04 March, 2026 10:33 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સ્મૃતિ માન્ધના ફરી નંબર વન વન-ડે મહિલા બૅટર બની
ઑસ્ટ્રેલિયાની મહિલા સ્પિનર અલાના કિંગ ICCની મહિલા વન-ડે બોલર્સના રૅન્કિંગમાં પહેલા ક્રમે પહોંચી છે. ભારતીય મૂળની ૩૦ વર્ષની અલાના કિંગે (૭૭૫ પૉઇન્ટ) ઇંગ્લૅન્ડની ૨૬ વર્ષની સ્પિનર સોફી એક્લસ્ટન (૭૪૭ પૉઇન્ટ)ની ૧૪૫૦ દિવસ એટલે કે ઑલમોસ્ટ ૪ વર્ષની નંબર વન વન-ડે મહિલા બોલર તરીકેની બાદશાહત ખતમ કરી છે. ભારત સામેની ૩ વન-ડેની સિરીઝમાં અલાના કિંગે ૭ વિકેટ લીધી હતી.
કાંગારૂઓ સામે ૫૮ રન, ૩૧ રન અને ઝીરોની ઇનિંગ્સ રમ્યા બાદ ભારતીય ઓપનર સ્મૃતિ માન્ધના નંબર વન વન-ડે મહિલા બૅટર બની છે. ૭૯૦ના રૅન્કિંગ-પૉઇન્ટ સાથે તેણે સાઉથ આફ્રિકન કૅપ્ટન લૉરા વૉલ્વાર્ટ (૭૮૨ પૉઇન્ટ)ને પછાડી છે. આ લિસ્ટમાં ભારતીય કૅપ્ટન હરમનપ્રીત કૌર (૬૫૨ પૉઇન્ટ) ૪ સ્થાનના ફાયદા સાથે નવમા ક્રમે પહોંચી છે.
વન-ડે બોલર્સના રૅન્કિંગમાં ભારતીય સ્પિનર દીપ્તિ શર્મા (૬૧૪ પૉઇન્ટ) પાંચ સ્થાનના નુકસાન સાથે દસમા સ્થાને રહીને ટૉપ-ટેનમાં જળવાઈ રહી છે. ઑલરાઉન્ડર્સના રૅન્કિંગમાં પણ ભારત તરફથી દીપ્તિ શર્મા (૩૪૩ પૉઇન્ટ)એ પાંચમા ક્રમે રહીને ટૉપ-ટેનમાં સ્થાન જાળવી રાખ્યું છે.