13 August, 2026 02:29 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભારતે અફઘાનિસ્તાન સામેની સિરીઝ જાહેર કરી દીધી, બંગલાદેશ લટકી ગયું
ભારતીય ક્રિકેટ બોર્ડે સપ્ટેમ્બરમાં અફઘાનિસ્તાન સામેની ત્રણ T20 મૅચની સિરીઝનું શેડ્યુલ ગઈ કાલે જાહેર કર્યું હતું. આ જાહેરાતને લીધે ઘણા સમયથી ભારત સામેની બંગલાદેશની પેન્ડિંગ
વાઇટ-બૉલ સિરીઝ વિશે પ્રશ્નાર્થ ચિહ્ન લાગી ગયું હતું.
શ્રેયસ ઐયરની કૅપ્ટન્સીમાં અફઘાનિસ્તાન સામે ભારત ૧૩, ૧૫ અને ૧૭ સપ્ટેમ્બરે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ત્રણ T20 મૅચની સિરીઝ રમશે. અફઘાનિસ્તાન જૂનમાં પણ ભારતના પ્રવાસે આવ્યું હતું અને ત્રણ વન-ડે મૅચની સિરીઝ રમ્યું હતું.
ગયા વર્ષે બંગલાદેશમાં રાજકીય અસ્થિરતાને લીધે ભારતે બંગલાદેશની ટૂર પોસ્ટપોન કરી હતી. ત્યાર બાદ IPLમાં બંગલાદેશના પેસ બોલર મુસ્તફિઝુર રહમાનની પણ હકાલપટ્ટી કરી હતી. વળતા જવાબમાં બંગલાદેશ ક્રિકેટ બોર્ડે T20 વર્લ્ડ કપમાં ભારતમાં રમવા આવવાની ના પાડી હતી અને તેમની મૅચો સહયજમાન શ્રીલંકામાં શિફ્ટ કરવાની વિનંતી કરી હતી, જે માન્ય ન થતાં બંગલાદેશને T20 વર્લ્ડ કપમાંથી બહાર થવું પડ્યું હતું. બંગલાદેશને ત્યાર બાદ ભારત સામેના બળવાનો પસ્તાવો થયો હતો અને દેશમાં નવી સરકારની રચના બાદ ભૂતપૂર્વ કૅપ્ટન તમીમ ઇકબાલની અધ્યક્ષતામાં તેમણે ભારતીય ક્રિકેટ બોર્ડ સાથે સંબંધો સુધારવાના પ્રયાસો શરૂ કરી દીધા હતા. ગયા વર્ષની પેન્ડિંગ સિરીઝ માટે બંગલાદેશે સપ્ટેમ્બરના જે સમયગાળાનું સજેશન મોકલ્યું હતું એ જ ગાળામાં ભારતે અફઘાનિસ્તાન સામેની સિરીઝની જાહેરાત કરી દીધી છે. હવે ભારતીય ક્રિકેટ ટીમના આગામી વ્યસ્ત શેડ્યુલને જોતાં નજીકના સમયમાં
ભારત-બંગલાદેશ સિરીઝનું આયોજન અશક્ય લાગી રહ્યું છે.