તાલિબાનથી ત્રસ્ત અફઘાનિસ્તાનની ઓછી પ્રૅક્ટિસ છતાં આજે સ્કૉટલૅન્ડ ભયભીત

25 October, 2021 03:42 PM IST  |  Dubai | Gujarati Mid-day Correspondent

ચાર દિવસ પહેલાં પ્રૅક્ટિસ મૅચમાં અફઘાનિસ્તાને ડિફેન્ડિંગ ચૅમ્પિયન વેસ્ટ ઇન્ડીઝને હરાવ્યું હતું

રાશિદ ખાન

ટી૨૦ વર્લ્ડ કપના સુપર-12 રાઉન્ડમાં ભારતવાળા ગ્રુપ-2માં આજે (સાંજે ૭.૩૦થી) એવી બે ટીમો વચ્ચે મુકાબલો છે જે ગ્રુપની મોટી ટીમને આંચકો આપી શકે એમ છે. જોકે આજની જ વાત કરીએ તો અફઘાનિસ્તાનની ટીમ ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં મોટી-મોટી ટીમને પછડાટ આપી ચૂકી છે, પરંતુ પોતાના દેશમાં ક્રૂર તાલિબાનના શાસનમાં વર્લ્ડ કપ માટેની બહુ ઓછી પ્રૅક્ટિસ કરીને આવી છે. જોકે આજની એની હરીફ સ્કૉટલૅન્ડની ટીમ જુસ્સેદાર ખરી, પરંતુ અફઘાની ખેલાડીઓની છૂપી તાકાતથી વાકેફ તો હશે જ અને એટલે આજે પરાજયના ભય સાથે રમશે. ચાર દિવસ પહેલાં પ્રૅક્ટિસ મૅચમાં અફઘાનિસ્તાને ડિફેન્ડિંગ ચૅમ્પિયન વેસ્ટ ઇન્ડીઝને હરાવ્યું હતું. આજના હરીફ સ્કૉટલૅન્ડે બંગલા દેશ સામેના વિજય સહિત ત્રણેય વૉર્મ-અપ મૅચની જીત સાથે સુપર-12 રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે એટલે અફઘાનની ટીમ પણ એનાથી સાવચેત રહેશે.

જોકે અફઘાનિસ્તાનના ક્રિકેટરો આજે પહેલી લીગ મૅચ જીતીને પોતાના દેશના ક્રિકેટપ્રેમીઓને આનંદમાં લાવવાનો પ્રયત્ન જરૂર કરશે. વર્લ્ડ-સ્ટાર સ્પિનર રાશિદ ખાને સ્પર્ધા પહેલાં છેલ્લી ઘડીએ સુકાન છોડી દીધું હોવાથી થોડો વિવાદ થયો હતો, પરંતુ મોહમ્મદ નબીને ફરી સુકાન સોંપાતાં મામલો શાંત પડી ગયો હતો. અફઘાનિસ્તાનની ટીમ બોલિંગ-આક્રમણ માટે જાણીતું છે. રાશિદ ખાન ટી૨૦ રૅન્કિંગમાં ત્રીજા નંબરે છે. નબી અને મુજીબ ઝડ્રાન પણ વિકેટ-ટેકિંગ બોલર છે.

બન્ને દેશની ટીમ

અફઘાનિસ્તાન : મોહમ્મદ નબી (કૅપ્ટન), રાશિદ ખાન, રહમનુલ્લા ગુર્બાઝ, હઝરતુલ્લા ઝઝાઈ, ઉસ્માન ઘની, અસગર અફઘાન, નજીબુલ્લા ઝડ્રાન, હશમતુલ્લા શાહિદી, મોહમ્મદ શહઝાદ, મુજીબ-ઉર-રહમાન, કરીમ જનત, ગુલબદીન નઈબ, નવીન-ઉલ-હક, હમીદ હસન અને ફરીદ અહમદ.

સ્કૉટલૅન્ડ : કાઇલ કૉટ્ઝર (કૅપ્ટન), રિચી બેરિંગ્ટન, ડાયલન બજ, મૅથ્યુ ક્રૉસ, જૉશ ડેવી, ઍલસડેર ઇવાન્સ, ક્રિસ ગ્રીવ્ઝ, માઇકલ લીએસ્ક, કૅલમ મૅક્લિયોડ, જ્યૉર્જ મન્સી, સફયાન શરીફ, હમઝા તાહિર, ક્રૅગ વૉલેસ, માર્ક વૉટ અને બ્રેડલી વ્હીલ.

sports sports news cricket news world t20