આજે વિમેન્સ T20 વર્લ્ડ કપ 2026ની પહેલી સેમી-ફાઇનલ કાંગારૂઓ અને કૅરિબિયનો વચ્ચે

30 June, 2026 10:06 AM IST  |  London | Gujarati Mid-day Correspondent

ઑસ્ટ્રેલિયા સતત દસમી વખત અને વેસ્ટ ઇન્ડીઝ છઠ્ઠી વખત સેમી-ફાઇનલ રમશે

આૅસ્ટ્રેલિયાની કૅપ્ટન સોફી મૉલિનૂ, વેસ્ટ ઇન્ડીઝની કૅપ્ટન ચિનેલ હેન્રી

લંડનના કેનિંગ્ટન ઓવલમાં આજે ભારતીય સમય અનુસાર સાંજે ૭ વાગ્યે વિમેન્સ T20 વર્લ્ડ કપ 2026ની પહેલી સેમી-ફાઇનલ રમાશે. ગ્રુપ Aની નંબર વન ટીમ ઑસ્ટ્રેલિયા અને ગ્રુપ Bની બીજા ક્રમની ટીમ વેસ્ટ ઇન્ડીઝ આજે ફાઇનલમાં પહોંચવા માટે સામસામે ટકરાશે.

૬ વખતની ચૅમ્પિયન ટીમ ઑસ્ટ્રેલિયા સતત દસમી વખત સેમી-ફાઇનલ મૅચ રમશે. આ ટીમે ૨૦૧૦થી ૨૦૧૪ અને ૨૦૧૮થી ૨૦૨૩ વચ્ચે ચૅમ્પિયન બનવાની હૅટ-ટ્રિક કરી હતી. ૨૦૧૬માં આ ટીમ રનર-અપ રહી હતી. ૨૦૦૯ અને ૨૦૨૪માં કાંગારૂઓને સેમી-ફાઇનલમાં હાર મળી હતી.

૨૦૧૬ની ચૅમ્પિયન ટીમ વેસ્ટ ઇન્ડીઝ ૨૦૧૦થી ૨૦૧૮ સુધી સતત પાંચ વખત સેમી-ફાઇનલ મૅચ રમી હતી. ૨૦૧૬ સિવાયની અન્ય સેમી-ફાઇનલ મૅચોમાં કૅરિબિયન ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો.

ઑસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ૧૯ T20 મૅચ રમાઈ છે એમાંથી ઑસ્ટ્રેલિયા ૧૭ અને વેસ્ટ ઇન્ડીઝ બે મૅચ જીત્યું છે. ૨૦૧૬ અને ૨૦૨૩માં જ કૅરિબિયન ટીમે કાંગારૂઓને હરાવ્યા હતા. T20 વર્લ્ડ કપની ૬ મૅચોમાંથી વેસ્ટ ઇન્ડીઝ આ હરીફ ટીમને ૨૦૧૬ની ફાઇનલ દરમ્યાન કલકત્તામાં જ હરાવી શકી હતી.

womens world cup t20 world cup international cricket council west indies australia cricket news sports sports news