જૂના યુઝીએ કરી છે વાપસી

17 September, 2021 08:01 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ટી૨૦ વર્લ્ડ કપની ટીમમાંથી પડતા મુકાયેલા યુઝવેન્દ્ર ચહલે આઇપીએલ પહેલાં કર્યો હુંકાર

યુઝવેન્દ્ર ચહલ

ભારતની ટી૨૦ વર્લ્ડ કપની ટીમમાં જો કોઈ મોટો ફેરબદલ હોય તો એ છે કે લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલની હકાલપટ્ટી. આ બોલરે જોકે આઇપીએલના બીજા તબક્કામાં શાનદાર બોલિંગની ખાતરી આપી હતી. બૅન્ગલોરની ટીમના ટ્રેઇનિંગ સેશન દરમ્યાન હંમેશાં મજાકના મૂડમાં રહેતા બોલરે બૅટિંગ કરવાની તૈયારી પણ દેખાડી હતી. જોકે એક જ શરત હતી કે ગ્લેન મૅક્સવેલ બોલિંગ નાખે. ટીમ સાથે પહેલા ટ્રેઇનિંગ સેશન બાદ ચહલે કહ્યું હતું કે ‘મેં જે પ્રમાણે બોલિંગ કરી છે એનાથી હું ખુશ છું. પૉઇન્ટ ટેબલમાં અમારી સ્થિતિ સારી છે. તમે લાંબા સમય બાદ સારી બોલિંગ કરી શકો તો સ્વાભાવિક રીતે તમે ખુશ થાઓ. આજે હું એટલું જ કહીશ કે જૂના યુઝીએ વાપસી કરી છે.’

બાયો-બબલમાં કેસ આવવાને કારણે મે મહિનામાં મુલતવી રાખવામાં આવેલો આઇપીએલનો બીજો તબક્કો રવિવારથી યુએઈમાં શરૂ થઈ રહ્યો છે. ચહલને ફરી ભારતીય ટીમમાં તક મળે એ માટે પણ સારું પ્રદર્શન કરવું પડશે. આઇપીએલના પહેલા તબક્કામાં એનું પ્રદર્શન સારું નહોતું. સ્પિનરોને મદદગાર એવી ચેન્નઈની પિચ પર ચહલ લય મેળવવા માટે સંઘર્ષ કરતો હતો. સાત મૅચમાં તે માત્ર ચાર વિકેટ જ ઝડપી શક્યો હતો.

ટ્રેઇનિંગ સેશન દરમ્યાન સાઉથ આફ્રિકાના એબી ડિવિલિયર્સે સેશન

શરૂ થાય એ પહેલાં ચહલ અને મૅક્સવેલને આવકાર્યા હતા. હેડ કોચ માઇક હેસને સેશન માટેની યોજના તૈયાર કરી હતી. તેણે કહ્યું હતું કે ‘પ્રૅક્ટિસ કરતાં પહેલાં તમામને જણાવવામાં આવ્યું હતું કે તેમની શું ભૂમિકા છે. એથી નેટ પર જાઓ ત્યારે ખબર હોય કે શું કરવાનું છે.’ લીગ મોકૂફ રાખવામાં આવી હતી ત્યારે સાત પૈકી પાંચ મૅચ જીતનાર બૅન્ગલોરની ટીમ ત્રીજા ક્રમાંકે હતી.  

sports sports news cricket news indian premier league ipl 2021 Yuzvendra Chahal