૬૬ દિવસ બાકી, વર્લ્ડ કપ માટે ઉપલબ્ધ છે ૫૪ ક્રિકેટર

11 August, 2022 03:13 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

૨૦૨૨ના ૭ મહિનામાં ૭ કૅપ્ટન અજમાવ્યા ઇન્ડિયાએ : સિલેક્ટરો પાસે પુષ્કળ વિકલ્પો

ભારતીય ક્રિકેટ ટીમ

આગામી ઑક્ટોબરમાં ઑસ્ટ્રેલિયામાં ટી૨૦ વર્લ્ડ કપ શરૂ થાય એ પહેલાં ઝિમ્બાબ્વે સામે, એશિયા કપમાં તેમ જ ઑસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા સામે સિરીઝ રમાશે એટલે એમાં કુલ કેટલા ખેલાડીઓને અજમાવવામાં આવશે એ તો આવનારો સમય જ બતાવશે, પણ વર્ષ ૨૦૨૨ના ૭ મહિનામાં અને ૨૦૨૧ પછીનાં દોઢ વર્ષમાં ભારતીય ટીમમાં જેટલા ખેલાડીઓને રમવાનો મોકો મળ્યો છે એની સંખ્યા પરથી ભારતની એક કે બે નહીં, પણ ચાર ટીમ બની શકે.

૧૬ ઑક્ટોબરે શરૂ થનારા ટી૨૦ વિશ્વકપને ૬૬ દિવસ બાકી છે. ૨૦૨૧ના વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં ભારત વતી ત્રણેય ફૉર્મેટ મળીને કુલ ૭૪ મૅચમાં રોહિત શર્મા, રિષભ પંત, હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, રવીન્દ્ર જાડેજા, યુઝવેન્દ્ર ચહલ સહિત (રેગ્યુલર અને નવા મળીને) કુલ ૫૪ ખેલાડી રમી ચૂક્યા છે. આ દોઢ વર્ષમાં ૩૩ ખેલાડીઓએ ભારત વતી ટેસ્ટ અથવા વન-ડે અથવા ટી૨૦માં ડેબ્યુ કર્યું છે.

એટલું જ નહીં, ૨૦૨૨ના પહેલા ૭ મહિના ગણીએ તો આ સમયગાળામાં ભારતે ૭ કૅપ્ટન (વિરાટ, રોહિત, રાહુલ, હાર્દિક, શિખર, પંત અને બુમરાહ) અજમાવ્યા છે. ભારતે શ્રીલંકાના વર્લ્ડ રેકૉર્ડની બરાબરી કરી છે. ૨૦૧૭માં શ્રીલંકાએ ૭ કૅપ્ટન અજમાવ્યા હતા.

આ બધું જોતાં, ભારતીય સિલેક્ટરો પાસે અત્યારે ખેલાડીઓ ઉપરાંત કૅપ્ટનની નિયુક્તિ વિશે પણ ઘણા વિકલ્પો છે. તેમના માટે આ સુખદ અનુભવ કહેવાશે. વર્લ્ડ કપની ટીમના સુકાની તરીકે રોહિત શર્મા હશે કે કે. એલ. રાહુલ હશે કે હાર્દિક પંડ્યા એ તો આવનારા થોડા દિવસમાં ખબર પડી જશે, પરંતુ દોઢ વર્ષમાં સૌથી વધુ ૫૪ મૅચ રમનાર વિકેટકીપર-બૅટર રિષભ પંત, ૪૬ મૅચ રમનાર રોહિત શર્મા ઉપરાંત ૩૬-૩૬ મૅચ રમનાર શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ અને ભુવનેશ્વર કુમાર પણ ટીમમાં હશે જ. બુમરાહ, હાર્દિક અને ચહલ પણ વર્લ્ડ કપની ટીમમાં સીધી એન્ટ્રી કરી લેશે. વિરાટ કોહલી ૨૭ ઑગસ્ટથી રમાનારા એશિયા કપમાં કેવું રમશે એના પર તેના ટી૨૦ ભાવિનો આધાર છે.

sports news sports cricket news indian cricket team t20 world cup board of control for cricket in india international cricket council