22 June, 2026 10:24 AM IST | Dambulla | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે ભારત અને શ્રીલંકાની A ટીમ વચ્ચે ત્રિકોણીય વન-ડે સિરીઝની ફાઇનલ જીતી ગયા બાદ ટ્રોફી સાથે ખુશખુશાલ ભારતીય ટીમ
ગઈ કાલે ભારત અને શ્રીલંકાની A ટીમ વચ્ચે ત્રિકોણીય વન-ડે સિરીઝની ફાઇનલ રમાઈ હતી. તિલક વર્માની આગેવાનીમાં ભારતીય ટીમે ૫૦ ઓવરમાં ૯ વિકેટે ૩૭૭ રન કર્યા હતા. જવાબમાં યજમાન શ્રીલંકા ૪૭.૧ ઓવરમાં ૩૧૧ રન કરીને ઑલઆઉટ થયું હતું.
ટૉસ હારીને પહેલાં બૅટિંગ કરનાર ભારતીય ટીમ માટે ઓપનર વૈભવ સૂર્યવંશીએ ૨૯ બૉલમાં ૧૦ ફોર અને ૮ સિક્સના આધારે ૯૪ રન ઝૂડ્યા હતા. કૅપ્ટન તિલક વર્માએ ૯૦ બૉલમાં ૬૭ રન કર્યા હતા. શ્રીલંકાના સાત બોલિંગ વિકલ્પોમાંથી ત્રણ બોલર્સે બે વિકેટ અને ત્રણ બોલર્સે એક-એક વિકેટ લીધી હતી.
શ્રીલંકા માટે વનુજા સાહને ૬૯ બૉલમાં ૬૨ રન અને સદિરા સમરવિક્રમાએ ૪૪ બૉલમાં બાવન રન કર્યા હતા. ભારત માટે ફાસ્ટ બોલર યશ ઠાકુરે અને સ્પિનર વિપ્રજ નિગમે ૩-૩ વિકેટ લીધી હતી.
લિસ્ટ-A ક્રિકેટ એટલે કે ૫૦-૫૦ ઓવરની રમતમાં ફાસ્ટેસ્ટ ફિફ્ટીનો બે દાયકા જૂનો રેકૉર્ડ તૂટ્યો છે. ગઈ કાલે ૧૫ વર્ષના વૈભવ સૂર્યવંશીએ ૧૧ બૉલમાં ફાસ્ટેસ્ટ લિસ્ટ-A ફિફ્ટીનો રેકૉર્ડ બનાવ્યો હતો. અગાઉ વર્ષ ૨૦૨૫માં કોલંબોમાં સ્થાનિક ટુર્નામેન્ટમાં શ્રીલંકાના કૌશલ્યા વીરરત્નેએ ૧૨ બૉલમાં ૫૦ રન પૂરા કર્યા હતા.
વૈભવ સૂર્યવંશીએ પોતાની પહેલી ૧૧ બૉલમાં એક ડૉટ બૉલ રમવાની સાથે પાંચ ફોર અને પાંચ સિક્સના આધારે ૫૦ રન પૂરા કર્યા હતા. એની તોફાની બૅટિંગને કારણે ચોથી ઓવરમાં ભારતનો અનુમાનિત સ્કોર ૯૫૦ રન સુધી પહોંચી ગયો હતો.
|
વૈભવ સૂર્યવંશીનું પ્રદર્શન |
|
|
રન |
૯૪ |
|
બૉલ |
૨૯ |
|
ફોર |
૧૦ |
|
સિક્સ |
૮ |
|
સ્ટ્રાઇક-રેટ |
૩૨૪.૧૪ |