વરસાદને કારણે ઇન્ડિયા-Aના વિજયી અભિયાનમાં ભંગ પડ્યો

12 June, 2026 12:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અફઘાનિસ્તાન -A DLS મેથડને કારણે ૪ રને જીત્યું

દામ્બુલાના મેદાન પર વારંવાર પડતા વરસાદને કારણે નિરાશ જોવા મળી તિલક વર્મા ઍન્ડ ટીમ.

શ્રીલંકામાં આયોજિત ત્રિકોણીય વન-ડે સિરીઝમાં વિજયી શરૂઆત બાદ ગઈ કાલે વરસાદને કારણે ઇન્ડિયા-Aના વિજયી અભિયાનમાં ભંગ પડ્યો છે. ભારતે ઓપનર પ્રભસિમરન સિંહના ૮૪ રન અને કૅપ્ટન, વાઇસ-કૅપ્ટનના ૬૬-૬૬ રનને આધારે ૪૯ ઓવરમાં ૯ વિકેટ ગુમાવીને ૩૪૯ રનનો તોતિંગ સ્કોર ઊભો કર્યો હતો. 

જોકે વરસાદના વિઘ્નને કારણે ભારતની અંતિમ ઓવર ન રમી શકાઈ અને DLS મેથડ અનુસાર અફઘાનિસ્તાનને ૩૮ ઓવરમાં જીત માટે ૨૯૪ રનનો ટાર્ગેટ મળ્યો. ૨૫.૫ ઓવરમાં અફઘાનિસ્તાન ૧૭૭/૨ના સ્કોર પર રમી રહ્યું હતું ત્યારે ફરી વરસાદ પડ્યો અને ભીના આઉટફીલ્ડને કારણે મૅચ ફરી ન રમી શકાઈ. DLSના નિયમો અનુસાર અફઘાનિસ્તાનને ૪ રનથી જીત મળી હતી. 

૧૫ વર્ષના ઓપનર વૈભવ સૂર્યવંશીએ ૨૦૦ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને બાવીસ બૉલમાં ૯ ફોરની મદદથી ૪૪ રન કર્યા હતા. તેના સાથી ઓપનર પ્રભસિમરન સિંહે ૧૪ ફોરની મદદથી ૬૯ બૉલમાં ૮૪ રન કર્યા હતા. વાઇસ-કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડે ૮૦ બૉલ અને કૅપ્ટન તિલક વર્માએ ૭૩ બૉલમાં ૬૬-૬૬ રન ઝૂડ્યા હતા. સૂર્યાંશ શેડગેએ ૨૭ બૉલમાં બે ફોર અને બે સિક્સની મદદથી ૪૦ રન ફટકાર્યા હતા. 

ભારતના યંગ બૅટર રિયાન પરાગની લાંબા સમયથી અટકેલી ખભાની સર્જરી સફળ રહી 

ભારતના યંગ બૅટર રિયાન પરાગે ગઈ કાલે હૉસ્પિટલમાંથી પોતાનો ફોટો શૅર કરીને મહત્ત્વપૂર્ણ અપડેટ આપી હતી. હૅમસ્ટ્રિંગ ઇન્જરીને કારણે ઇન્ડિયા-A સ્ક્વૉડમાંથી બહાર થયેલા રિયાન પરાગે હાલમાં જમણા ખભાની સફળ સર્જરી કરાવી છે. તેના ખભાની સમસ્યા લાંબા સમયથી ચાલી રહી હતી. આ સમસ્યાની અસર રમત પર શરૂ થાય ત્યાં સુધી સર્જરીને ડૉક્ટરોની સલાહ મુજબ મુલતવી રાખવામાં આવી હતી. 

રિયાને સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર લખ્યું કે ‘છેલ્લાં બે વર્ષમાં મારી એવી રીતે કસોટી થઈ છે જેની મેં ક્યારેય અપેક્ષા નહોતી કરી. સારા દિવસો, નિરાશાજનક દિવસો અને એવા દિવસો હતા જ્યારે ફક્ત મૅચમાં રમવું પણ એક પડકાર હતો. હું ટૂંક સમયમાં મેદાન પર વાપસી કરીશ.’

sports news sports afghanistan sri lanka cricket news indian cricket team tilak varma riyan parag ruturaj gaikwad