20 November, 2025 12:12 PM IST | Guwahati | Gujarati Mid-day Correspondent
સાઇમન હાર્મર, માર્કો યાન્સેન
પ્રથમ ટેસ્ટમાં ભારતને હરાવીને કમાલ કરી દેનાર વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયન સાઉથ આફિકા હવે સિરીઝ જીતવા માટે આતુર છે. જોકે શનિવારથી ગુવાહાટીમાં શરૂ થનારી બીજી ટેસ્ટ પહેલાં તેમને પ્રથમ ટેસ્ટના બે સ્ટાર પર્ફોર્મર સાઇમન હાર્મર અને માર્કો યાન્સેનની ઇન્જરીને લીધે ચિંતામાં મૂકી દીધા છે. ખભાની ઇન્જરીથી પીડાતા હાર્મર અને યાન્સેન બન્નેએ શુભમન ગિલ જે હૉસ્પિટલમાં દાખલ થયો હતો ત્યાં જ ચેક-અપ કરાવ્યું હતું.
સાઉથ આફ્રિકન ટીમ મૅનેજમેન્ટને બન્ને શનિવાર સુધીમાં ફિટ થઈ જશે એવો વિશ્વાસ છે, પણ એવું ન થયું તો હાર્મરની જગ્યાએ સેનુરન મુથુસ્વામી રમશે અને યાન્સેનની જગ્યા કૅગિસો રબાડા લેશે. રબાડા પણ ઇન્જરીને લીધે પ્રથમ ટેસ્ટમાં નહોતો રમી શક્યો. આથી જો રબાડા પણ ફિટ ન હોય તો કવર માટે લુન્ગી ઍન્ગિડીને સ્ક્વૉડમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.
નીતીશ કુમાર રેડ્ડીનો ફરી ટીમમાં સમાવેશ
પ્રથમ ટેસ્ટ પહેલાં સાઉથ આફ્રિકા A સામેની વન-ડે સિરીઝ માટે સ્ક્વૉડમાંથી છૂટા કરવામાં આવેલા નીતીશ કુમાર રેડ્ડીને ફરી બોલાવી લેવામાં આવ્યો છે. શુભમન ગિલ જો બીજી ટેસ્ટમાં ન રમે તો કદાચ એક ઑલરાઉન્ડર તરીકે રેડ્ડીનો નંબર લાગી શકે છે. વન-ડે સિરીઝ ગઈ કાલે પૂરી થઈ ગઈ હતી.