શુભમન ગિલ ફરી ફ્લૉપ, ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં પહેલી વાર ગોલ્ડન ડક પર આઉટ થયો

12 December, 2025 06:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બીજી T20માં સાઉથ આફ્રિકાએ ૫૧ રનથી સજ્જડ પરાજય આપ્યો ભારતને : સાઉથ આફ્રિકાના ૨૧૩/૪ સામે ભારત ૧૬૨ રનમાં આૅલઆઉટ

શુભમન ગિલ

પાંચ મૅચની સિરીઝની પહેલી T20માં ખરાબ રીતે હાર્યા પછી સાઉથ આફ્રિકાએ ગઈ કાલે ધમાકેદાર રમત દેખાડીને જોરદાર કમબૅક કર્યું હતું અને ભારતને ૫૧ રનથી પરાજય આપ્યો હતો. સિરીઝ હવે ૧-૧થી સમકક્ષ થઈ ગઈ છે.

ગઈ કાલની T20 મૅચમાં ભારતે ટૉસ જીતીને પહેલાં બોલિંગ કરી હતી. સાઉથ આફ્રિકાએ ૨૦ ઓવરમાં માત્ર ૪ વિકેટ ગુમાવીને ૨૧૩ રનનો સ્કોર ખડકી દીધો હતો. આ સ્કોરમાં મુખ્ય ફાળો ઓપનર ક્વિન્ટન ડી કૉકનો હતો. તેણે માત્ર ૪૬ બૉલમાં ૭ સિક્સ અને પાંચ ફોરની મદદથી ૯૦ રન કર્યા હતા. સત્તરમી ઓવરના પહેલા બૉલે ૧૬૦ રનના સ્કોર પર ચોથી વિકેટ પડી એ પછી ડોનોવન ફરેરા અને ડેવિડ મિલરે પાંચમી વિકેટ માટે ૫૩ રનની જબરદસ્ત પાર્ટનરશિપ કરી હતી. ફરેરાએ ૧૬ બૉલમાં ૩૦ અને મિલરે ૧૨ બૉલમાં ૨૦ રન કર્યા હતા.

ભારતની શરૂઆત ખરાબ રહી હતી. શુભમન ગિલ પહેલી જ ઓવરના પાંચમા અને પોતાના પહેલા બૉલમાં ઝીરોમાં આઉટ થયો હતો. અભિષેક શર્માએ માત્ર ૧૭ રન કર્યા હતા, પણ એમાંય બે સિક્સ ફટકારી હતી. કૅપ્ટન સૂર્યકુમાર યાદવ માત્ર પાંચ રન કરીને આઉટ થઈ ગયો હતો. ભારત વતી એકમાત્ર તિલક વર્માએ નોંધપાત્ર સ્કોર કર્યો હતો. તેણે ૩૪ બૉલમાં ૬૨ રન કર્યા હતા જેમાં પાંચ સિક્સ અને બે ફોરનો સમાવેશ હતો.

પહેલી મૅચનો હીરો હાર્દિક પંડ્યા ગઈ કાલે ૧૦૦ કરતાંય ઓછા સ્ટ્રાઇક-રેટ સાથે રમીને ૨૩ બૉલમાં માત્ર ૨૦ રન કરીને આઉટ થયો હતો એ આશ્ચર્યજનક હતું. ભારત ગઈ કાલે કોઈ મોટી પાર્ટનરશિપ ન કરી શક્યું એને લીધે ૨૦ ઓવરમાં ૧૬૨ રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગયું હતું. સાઉથ આફ્રિકાના પેસ બોલર ઓટનીલ બાર્ટમૅને ૪ ઓવરમાં માત્ર ૨૪ રન આપીને ૪ વિકેટ લઈને તરખાટ મચાવ્યો હતો. સિરીઝની ત્રીજી મૅચ રવિવારે રમાશે.


T20 ક્રિકેટમાં શુભમન ગિલની મુસીબતો ગઈ કાલે પણ ચાલુ રહી હતી અને તે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં પહેલી વાર ગોલ્ડન ડક પર આઉટ થયો હતો. સંજુ સૅમસન અને યશસ્વી જાયસવાલને અવગણીને શુભમન ગિલને T20 ક્રિકેટમાં નિષ્ફળ જવા છતાં જે રીતે ચાન્સ મળી રહ્યા છે એ જોઈને ક્રિકેટપ્રેમીઓએ ગઈ કાલે ગૌતમ ગંભીર પર રોષ ઠાલવ્યો હતો અને પક્ષપાતનો આરોપ મૂક્યો હતો.

sports news sports cricket news indian cricket team south africa hardik pandya shubman gill t20