04 February, 2026 12:31 PM IST | Navi Mumbai | Gujarati Mid-day Correspondent
સૂર્યકુમાર યાદવ
T20 વર્લ્ડ કપ 2026ની વૉર્મ-અપ મૅચોના ત્રીજા દિવસે આજે T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલિસ્ટ ટીમો ભારત અને સાઉથ આફ્રિકા પોતાની જાતને મોટી ટુર્નામેન્ટ માટે તૈયાર કરવા છેલ્લી વખત મૅચ રમવા ઊતરશે. બન્ને ટીમ આ એકમાત્ર વૉર્મ-અપ મૅચ જ રમવાની છે. નવી મુંબઈના ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં સાંજે ૭ વાગ્યાથી સૂર્યકુમાર યાદવની ટીમ સાઉથ આફ્રિકન ટીમ સામે ટકરાશે.
ભારત અને સાઉથ આફ્રિકાની મૅચ પહેલાં બૅન્ગલોરમાં નામિબિયા-સ્કૉટલૅન્ડ બપોરે ૧ વાગ્યાથી, બૅન્ગલોરમાં જ બપોરે ૩ વાગ્યાથી અફઘાનિસ્તાન-વેસ્ટ ઇન્ડીઝ અને સાંજે પાંચ વાગ્યાથી કોલંબોમાં આયરલૅન્ડ-પાકિસ્તાન વૉર્મ-અપ મૅચ રમવા ઊતરશે.
શ્રીલંકા A સામે કોલંબોમાં ઓમાને પાંચ વિકેટે જીત મેળવી. શ્રીલંકા Aના ૧૪૫/૯ના સ્કોર સામે ઓમાને ૧૮ ઓવરમાં પાંચ વિકેટે ૧૪૬ રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો.
કોલંબોમાં ઝિમ્બાબ્વેએ નેધરલૅન્ડ્સ સામે ૨૯ રને જીત નોંધાવી. ઝિમ્બાબ્વેએ ૯ વિકેટ ગુમાવીને ૧૭૮ રન કર્યા હતા. નેધરલૅન્ડ્સની ટીમ ૨૦ ઓવરમાં ૧૪૯ રને ઑલઆઉટ થઈ હતી.
ચેન્નઈમાં યુનાઇટેડ આરબ એમિરેટ્સને ૭ વિકેટે માત આપી. યુનાઇટ આરબ એમિરેટ્સના ૧૪૫/૬ના સ્કોર સામે નેપાલે ૧૭ ઓવરમાં ૩ વિકેટે ૧૪૮ રન ફટકાર્યા હતા.