26 June, 2026 10:48 AM IST | London | Gujarati Mid-day Correspondent
ઇંગ્લૅન્ડની ઓપનર ડૅની વાયટ-હૉજ ૬૫ રન ફટકારીને પ્લેયર ઑફ ધ મૅચ બની હતી
બુધવારે મોડી રાતે લૉર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ગ્રુપ Bની ટૉપ-ટૂ ટીમો વચ્ચે ગ્રુપ-સ્ટેજની મૅચ રમાઈ હતી. આ મૅચમાં યજમાન ઇંગ્લૅન્ડે ૭ વિકેટ ગુમાવીને ૧૮૬ રન કર્યા હતા. જવાબમાં વેસ્ટ ઇન્ડીઝ પાંચ વિકેટે ૧૪૮ રન કરીને ૩૮ રને હાર્યું હતું.
કૅરિબિયન ટીમની હૅટ-ટ્રિક જીત બાદ આ પહેલી હાર હતી. લાગલગાટ ચાર જીત સાથે યજમાન ઇંગ્લૅન્ડ સેમી-ફાઇનલ માટે ક્વૉલિફાય થનારી પહેલી ટીમ બની છે.
યજમાન ટીમ માટે ઓપનર ડૅની વાયટ-હૉજે ૪૨ બૉલમાં ૮ ફોરની મદદથી ૬૫ રન કર્યા હતા. પાંચમા ક્રમે રમીને હેધર નાઇટે ૨૬ બૉલમાં ૭ ફોરને આધારે ૪૩ રનનું યોગદાન આપ્યું હતું. ૪ ઓવરમાં ૩૨ રન આપીને એક વિકેટ લેનાર કૅરિબિયન કૅપ્ટન હેલી મૅથ્યુઝ પોતાની ટીમ માટે સૌથી વધુ ૧૨૬ T20 વિકેટ લેનાર બોલર બની હતી.
વેસ્ટ ઇન્ડીઝ માટે છઠ્ઠા ક્રમે ચિનેલ હેનરીએ ૩૦ બૉલમાં ૪ ફોર અને બે સિક્સને આધારે ૫૧ રનની અણનમ ઇનિંગ્સ રમી હતી. અંગ્રેજ ટીમની સ્ટૅન્ડ-ઇન-કૅપ્ટન અને સ્પિનર ચાર્લેટ ડીને ૪ ઓવરમાં ૩૧ રન આપીને બે વિકેટ લઈ પ્રભાવશાળી પ્રદર્શન કર્યું હતું.
તાલિબાન સરકારથી બચીને ઑસ્ટ્રેલિયામાં શરણાર્થી બનેલી અફઘાનિસ્તાનની મહિલા ક્રિકેટર્સ T20 વર્લ્ડ કપ વચ્ચે ઇંગ્લૅન્ડ પહોંચી છે. આખી ટીમે કિંગ ચાર્લ્સ તૃતીયના ઘરે તેમની સાથે મુલાકાત કરીને ફોટોશૂટ પણ કરાવ્યું હતું. કિંગ ચાર્લ્સ તૃતીયએ આ ટીમ માટે પોતાનો ટેકો વ્યક્ત કર્યો હતો. પડકારોનો સામનો કરવા છતાં ક્રિકેટ પ્રત્યેની તેમની હિંમત અને પ્રતિબદ્ધતા માટે પ્રશંસા પણ કરી હતી. અફઘાન શરણાર્થી મહિલા ક્રિકેટર્સ વિમેન્સ T20 વર્લ્ડ કપની ફાઇનલ સહિતની મૅચો પણ નિહાળતી જોવા મળશે.