17 January, 2026 12:28 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિરાટ કોહલી
ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ને હાલમાં વિરાટ કોહલીના ફૅન્સ તરફથી ભારે ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો. બુધવારે ICCએ એની પ્રેસ-રિલીઝ અને સોશ્યલ મીડિયા હૅન્ડલ્સમાં વિરાટ કોહલીના એક આંકડા વિશે મોટી ભૂલ કરી હતી. લાંબા સમય સુધી વિશ્વના નંબર વન બૅટ્સમૅન તરીકે રહેવાના રેકૉર્ડ-લિસ્ટમાં કિંગ કોહલીને ૮૨૫ દિવસ સાથે દસમા ક્રમે રાખવામાં આવ્યો હતો.
ઘણા ચાહકોએ સોશ્યલ મીડિયા પર ICCની ખોટી સંખ્યા માટે ટીકા કરી. ICCએ ગુરુવારે પોતાના સોશ્યલ મીડિયા હૅન્ડલ્સ પરથી પોસ્ટ ડિલીટ કરીને પ્રેસ-રિલીઝમાં ભૂલ સુધારી હતી. પ્રેસ-રિલીઝમાં પછીથી લખવામાં આવ્યું હતું કે ‘ભારતનો ભૂતપૂર્વ કૅપ્ટન ઑક્ટોબર ૨૦૧૩માં પ્રથમ વખત વન-ડે બૅટિંગ-રૅન્કિંગમાં ટોચ પર પહોંચ્યો હતો અને કુલ ૧૫૪૭ દિવસ નંબર વન પર રહ્યો છે. એ કોઈ પણ ભારતીય બૅટ્સમૅન દ્વારા સૌથી વધુનો રેકૉર્ડ છે. તે ઑલટાઇમ લિસ્ટમાં વેસ્ટ ઇન્ડીઝના વિવિયન રિચર્ડ્સ (૨૩૦૬ દિવસ) અને બ્રાયન લારા (૨૦૭૯ દિવસ) બાદ ત્રીજા ક્રમે છે.’