10 September, 2026 12:35 PM IST | chennai | Gujarati Mid-day Correspondent
બીજી ઇનિંગ્સમાં ઈસ્ટ ઝોન માટે ત્રીજી વિકેટ માટે ઈશાન કિશન અને શિખર મોહને ૧૭૦ બૉલમાં ૧૨૬ રનની ભાગીદારી કરી હતી.
ચેપૉક સ્ટેડિયમમાં રમાતી દુલીપ ટ્રોફી ૨૦૨૬-’૨૭ની ફાઇનલમાં ઈસ્ટ ઝોને ટાઇટલ પર પકડ મજબૂત બનાવી છે. ચોથા દિવસે તિલક વર્માના ૯૯ રનની મદદથી સાઉથ ઝોને પહેલી ઇનિંગ્સમાં ૧૦૭.૩ ઓવર રમીને ૩૩૬-૧૦નો સ્કોર કર્યો હતો. ૩૭૨ રનની લીડ સાથે બીજી ઇનિંગ્સમાં ટાર્ગેટ સેટ કરવા ઊતરેલી ઈસ્ટ ઝોનની ટીમે ચોથા દિવસના અંતે ૫૧ ઓવરમાં ૨૧૨-૫નો સ્કોર કરીને ૫૮૪ રનની જંગી લીડ મેળવી હતી.
ચોથા દિવસે સાઉથ ઝોને ૮૧મી ઓવરમાં ૨૪૨/૬ના સ્કોર સાથે પહેલી ઇનિંગ્સ આગળ વધારી હતી. કૅપ્ટન તિલક વર્માએ ૨૧૧ બૉલમાં નવ ફોરની મદદથી ૯૯ રન કર્યા હતા. સ્પિનર મોહમ્મદ કુરેશી સામે તિલક વર્મા કૅચ-આઉટ થઈને સદી ચૂકી ગયો હતો.
૩૭૨ રનની લીડ સ્થાપિત કરવા છતાં ઈસ્ટ ઝોને સાઉથ ઝોન સામે ફૉલો-ઑન લાગુ ન કરવાનો નિર્ણય લીધો હતો. એણે ચોથા દિવસે બે સંપૂર્ણ સેશન સુધી બૅટિંગ કરી હતી. પાંચમી ઓવરમાં ઈસ્ટ ઝોને ૧૩ રનના સ્કોરે બન્ને ઓપનર્સની વિકેટ ગુમાવી દીધી હતી. વૈભવ સૂર્યવંશીએ ૧૬ બૉલમાં ૮ રન અને અભિમન્યુ ઈશ્વરને ૧૩ બૉલમાં ૩ રનનું યોગદાન આપ્યું હતું.
ત્રીજી વિકેટ માટે ઈશાન કિશન અને શિખર મોહને ૧૭૦ બૉલમાં ૧૨૬ રનની ભાગીદારી કરી હતી. ઈશાન કિશને ૯૮ બૉલમાં ૯ ફોર અને ત્રણ સિક્સને આધારે ૮૦ રન કર્યા હતા. શિખર મોહને ૮૫ બૉલમાં પાંચ ફોર અને એક સિક્સના આધારે બાવન રન કર્યા હતા.
જો આજે ફાઇનલ મૅચના પાંચમા દિવસે સાઉથ ઝોન અને ઈસ્ટ ઝોન વચ્ચેની ફાઇનલ મૅચ ડ્રૉ થાય તો ટ્રોફી શૅર કરવામાં નહીં આવે. એના બદલે પ્રથમ ઇનિંગ્સમાં લીડ ધરાવતી ટીમને ચૅમ્પિયન જાહેર કરવામાં આવશે. આ નિયમ સ્થાપિત કરવામાં આવ્યો છે જેથી સ્પષ્ટ વિજેતા નક્કી થાય.