23 February, 2025 07:32 AM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
અમૃતસરમાં પ્રખ્યાત પતંગ નિર્માતા જગમોહન કનોજિયાએ ICC ચેમ્પિયન્સ ટ્રૉફી મૅચમાં પાકિસ્તાન સામે ભારતીય ટીમને જીત પહેલા શુભેચ્છા આપવા પતંગો બનાવી હતી. (તસવીર: એજન્સી)
પાકિસ્તાનમાં આઇસીસી ચેમ્પિયન્સ ટ્રૉફી 2025ની આજે ચોથી મૅચ શરૂ થઈ છે. જોકે કાલે દુબઈમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેગા મુકાબલા યોજવાનો છે. આજે પાકિસ્તાનમાં ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ વચ્ચે મૅચ શરૂ છે. આ મૅચમાં એક એવી ઘટના બની હતી જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. આ ઘટના પાકિસ્તાન માટે એક ખરાબ સ્વપ્ન બની છે. કારણ કે મૅચ પહેલા પાકિસ્તાનના સ્ટેડિયમમાં ભૂલથી ભારતનું રાષ્ટ્રગીત ‘જન ગણ મન’ શરૂ થઈ ગયું હતું.
ભારત ચેમ્પિયન્સ ટ્રૉફી 2025 માટે પણ પ્રવાસ કરી નથી રહ્યું ત્યારે પાકિસ્તાનના લાહોરમાં ભારતીય રાષ્ટ્રગીત `જન ગણ મન` વાગવાનું શરૂ થયું હતું. આ ઘટના લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ વચ્ચે ગ્રુપ B મૅચ પહેલા બની હતી. ઇંગ્લૅન્ડનું રાષ્ટ્રગીત સમાપ્ત થયા પછી, ઑસ્ટ્રેલિયાના રાષ્ટ્રગીતનો સમય આવ્યો, જોકે તેના બદલે ભારતના રાષ્ટ્રગીતની `ભારત ભાગ્ય વિધાતા` આ એક પંક્તિ પ્લે થઈ હતી.
આ ભૂલ ટૂંક સમયમાં સુધારી લેવામાં આવી હતી પરંતુ સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં લોકોએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે. પાકિસ્તાન અને ભારત વચ્ચેની મૅચ પહેલા, ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર આઝમ ખાને મોહમ્મદ રિઝવાનની આગેવાની હેઠળની પાકિસ્તાન ટીમને શુભેચ્છા પાઠવી હતી અને કહ્યું હતું કે જે ટીમ વધુ સારી રીતે રમશે તે મૅચ જીતશે. પાકિસ્તાન કટ્ટર હરીફ ભારતનો સામનો કરીને તેના ટાઇટલ ડિફેન્સને જીવંત રાખવા માટે લડશે. પાકિસ્તાન ન્યુઝીલૅન્ડ સામે 60 રનથી હારી ગયું હતું.
"હું પાકિસ્તાન ક્રિકેટ ટીમને શુભકામનાઓ પાઠવું છું. આ ફક્ત એક રમત છે. આ એક હાઇ વોલ્ટેજ મુકાબલો હશે, અને જે ટીમ ઓછી ભૂલો કરશે તે મૅચ જીતશે," આઝમ ખાને ANI સાથે વાત કરતા કહ્યું. આ ઉપરાંત, 26 વર્ષીય ખેલાડીએ બન્ને ટીમો વચ્ચેની દુશ્મનાવટ પર વાત કરી. "ભારત અને પાકિસ્તાન વચ્ચેની દુશ્મનાવટ મેદાનની બહાર છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, બન્ને ટીમો વચ્ચેની મેચો મૈત્રીપૂર્ણ રીતે રમાઈ છે," આઝમ ખાને ઉમેર્યું.
ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ વચ્ચે જોરદાર મુકાબલો જામ્યો છે. ઑસ્ટ્રેલિયાએ ટૉસ જીતીને પહેલા બૉલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલી ઈનિંગ્સમાં ઇંગ્લૅન્ડના બેન ડકેટે શાનદાર સદી ફટકતી છે, તો જો રૂટે પણ 68 રનની ઈનિંગ્સ રમી છે. 34માં સુધી ઇંગ્લૅન્ડે ચાર વિકેટ ગુમાવતાં 219 રન ફટકાર્યા છે. તો ઑસ્ટ્રેલિયાના સ્પિન બૉલરો ઍડમ ઝૅમ્પાએ બે તો પેસર બેન દ્વારશુઇસે બે વિકેટ લીધી છે. જોકે દરેકને આવતીકાલે દુબઈમાં થનારી ભારત અને પાકિસ્તાનની મૅચની રાહ જોઈ રહ્યા છે.