ભારતના માત્ર ૮૧ રન, શ્રીલંકા સિરીઝ જીત્યું

30 July, 2021 02:14 PM IST  |  Colombo | Gujarati Mid-day Correspondent

લંકનોએ મૅચ ૭ વિકેટે અને સિરીઝ ૨-૧થી જીતી લીધી, હસરંગા સિરીઝનો હીરો

શ્રીલંકા સિરીઝ જીત્યું

આઠ ખેલાડીઓ ટીમમાંથી બહાર થયા બાદ નબળી પડી ગયેલી ભારતીય ટીમે બુધવારે બીજી ટી૨૦માં બરોબરની ફાઇટ આપી હતી, પણ ગઈ કાલે ત્રીજી અને છેલ્લી મૅચમાં તેઓ પાણીમાં બેસી ગયા હતાં. ટૉસ જીતીને પહેલાં બૅટિંગ કરતાં યુવા ભારતીય ટીમ ૨૦ ઓવરમાં ૮ વિકેટે માત્ર ૮૧ રન જ બનાવી શકી હતી. ૮૨ રનનો ટાર્ગેટ શ્રીલંકાએ ૧૪.૩ ઓવરમાં ૩ વિકેટ ગુમાવીને મેળવી લીધો હતો. શ્રીલંકાની ત્રણેય વિકેટ સ્પિનર રાહુલ ચાહરે લીધી હતી.

કુલદીપના હાઇએસ્ટ ૨૩ રન

પહેલી જ ઓવરમાં કૅપ્ટન શિખર ધવન ખાતું ખોલાવ્યા વિના આઉટ થયા બાદ લાઇન લાગી ગઈ હતી. દેવદત્ત પડિક્કલ (૯), સંજુ સૅમસન (૦), નીતિશ રાણા (૬)ના ફ્લૉપ શોને લીધે ભારતની અવસ્થા ૩૫ રનમાં પાંચ વિકેટ થઈ ગઈ હતી. માત્ર ત્રણ જ ખેલાડીઓ ડબલ ડિજિટનો સ્કોર બનાવી શક્યા હતા. ઓપનર ઋતુરાજ ગાયકવાડે ૧૪ અને ભુવનેશ્વરકુમારે ૧૫ રન બનાવ્યા હતા, જ્યારે કુલદીપ યાદવે હાઇએસ્ટ અણનમ ૨૩ રન બનાવ્યા હતા. હાલનો બીજા નંબરનો ટી૨૦ બોલર વનિન્દુ હસરંગાએ ચાર ઓવરમાં માત્ર ૯ રન આપીને ચાર વિકેટ લીધી હતી અને મૅન ઑફ ધ મૅચ બન્યો હતો.

સેકન્ડ લોએસ્ટ

ભારતીય ટીમે ગઈ કાલે ૮૧ રન બનાવ્યા હતા, જે તેમનો ટી૨૦ ઇન્ટરનૅશનલમાં સેકન્ડ લોએસ્ટ સ્કોર બની ગયો હતો. લોએસ્ટ ૭૪ રન તેમણે ૨૦૦૮માં ઑસ્ટ્રેલિયા સામે બનાવ્યા હતા. આ ઉપરાંત ૨૦ ઓવર પૂરી રમ્યા હોય એમાં આ ૮૧ રન સેકન્ડ લોએસ્ટ સ્કોર બન્યો હતો. લોએસ્ટનો રેકૉર્ડ ૭૯ રનનો છે જે ૨૦૧૦માં વેસ્ટ ઇન્ડીઝે ઝિમ્બાબ્વે સામે બનાવ્યા હતા.

sports sports news india sri lanka