12 July, 2025 07:14 AM IST | London | Gujarati Mid-day Correspondent
ભારત સામે રેકૉર્ડ ૩૬મી વાર ૫૦ પ્લસ રનની ઇનિંગ્સ રમી જો રૂટે. દિવસના અંતે તે ૯૯ રન પર નૉટઆઉટ રહી ગયો હતો.
ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ-મૅચનો પહેલો દિવસ બન્ને ટીમ માટે એક જેવો રહ્યો હતો. ઇંગ્લૅન્ડે ૮૩ ઓવરમાં ૨૫૧ રન ફટકાર્યા હતા, જ્યારે ભારતીય બોલિંગ યુનિટને માત્ર ૪ વિકેટ મળી હતી. નંબર-ટૂ ટેસ્ટ-બૅટર જો રૂટ ભારત સામે ૩૦૦૦ ટેસ્ટ-રન પૂરા કરનાર વિશ્વનો પહેલો બૅટર બન્યો હતો. તેણે લૉર્ડ્સમાં રેકૉર્ડ ૧૮ વાર અને ભારત સામે સૌથી વધુ ૩૬મી વાર ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ૫૦ પ્લસ રનની ઇનિંગ્સ રમવાનો રેકૉર્ડ પણ કર્યો હતો.
પોતાના બાઝબૉલ યુગ એટલે જૂન ૨૦૨૨ બાદના સમયમાં ઇંગ્લૅન્ડે ઘરઆંગણાની સ્લોએસ્ટ ૩૫.૪ ઓવરમાં ટીમના ૧૦૦ રન પૂરા કર્યા હતા. ઇંગ્લૅન્ડે ૨૦૨૪માં રાજકોટમાં પોતાના સ્લોએસ્ટ ૩૭.૨ ઓવરમાં ૧૦૦ રન પૂરા કર્યા હતા. બાઝબૉલ યુગનો આ સૌથી ધીમો દિવસ હતો, માત્ર ૩.૦૨ની નેટ રન-રેટથી રન કર્યા હતા જે ઇંગ્લૅન્ડનો ઘરઆંગણે એક દિવસનો સૌથી ઓછો રન-રેટ છે.
નીતીશ કુમાર રેડ્ડીએ બન્ને ઓપનર્સને એક ઓવરમાં આઉટ કર્યા.
ઇંગ્લૅન્ડના ઓપનર્સ ઝૅક ક્રૉલી (૪૩ બૉલમાં ૧૮ રન) અને બેન ટકેટે (૪૦ બૉલમાં ૨૩ રન) એકંદરે સારી શરૂઆત અપાવી હતી, પણ યંગ ફાસ્ટ બોલર નીતીશ કુમાર રેડ્ડી (૪૬ રનમાં બે વિકેટ)એ ૧૪મી ઓવરમાં બન્ને રિષભ પંતના હાથે કૅચઆઉટ કરાવીને પૅવિલિયન મોકલ્યા હતા. અહીંથી જો રૂટે ત્રીજી વિકેટ માટે ઑલી પોપ (૧૦૪ બૉલમાં ૪૪ રન) સાથે ૨૧૧ બૉલમાં ૧૦૯ રનની ભાગીદારી કરી હતી.
પહેલા દિવસની અંતિમ ઓવર્સ સુધી જો રૂટે (૧૯૧ બૉલમાં ૯૯ રન અણનમ) કૅપ્ટન બેન સ્ટોક્સ (૧૦૨ બૉલમાં ૩૯ રન અણનમ) સાથે પાંચમી વિકેટ માટે ૧૭૦ બૉલમાં ૭૯ રનની ભાગીદારી કરી હતી. બીજું સેશન વિકેટલેસ રહ્યા બાદ ત્રીજા સેશનની શરૂઆતમાં સ્પિનર રવીન્દ્ર જાડેજા (૨૬ રનમાં એક વિકેટ) અને ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ (૩૫ રનમાં એક વિકેટ)ને એક-એક સફળતા મળી હતી.
ભારતીય ટીમે સળંગ ૧૩ ટૉસ હારવાનો વર્લ્ડ રેકૉર્ડ કર્યો
ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ભારતીય ટીમે સળંગ ૧૩મો ટૉસ હારીને વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ ટીમનો ૧૯૯૯નો ૧૨ ટૉસ હારવાનો રેકૉર્ડ તોડ્યો છે. ભારતે છેલ્લે જાન્યુઆરી ૨૦૨૫માં રાજકોટમાં ઇંગ્લૅન્ડ સામેની T20 મૅચમાં ટૉસ જીત્યો હતો. ત્યાર બાદ ભારતે સૂર્યકુમાર યાદવની કૅપ્ટન્સીમાં બે T20 મૅચમાં, રોહિત શર્માના નેતૃત્વમાં ૮ વન-ડે અને શુભમન ગિલ સાથે ૩ ટેસ્ટ-મૅચમાં ટૉસમાં હારનો સામનો કર્યો છે.
લૉર્ડ્સની ત્રીજી ટેસ્ટ-મૅચમાં બન્ને ટીમે કર્યો એક-એક ફેરફાર
ભારતીય ટીમે બે ટેસ્ટ-મૅચમાં મોંઘા સાબિત થયેલા પ્રસિદ્ધ ક્રિષ્નાના સ્થાને ત્રીજી મૅચમાં મુખ્ય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને રમાડ્યો છે. એજબૅસ્ટન ટેસ્ટમાં તેને આરામ આપવામાં આવ્યો હતો, જ્યારે ઇંગ્લૅન્ડની ટીમે ફાસ્ટ બોલર જૉશ ટૉન્ગને બદલે જોફ્રા આર્ચરને તક આપી છે જે ચાર વર્ષ બાદ ટેસ્ટ પ્લેઇંગ ઇલેવનમાં વાપસી કરી રહ્યો છે.
ત્રીજી ટેસ્ટના પહેલા દિવસે ભારતને લાગ્યો મોટો ઝટકો, વિકેટકીપર રિષભ પંત ઇન્જર્ડ
ત્રીજી ટેસ્ટના બીજા સેશનમાં ભારતીય વિકેટકીપર અને વાઇસ કૅપ્ટન રિષભ પંતને ડાબા હાથની આંગળીમાં ઇન્જરી થઈ હતી. મેડિકલ-ટીમની સલાહ બાદ તેણે મેદાન છોડી દીધું હતું અને હાલમાં તે સારવાર કરાવી રહ્યો છે. તેના સ્થાને બૅકઅપ વિકેટકીપર ધ્રુવ જુરેલે પહેલા દિવસની બાકીની રમત દરમ્યાન વિકેટકીપિંગની જવાબદારી સંભાળી હતી.