય છે, જ્યારે આપણી આઇપીએલમાં એ આંકડો માંડ ૧૪ છે.’

sports news sports cricket news ipl 2022