24 October, 2021 02:44 PM IST | Dubai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
યુએઈમાં ગઈ કાલે ટી૨૦ વર્લ્ડ કપની મુખ્ય ટુર્નામેન્ટનો આરંભ થયો હતો. સુપર-12 રાઉન્ડની પહેલી મૅચમાં ઑસ્ટ્રેલિયાએ વિજય સાથે ખાતું તો ખોલાવ્યું, પરંતુ ૧૧૯ રનના સાધારણ લક્ષ્યાંક સુધી પહોંચતાં કાંગારૂઓનો દમ નીકળી ગયો હતો. પાંચ વિકેટ ગુમાવ્યા બાદ મૅચ છેક છેલ્લી ઓવરમાં પહોંચી ગઈ હતી. ઑસ્ટ્રેલિયાએ ૧૯.૪ ઓવરમાં પાંચ વિકેટના ભોગે ૧૨૧ રનના સ્કોર સાથે જીત નોંધાવી હતી. આખરી ઓવરમાં ૮ રનની જરૂર હતી અને માર્ક્સ સ્ટૉઇનિસે (૨૪ અણનમ) ડ્વેઇન પ્રિટોરિયસની એ ઓવરમાં બે જોરદાર ફોર મારીને બે બૉલ રાખીને ખેલ ખતમ કર્યો હતો. તેની સાથે મૅથ્યુ વેડ ૧૫ રને અણનમ રહ્યો હતો. એક તબક્કે ઑસ્ટ્રેલિયાએ ૧૬ ઓવરમાં ફક્ત ૮૧ રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. એમાં વૉર્નર (૧૪), કૅપ્ટન ઍરોન ફિન્ચ (૦), મિચલ માર્શ (૧૧), સ્ટીવ સ્મિથ (૩૫) અને ગ્લેન મૅક્સવેલ (૧૮)નો સમાવેશ હતો. ઍન્રિચ નૉર્કિયાએ બે તેમ જ રબાડા, કેશવ મહારાજ અને શમ્સીએ એક-એક વિકેટ લીધી હતી. એ પહેલાં, બૅટિંગ મળ્યા પછી સાઉથ આફ્રિકાની ટીમ ૯ વિકેટે ફક્ત ૧૧૮ રન બનાવી શકી હતી, જેમાં એઇડન માર્ક્રમના ૪૦ રન સૌથી વધુ હતા. કાંગારૂ બોલરોમાં સ્ટાર્ક, મૅન ઑફ ધ મૅચ હૅઝલવુડ અને ઝેમ્પાએ બે-બે તેમ જ મૅક્સવેલ તથા કમિન્સે એક-એક વિકેટ લીધી હતી.