આજે શ્રીલંકાના સિંહની ગર્જના મોટી કે બંગલા દેશના વાઘની ત્રાડ?

24 October, 2021 02:58 PM IST  |  Dubai | Gujarati Mid-day Correspondent

સંઘર્ષ કરીને ક્વૉલિફાય થઈને આવેલી બે ટીમો વચ્ચે શારજાહમાં ચડિયાતા પુરવાર થવા રસાકસી

શ્રીલંકા અને બંગલાદેશ, બન્ને ટીમ આજની મૅચમાં જીતવા માટે પોતાના બોલરો પર વધુ મદાર રાખશે

સિંહાલીઓની બહુમતીવાળા શ્રીલંકાનો આજે (બપોરે ૩.૩૦થી લાઇવ) ટી૨૦ વર્લ્ડ કપના સુપર-12 રાઉન્ડમાં ‘ટાઇગર્સ’ તરીકે જાણીતી બંગલા દેશની ટીમ સાથે ટક્કર છે. શ્રીલંકાની બૅટિંગ થોડી નબળી છે એટલે જીતવા માટે એ પોતાની બોલિંગ પર વધુ મદાર રાખશે. શ્રીલંકા ક્વૉલિફાઇંગ રાઉન્ડની ત્રણેય મૅચ જીતી લઈને સુપર-12માં પહોંચી છે. બીજી તરફ બંગલા દેશની ટીમ ટી૨૦ના નબળા રેકૉર્ડ તથા સાતત્યવિહોણા પર્ફોર્મન્સ સાથે અને સ્કૉટલૅન્ડ સામેના પરાજયના આંચકા સાથે રમવા આવી હોવાથી આજે પોતાની ખરી તાકાત બતાવી દેવા કોઈ કસર નહીં છોડે.

બન્ને ટીમમાં કોઈ ને કોઈ ખાસિયત છે, પણ આજે તેમને માટે જીતવું ખૂબ જરૂરી છે અને એનું સૌથી મોટું કારણ એ છે કે તેમના ગ્રુપ-1માં બાકીની ચારેય ટીમો તેનાથી ખૂબ મજબૂત છે એટલે આજે જીતીને બે બહુમૂલ્ય પૉઇન્ટ મેળવી લેવા કોઈ કચાશ નહીં રાખે. આ ગ્રુપની બાકીની ચાર ટીમમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન વેસ્ટ ઇન્ડીઝ, ઑસ્ટ્રેલિયા, ઇંગ્લૅન્ડ અને સાઉથ આફ્રિકાનો સમાવેશ છે.

શ્રીલંકાને બૅટિંગના ટૉપ-ઑર્ડરની નબળાઈની ચિંતા છે, તો બંગલા દેશને પણ અસ્થિર બૅટિંગ-ઑર્ડરનું ટેન્શન છે. સ્કૉટલૅન્ડ સામે બંગલા દેશ હાર્યું અને યજમાન ઓમાન સામે માંડ-માંડ જીત્યું એના પરથી જ બંગલા દેશની નબળી બૅટિંગ લાઇનઅપ છતી થઈ છે. આજે શ્રીલંકા સામે એવું નહીં ચાલે. જોકે બંગલા દેશ પાસે મુસ્તફિઝુર રહેમાનના નેતૃત્વમાં પેસ-આક્રમણ સારું છે, પણ સ્પિન બોલિંગ બંગલા દેશની સૌથી મોટી ખાસિયત છે અને એમાં શાકિબ-અલ-હસન તથા મેહદી હસન શ્રીલંકનો માટે પડકારરૂપ છે.

કોની ટીમમાં કોણ-કોણ?

શ્રીલંકા : દાસુન શનાકા (કૅપ્ટન), કુસાલ પરેરા (વિકેટકીપર), દિનેશ ચંદીમલ (વિકેટકીપર), ધનંજય ડિસિલ્વા, પાથુમ નિસાન્કા, ચરિથ અસલન્કા, અવિશ્કા ફર્નાન્ડો, ભાનુકા રાજપક્સા, ચમિકા કરુણારત્ને, વાનિન્દુ હસરંગા, દુશ્મંથા ચમીરા, લાહિરુ કુમારા, મહીશ થીકશાના, અકિલા દનંજયા અને બિનારુ ફર્નાન્ડો.

બંગલા દેશ : મહમુદુલ્લા (કૅપ્ટન), લિટન દાસ, મોહમ્મદ નઈમ, મેહદી હસન, શાકિબ-અલ-હસન, સૌમ્ય સરકાર, મુશ્ફિકુર રહીમ, નુરુલ હસન (વિકેટકીપર), અફીફ હુસેન, નસુમ એહમદ, તસ્કિન એહમદ, શમીમ હુસેન, મુસ્તફિઝુર રહેમાન અને મોહમ્મદ સૈફુદ્દીન.

1

શ્રીલંકા અને બંગલા દેશ વચ્ચે ટી૨૦ વર્લ્ડ કપમાં આટલી મૅચ રમાઈ છે. ૨૦૦૭માં શ્રીલંકાએ એ મૅચ ૬૪ રનથી જીતી હતી.

બંગલા દેશનો વર્લ્ડ કપમાં ખરાબ રેકાર્ડ, પણ છેલ્લી ત્રણેય સિરીઝ જીત્યું

ટી૨૦ વર્લ્ડ કપમાં બંગલા દેશનો રેકૉર્ડ સારો નથી. ૨૦૦૭ના પ્રથમ વિશ્વકપમાં એણે થોડીઘણી સફળતા મેળવી હતી, પણ ૨૦૦૯, ૨૦૧૦ અને ૨૦૧૨ના વર્લ્ડ કપમાં એ એક પણ મૅચ નહોતું જીત્યું. ૨૦૧૪ના વર્લ્ડ કપમાં ગ્રુપ ‘એ’માં ટોચ પર રહ્યા પછી સુપર-10 રાઉન્ડમાં એ ચારેય મૅચ હાર્યું હતું. ૨૦૧૬માં પણ ભારત સામેની ખરાબ હાર પછી એ આઉટ થઈ ગયું હતું. જોકે બંગલા દેશનો તાજેતરનો ટી૨૦ રેકૉર્ડ બહુ સારો છે. એ છેલ્લી ત્રણેય ટી૨૦ સિરીઝ જીત્યું છે : ઝિમ્બાબ્વે સામે ૨-૧થી, ઑસ્ટ્રેલિયા સામે ૪-૧થી અને ન્યુ ઝીલૅન્ડ સામે ૩-૧થી.

sports sports news cricket news t20 wt20 t20 world cup