18 September, 2025 11:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વરુણ ચક્રવર્તી
૩૪ વર્ષના મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તી હવે T20માં નંબર-વન બોલર બની ગયો છે. હાલ ચાલી રહેલા એશિયા કપમાં UAE સામે ૪ રનમાં એક અને પાકિસ્તાન સામે ૨૪ રનમાં એક વિકેટના શાનદાર પર્ફોર્મન્સના જોરે ગઈ કાલે જાહેર થયેલા રૅન્કિંગમાં વરુણ ચક્રવર્તીએ ૭૩૩ રેટિંગ મેળવીને T20માં બોલરોમાં ન્યુ ઝીલૅન્ડના જેકબ ડફી (૭૧૭ રૅટિંગ)ને હટાવીને ટૉપનું સ્થાન મેળવી લીધું હતું. ચક્રવર્તીએ તેની કરીઅરમાં પહેલી વાર આવી કમાલ કરી છે. આ પહેલાં તેની બૅસ્ટ રૅન્કિંગ બીજા નંબરની હતી જે તેણે આ જ વર્ષે ફેબ્રુઆરીમાં હાંસલ કરી હતી.
T20માં નંબર વન બોલર બનનાર વરુણ ચક્રવર્તી જસપ્રીત બુમરાહ અને રવિ બિશ્નોઈ બાદ ત્રીજો ભારતીય બોલર બની ગયો છે.
T20માં ટૉપ ૧૦ બોલરમાં વરુણ ઉપરાંત માત્ર રવિ બિશ્નોઈ જ છે. બિશ્નોઈ આઠમા ક્રમાંકે છે. અન્ય ભારતીય બોલરોમાં કુલદીપ યાદવે એશિયા કપની બન્ને મૅચમાં શાનદાર પર્ફોર્મન્સ સાથે મૅન ઑફ ધ મૅચની ટ્રોફી મેળવી હતી અને એને લીધે તેણે રૅન્કિંગમાં પણ ૧૬ સ્થાનનો જમ્પ લગાડીને ૨૩મા નંબરે પહોંચી ગયો હતો. અક્ષર પટેલ એક સ્થાનના સુધારા સાથે ૧૨મા ક્રમાંકે પહોંચી ગયો છે. T20 વર્લ્ડ કપ બાદ પહેલી વાર એશિયા કપ રમનાર બુમરાહે ચાર સ્થાન આગળ વધીને ૪૦મો ક્રમાંક મેળવ્યો હતો.
ઑલરાઉન્ડરમાં હાર્દિક પંડ્યાએ અને બૅટરોમાં અભિષેક શર્માએ તેમનું સ્થાન જાળવી રાખ્યું હતું.
T20માં હવે ભારતનું સંપૂર્ણ રાજ
વરુણ ચક્રવર્તી નંબર-વન બોલર બનતાં હવે T20 ફૉર્મેટમાં બધા ટૉપ રૅન્કિંગ મેળવીને ભારતીય ટીમનો સંપૂર્ણ દબદબો થઈ ગયો છે. બૅટરોમાં અભિષેક શર્મા અને ઑલરાઉન્ડરોમાં હાર્દિક પંડ્યા નંબર વન છે જ અને ટીમ-રૅન્કિંગ્સમાં પણ ભારતીય ટીમ નંબર વન છે.
અન્ય ફૉર્મેટમાં ટેસ્ટ બોલરોમાં બુમરાહ અને ઑલરાઉન્ડરોમાં રવીન્દ્ર જાડેજા નંબર વન છે અને વન-ડેમાં શુભમન ગિલ બૅટરોમાં અને ટીમ રૅન્કિંગ્સમાં પણ ભારત ટૉપમાં છે.