વિમેન્સ T20 વર્લ્ડ કપની ફાઇનલમાં રેકૉર્ડ આઠમી વખત કાંગારૂઓની ગ્રૅન્ડ એન્ટ્રી

01 July, 2026 03:37 PM IST  |  London | Gujarati Mid-day Correspondent

સેમી-ફાઇનલમાં કૅરિબિયન ટીમને ૭ ઓવર પહેલાં કચડીને સતત છઠ્ઠી મૅચ જીતીને અજેય રહ્યું ઑસ્ટ્રેલિયા

ઑસ્ટ્રેલિયાની બેથ મૂનીએ ૩૬ બૉલમાં ૮ ફોરની મદદથી અણનમ ૬૧ રન ફટકાર્યા હતા

વિમેન્સ T20 વર્લ્ડ કપ 2026માં સતત છઠ્ઠી જીત સાથે અજેય રહીને ઑસ્ટ્રેલિયાએ ફાઇનલમાં એન્ટ્રી કરી છે. ૨૦૧૦થી ૨૦૨૩ વચ્ચે સતત ૭ વખત ફાઇનલ રમીને ૬ વખત ચૅમ્પિયન બનેલી કાંગારૂ ટીમ પાંચ જુલાઈએ રેકૉર્ડ આઠમી વખત ફાઇનલ મૅચ રમશે.

ગઈ કાલે પહેલી સેમી-ફાઇનલમાં વેસ્ટ ઇન્ડીઝના ૧૨૫-૭ના સ્કોર સામે ઑસ્ટ્રેલિયાએ ૧૩ ઓવરમાં બે વિકેટે ૧૨૭ રન કરીને ૮ વિકેટથી શાનદાર જીત નોંધાવી હતી.

ટૉસ હારીને પહેલાં બૅટિંગ કરનાર કૅરિબિયન ટીમે પહેલી વખત આ વર્લ્ડ કપમાં ૪૭ રનની ઓપનિંગ ભાગીદારી સાથે સારી શરૂઆત મેળવી હતી. ઓપનર હેલી મૅથ્યુઝે ૨૮ બૉલમાં ૩૦ રન કર્યા હતા. આઠમા ક્રમે રમીને ડિયાન્દ્રા ડૉટિને ૧૬ બૉલમાં ૨૬ રનનું અણનમ યોગદાન આપ્યું હતું. ઑસ્ટ્રેલિયા તરફથી ચાર-ચાર ઓવરમાં ઍશ્લી ગાર્ડનરે ૧૩ રન અને સોફી મૉલિનૂએ ૩૦ રન આપીને બે-બે વિકેટ લીધી હતી.

રન-ચેઝ દરમ્યાન ઑસ્ટ્રેલિયાની ઓપનર બેથ મૂનીએ ૩૬ બૉલમાં ૮ ફોરની મદદથી ૬૧ રનની અણનમ ઇનિંગ્સ રમી હતી. સ્પિન ઑલરાઉન્ડર ઍશ્લી ગાર્ડનરે ૨૦ બૉલમાં ૪ ફોર અને એક સિક્સના આધારે ૩૫ રને નૉટઆઉટ રહીને રન-ચેઝને ઝડપી બનાવી હતો. વિમેન્સ T20 વર્લ્ડ કપની નૉકઆઉટ મૅચનો સૌથી મોટો ૬૩/૨ પાવરપ્લે સ્કોર ઑસ્ટ્રેલિયાએ આ મૅચમાં નોંધાવ્યો હતો.

t20 world cup womens world cup australia west indies cricket news sports sports news