29 November, 2026 02:22 PM IST | Christchurch | Gujarati Mid-day Correspondent
ભારતના ભરોસાપાત્ર બૅટર કે. એલ. રાહુલની વિકેટ બાદ સેલિબ્રેશન કરી રહેલી કિવી ટીમ
ક્રાઇસ્ટચર્ચના હેગ્લી ઓવલ ખાતે ન્યુ ઝીલૅન્ડ સામે રમાઈ રહેલી બીજી ટેસ્ટ-મૅચના બીજા દિવસે શુક્રવારે રમતના અંતે ભારત ૬ વિકેટે ૧૧૬ રન બનાવીને ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયું હતું. ન્યુ ઝીલૅન્ડ પ્રથમ ઇનિંગ્સમાં ૩૫૬ રન કરવા દીધા બાદ ભારત હજી ૨૪૦ રન પાછળ છે. ન્યુ ઝીલૅન્ડના ફાસ્ટ બોલરોએ પરિસ્થિતિનો પૂરો ફાયદો ઉઠાવ્યો હતો, જેમાં કાઇલ જૅમીસન (૨/૩૩), જેકબ ડફી (૨/૨૧), મૅટ હેન્રી (૧/૨૯) અને નૅથન સ્મિથ (૧/૨૯) વચ્ચે ૬ વિકેટ વહેંચાઈ હતી.
ભારતીય ઇનિંગ્સમાં સૌથી વધુ ચર્ચા વિકેટકીપર-બૅટર રિષભ પંતના આઉટ થવાની રહી હતી. રિષભ પંત ૩૮ બૉલમાં ૨૩ રન બનાવીને સેટ થતો જણાતો હતો અને તેણે જેકબ ડફીની બોલિંગમાં લૉન્ગ-ઑન પર સિક્સર પણ ફટકારી હતી. ભારતને તેના સૌથી અનુભવી વિદેશી ટેસ્ટ-બૅટરોમાંના એક પાસેથી મોટી ઇનિંગ્સની જરૂર હતી. ત્યારે રિષભ પંત પાસે ઇનિંગ્સ સંભાળવાની તક હતી. જોકે જેકબ ડફી સામે આક્રમક શૉટ રમવાના પ્રયાસમાં રિષભ પંતે વિકેટ ગુમાવી હતી. પિચ પર મળતા વધારાના બાઉન્સને ધ્યાનમાં લીધા વિના રિષભ પંત ક્રીઝની બહાર નીકળીને ફટકો મારવા ગયો હતો. બૉલ હવામાં ઊંચો ચડતાં કાઇલ જૅમીસને સરળતાથી કૅચ ઝડપી લીધો હતો.
રિષભ પંતની આ વિકેટે ગયા વર્ષે આ જ સમયગાળામાં ગુવાહાટી ખાતે માર્કો યાન્સેન સામે રમેલા શૉટની યાદ અપાવી હતી. ટીમને જ્યારે જવાબદારીપૂર્વકની બૅટિંગની જરૂર હતી ત્યારે આક્રમક અભિગમની કિંમત રિષભ પંતે ચૂકવવી પડી હતી. ભારતના હેડ કોચ ગૌતમ ગંભીરે અગાઉ પણ અમુક પરિસ્થિતિઓમાં રિષભ પંતના શૉટ-સિલેક્શન અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
પ્રથમ ટેસ્ટમાં સેન્ચુરી ફટકારનાર કે. એલ. રાહુલ પણ સારી શરૂઆતને મોટી ઇનિંગ્સમાં બદલી શક્યો નહોતો. ટી-બ્રેક પહેલાં ભારતે ત્રણ વિકેટ ગુમાવી દીધા બાદ રાહુલે ક્રીઝ પર અંદાજે બે કલાક વિતાવીને ૮૦ બૉલમાં ૨૫ રન બનાવ્યા હતા, પરંતુ ઑફ-સ્ટમ્પની બહારના બૉલને છેડવાના પ્રયાસમાં વિકેટ પાછળ કૅચ આપી બેઠો હતો. કે. એલ. રાહુલ અને રિષભ પંતના અભિગમમાં સ્પષ્ટ તફાવત જોવા મળ્યો હતો. રિષભ પંત સતત આક્રમક શૉટ રમવાની તક શોધતો હતો, જ્યારે કે. એલ. રાહુલ ગુડ-લેન્થ વિસ્તારના બૉલને ડિફેન્ડ કરવામાં અને છોડવામાં અસ્વસ્થ જણાતો હતો.
ન્યુ ઝીલૅન્ડના ફાસ્ટ બોલરોની ગતિ અને બાઉન્સે સમગ્ર ઇનિંગ્સ દરમ્યાન ભારતના ટૉપ ઑર્ડરને પરેશાન કર્યું હતું. યશસ્વી જાયસવાલ સૌથી પહેલાં આઉટ થયો હતો, જે મૅટ હેન્રીના અંદર આવ્યા બાદ બહાર નીકળતા શાનદાર બૉલ પર ૬ બૉલમાં ખાતું ખોલાવ્યા વિના પૅવિલિયન ભેગો થયો હતો. દેવદત્ત પડિક્કલ ૨૧ રનનું યોગદાન આપ્યા બાદ કાઇલ જૅમીસનનો શિકાર બન્યો હતો. બાઉન્સનો સામનો કરીને હુક શૉટ, સ્ક્વેર ડ્રાઇવ અને કવર ડ્રાઇવ ફટકાર્યા બાદ લેફ્ટ-હૅન્ડ બૅટર દેવદત્ત પડિક્કલે વધુ એક આક્રમક શૉટ રમવાના પ્રયાસમાં વિકેટકીપર ટૉમ બ્લન્ડેલને કૅચ આપી દીધો હતો.
કૅપ્ટન શુભમન ગિલ ટૂંકી ઇનિંગ્સ દરમ્યાન આત્મવિશ્વાસમાં જણાયો હતો અને ૧૭ રન બનાવ્યા હતા, પરંતુ કાઇલ જૅમીસનની ઊંચાઈ અને વધારાના બાઉન્સ સામે તે ટકી શક્યો નહોતો. ટી-બ્રેકની થોડી વાર પહેલાં કાઇલ જૅમીસને શુભમન ગિલને આઉટ કર્યો હતો. શુક્રવારે દિવસની રમતના અંત પહેલાં નૅથન સ્મિથે ૬૦ બૉલમાં ૧૦ રન બનાવીને સંઘર્ષ કરી રહેલા વૉશિંગ્ટન સુંદરની વિકેટ ઝડપી હતી.
પ્રથમ ઇનિંગ્સમાં મોટા સ્કોર સામે ઝઝૂમ્યા બાદ હવે ભારતની પ્રાથમિકતા હાર ટાળીને ટેસ્ટ બચાવવાની રહેશે. વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવાની પાતળી આશા જીવંત રાખવા માટે ભારતને આ મૅચમાં જીત મેળવવી અનિવાર્ય છે.
ટૉમ બ્લન્ડેલની લડાયક ઇનિંગ્સથી ન્યુ ઝીલૅન્ડના ૩૫૬ રન, તેણે ૮૯ રન ફટકાર્યા હતા
આ અગાઉ ન્યુ ઝીલૅન્ડે વિકેટકીપર ટૉમ બ્લન્ડેલની ૨૧૧ બૉલમાં ૮૯ રનની ધીરજપૂર્વકની ઇનિંગ્સની મદદથી પ્રથમ ઇનિંગ્સમાં ૩૫૬ રનનો મજબૂત સ્કોર ખડક્યો હતો. પોતાની પચાસમી ટેસ્ટ રમી રહેલા ટૉમ બ્લન્ડેલે શિસ્તબદ્ધ બૅટિંગ કરતાં વિકેટ બચાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું અને ખરાબ બૉલ પર રન બનાવ્યા હતા. બીજા દિવસે ૨૪૬/૫ના સ્કોરથી આગળ રમતાં ગ્લેન ફિલિપ્સ આગલા દિવસના ૩૬ રનના સ્કોર પર જ આઉટ થઈ ગયો હતો, પરંતુ ટૉમ બ્લન્ડેલે નૅથન સ્મિથ (૨૬), કાઇલ જૅમીસન (૧૯) અને મૅટ હેન્રી (૧૯)ના સાથથી ટીમનો સ્કોર ૩૫૦ને પાર પહોંચાડ્યો હતો.
ભારત તરફથી આકાશ દીપ સૌથી સફળ બોલર રહ્યો હતો અને તેણે ૩૧.૩ ઓવરમાં ૯૯ રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. આકાશ દીપે નૅથન સ્મિથનો શાનદાર રિટર્ન કૅચ ઝડપ્યા બાદ કાઇલ જૅમીસનને આઉટ કર્યો હતો, જેનો ડીપ મિડ-વિકેટ પર યશસ્વી જાયસવાલે ડાઇવ લગાવીને શાનદાર કૅચ કર્યો હતો. ગુરનૂર બરાડ અને અંશુલ કંબોજે બે-બે વિકેટ લીધી હતી, જેમાં ગુરનૂર બરાડે ટૉમ બ્લન્ડેલની ઇનિંગ્સનો અંત આણ્યો હતો. હેગ્લી ઓવલની પિચ પર ફાસ્ટ બોલરોને સતત વધારાનો બાઉન્સ અને સીમ મૂવમેન્ટ મળી રહી છે, જેની સામે ભારતીય ટૉપ ઑર્ડર સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો.
WTCના ઇતિહાસમાં સૌથી વધુ સિક્સર ફટકારનાર બૅટર બન્યો રિષભ પંત, બેન સ્ટોક્સનો રેકૉર્ડ તોડ્યો
રિષભ પંત ગઈ કાલે ખરાબ શૉટ-સિલેક્શનને કારણે ટીકાપાત્ર બન્યો, પણ તેણે ICC વર્લ્ડ ટેસ્ટ-ચૅમ્પિયનશિપ (WTC)ના ઇતિહાસમાં સૌથી વધુ સિક્સર ફટકારનાર બૅટર બનવાની સિદ્ધિ પણ મેળવી હતી. ન્યુ ઝીલૅન્ડ સામેની બીજી ટેસ્ટ દરમ્યાન રિષભ પંતે ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ કૅપ્ટન બેન સ્ટોક્સને પાછળ છોડી દીધો હતો.
ક્રાઇસ્ટચર્ચમાં રમાઈ રહેલી આ ટેસ્ટના બીજા દિવસે ભારતની પ્રથમ ઇનિંગ્સ દરમ્યાન ફાસ્ટ બોલર જેકબ ડફીની ઓવરમાં સિક્સર ફટકારીને રિષભ પંતે આ માઇલસ્ટોન હાંસલ કર્યો હતો. લેફ્ટ-હૅન્ડ બૅટર રિષભ પંતના નામે હવે ૪૪ WTC મૅચની ૭૬ ઇનિંગ્સમાં કુલ ૮૯ સિક્સર નોંધાઈ ગઈ છે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂકેલા બેન સ્ટોક્સે ઇંગ્લૅન્ડ તરફથી રમતાં ૬૪ મૅચની ૧૧૭ ઇનિંગ્સમાં ૮૮ સિક્સર સાથે પોતાની WTC કારકિર્દી પૂરી કરી હતી. આ યાદીમાં ભારતનો રોહિત શર્મા ૫૬ સિક્સર સાથે ત્રીજા ક્રમે છે, જ્યારે શુભમન ગિલ ૪૮ સિક્સર સાથે ચોથા અને યશસ્વી જાયસ્વાલ ૪૫ સિક્સર સાથે પાંચમા સ્થાને છે.
ઓવરઆૅલ પંત બીજો અને સ્ટોક્સ પહેલો
ઓવરઑલ ટેસ્ટ ક્રિકેટમાં રિષભ પંતે ૫૪ ટેસ્ટની ૯૨ ઇનિંગ્સમાં કુલ ૧૦૯ સિક્સર ફટકારી છે. પાંચ દિવસના આ ફૉર્મેટમાં સૌથી વધુ સિક્સર ફટકારનાર ખેલાડીઓની યાદીમાં રિષભ પંત બીજા ક્રમે છે. આ મામલે ભારતીય બૅટર માત્ર બેન સ્ટોક્સથી પાછળ છે. બેન સ્ટોક્સે ૨૨૦ ઇનિંગ્સમાં ૧૩૮ સિક્સર ફટકારી છે.