16 February, 2026 09:11 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અફઘાનિસ્તાનનો કૅપ્ટન રાશિદ ખાન, UAEનો કૅપ્ટન મુહમ્મદ વસીમ
મેન્સ T20 વર્લ્ડ કપ 2026ના દસમા દિવસની શરૂઆત ગ્રુપ Dની ટીમોની ટક્કરથી થશે. યુનાઇટેડ આરબ એમિરેટ્સ ન્યુ ઝીલૅન્ડ સામેની ૧૦ વિકેટની હાર બાદ કૅનેડા સામે પાંચ વિકેટે જીતીને આવી છે. અફઘાનિસ્તાનની ટીમ ન્યુ ઝીલૅન્ડ અને સાઉથ આફ્રિકા સામે મૅચ હારી હોવાથી પોતાની પહેલી જીતની શોધમાં છે. બન્ને ટીમ વચ્ચે ૧૪ T20 મૅચ રમાઈ છે એમાંથી અફઘાનિસ્તાન ૧૧ મૅચ જીત્યું છે અને માત્ર ૩ હાર્યું છે. વન-ડેમાં થયેલી ૬ ટક્કરમાંથી યુનાઇટેડ આરબ એમિરેટ્સે પહેલી અને અંતિમ મૅચ જ જીતી હતી. વચ્ચેની તમામ મૅચમાં અફઘાનિસ્તાન વિજેતા રહ્યું હતું.
ઇંગ્લૅન્ડનો કૅપ્ટન હૅરી બ્રૂક, ઇટલીનો કૅપ્ટન વેઇન મૅડસન
ઇટલી સામે ઇંગ્લૅન્ડ આજે પોતાના ગ્રુપ Cની ચોથી અને અંતિમ મૅચ રમવા ઊતરશે. ઇંગ્લૅન્ડને ૩ મૅચમાં નેપાલ, સ્કૉટલૅન્ડ સામે જીત મળી છે, જ્યારે ટેબલ-ટૉપર વેસ્ટ ઇન્ડીઝ સામે એકમાત્ર હાર મળી છે. પહેલી વખત વર્લ્ડ કપ રમનાર ઇટલીને સ્કૉટલૅન્ડ સામેની હાર બાદ નેપાલ સામે પહેલી જીત મળી હતી. આ બન્ને ટીમ વચ્ચે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં પહેલી ટક્કર આજે થશે.
આૅસ્ટ્રેલિયાનો કૅપ્ટન મિચલ માર્શ, શ્રીલંકાનો કૅપ્ટન દસુન શનાકા
ગ્રુપ Bમાં આયરલૅન્ડ સામે ૬૭ રનની જીત સાથે અભિયાનની શરૂઆત કરનાર ઑસ્ટ્રેલિયાને છેલ્લી મૅચમાં ઝિમ્બાબ્વે સામે ૨૩ રને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. રેગ્યુલર કૅપ્ટન મિચલ માર્શની ઇન્જરીની અસમંજસ વચ્ચે સ્ટાર બૅટર સ્ટીવ સ્મિથ ટીમ સાથે જોડાઈ ગયો છે. T20 વર્લ્ડ કપના સહ-યજમાન શ્રીલંકાએ આયરલૅન્ડ, ઓમાન સામેની શાનદાર જીતની મદદથી ૪ પૉઇન્ટ અને +૩.૧૨૫ના નેટ રનરેટ સાથે ગ્રુપમાં પહેલો ક્રમ મેળવ્યો છે. ઑસ્ટ્રેલિયા હાલમાં ઝિમ્બાબ્વે બાદ પૉઇન્ટ-ટેબલમાં ત્રીજા ક્રમે છે. ઑસ્ટ્રેલિયા અને શ્રીલંકા વચ્ચે ૨૬ T20 મૅચ રમાઈ છે. એમાંથી ઑસ્ટ્રેલિયા ૧૬ અને શ્રીલંકા ૧૦ મૅચ જીત્યું છે. બન્ને વચ્ચે છેલ્લી T20 મૅચ ૨૦૨૨ના વર્લ્ડ કપ દરમ્યાન રમાઈ હતી. આજે બન્ને ટીમ વચ્ચે બરાબરની ટક્કર જોવા મળશે.