24 June, 2026 11:45 AM IST | Bristol | Gujarati Mid-day Correspondent
ન્યુ ઝીલૅન્ડની ઇઝી શાર્પે ૪૩ બૉલમાં ૬૨ રન ફટકાર્યા હતા
બ્રિસ્ટલમાં ગઈ કાલે બપોરે શરૂ થયેલી વિમેન્સ T20 વર્લ્ડ કપ મૅચમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન ન્યુ ઝીલૅન્ડે ૬ વિકેટે જીત મેળવી હતી. સ્કૉટલૅન્ડના ૧૩૧/૭ના સ્કોર સામે ન્યુ ઝીલૅન્ડે ૧૮.૨ ઓવરમાં ૧૩૨ રનનો ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. ગ્રુપ-B ચાર મૅચમાં બે જીત અને બે હાર સાથે ન્યુ ઝીલૅન્ડ ત્રીજા ક્રમે છે. સ્કૉટલૅન્ડ ચાર મૅચમાં એક જીત સાથે વિમેન્સ T20 વર્લ્ડ કપ 2026ની ટ્રોફી જીતવાની રેસમાંથી આઉટ થઈ ગયું છે. ઓપનર ડાર્સી કાર્ટરે બાવન બૉલમાં આઠ ફોર અને એક સિક્સના આધારે અણનમ ૭૨ રન કર્યા હતા. ન્યુ ઝીલૅન્ડ માટે કૅપ્ટન મેલી કેરે ત્રણ વિકેટ અને સોફી ડિવાઇને બે વિકેટ લીધી હતી. ત્રીજા ક્રમની બૅટર ઇઝી શાર્પે ૪૩ બૉલમાં આઠ ફોર અને એક સિક્સની મદદથી ૬૨ રનની મૅચ-વિનિંગ ઇનિંગ્સ રમી હતી.
વિમેન્સ T20 વર્લ્ડ કપ 2026ની આજની એકમાત્ર મૅચ ગ્રુપ-B ટૉપ-ટૂ ટીમો વચ્ચે થશે. હૅટ-ટ્રિક જીત સાથે અજેય રહેલી ઇંગ્લૅન્ડ અને વેસ્ટ ઇન્ડીઝ બન્ને ટીમો સેમી-ફાઇનલમાં પહોંચવા માટે આજે એકબીજાને રોમાંચક ટક્કર આપતી જોવા મળશે. +૨.૪૯૦ના શાનદાર નેટ રનરેટને કારણે પૉઇન્ટ્સ-ટેબલમાં નંબર-વન છે. ૨૦૦૯થી ૨૦૨૫ વચ્ચે આ બન્ને ટીમો વચ્ચે ૩૨ T20 મૅચ રમાઈ હતી. અંગ્રેજ ટીમ બાવીસ અને કૅરિબિયન ટીમ ૧૦ મૅચ જીતી છે.
ભારતીય સ્પિનર શ્રી ચરણીએ પ્રથમ વખત ICC મહિલા T20 બોલિંગ રૅન્કિંગમાં નંબર વનનું સ્થાન મેળવ્યું છે. વિમેન્સ T20 વર્લ્ડ કપ 2026માં સાઉથ આફ્રિકા સામેની ત્રણ વિકેટને કારણે તેને એક સ્થાનનો ફાયદો થયો છે. ઇંગ્લૅન્ડની વાઇસ-કૅપ્ટન અને સ્પિનર ચાર્લી ડીનને પછાડીને શ્રી ચરણી ૭૫૩ પૉઇન્ટ સાથે પહેલા ક્રમે પહોંચી છે. જૂન ૨૦૨૫માં T20 ડેબ્યુ કરનાર આંધ્ર પ્રદેશની ૨૧ વર્ષની શ્રી ચરણીએ ૨૩ મૅચમાં ૩૮ વિકેટ લીધી છે.