✕

ડૅરિલ મિચલ અને ગ્લેન ફિલિપ્સે છઠ્ઠી વિકેટ માટે ૪૩ ઓવર સુધી ટકી રહીને મૅચ ડ્રૉ કરી

24 November, 2026 12:57 PM IST  |  Christchurch | Gujarati Mid-day Correspondent

૧૫ ઓવર બાકી હતી અને ન્યુ ઝીલૅન્ડ હજી ૧૧૩ રન પાછળ હતું ત્યારે વેલિંગ્ટનની ટેસ્ટ-મૅચ ડ્રૉ જાહેર કરી ભારતીય ટીમે, નિર્ણાયક મૅચ ૨૭ નવેમ્બરથી ક્રાઇસ્ટચર્ચમાં.

છઠ્ઠી વિકેટ માટે ૨૫૮ બૉલમાં ૬૩ રનની અણનમ ભાગીદારી કરીને ડૅરિલ મિચલ અને ગ્લેન ફિલિપ્સે ભારતીય બોલર્સને હંફાવ્યા

ન્યુ ઝીલૅન્ડ અને ભારત વચ્ચેની બે ટેસ્ટ-મૅચની સિરીઝની પહેલી મૅચ ડ્રૉ રહી છે. હવે સિરીઝની બીજી અને નિર્ણાયક મૅચ ૨૭ નવેમ્બરથી ક્રાઇસ્ટચર્ચમાં શરૂ થશે. વેલિંગ્ટનના બેસિન રિઝર્વના મેદાન પર છેલ્લે ડિસેમ્બર ૨૦૧૮માં ન્યુ ઝીલૅન્ડ-શ્રીલંકાની ટેસ્ટ-મૅચ ડ્રૉ રહી હતી. ત્યાર પછીની આઠેય ટેસ્ટ-મૅચનાં રિઝલ્ટ મળ્યાં હતાં. આ મેદાન પર ભારત છેલ્લે ૧૯૬૮માં એકમાત્ર ટેસ્ટ-મૅચ જીત્યું હતું. પછીથી ભારતીય ટીમે અહીં પાંચ હારનો સામનો કર્યો છે અને ત્રીજી વખત ડ્રૉ મૅચ રમી છે.

પાંચમા દિવસના અંત પહેલાં ૧૫ ઓવર બાકી હતી અને ભારત પાસે ૧૧૩ રનની લીડ હતી ત્યારે ભારતીય ટીમે ડ્રૉ માટે હાથ મિલાવ્યો હતો. પહેલી ઇનિંગ્સમાં ૩૬૮-૧૦નો સ્કોર કરનાર કિવી ટીમે બીજી ઇનિંગ્સમાં ૧૨૦ ઓવર બૅટિંગ કરીને ૨૩૯ રનમાં પાંચ વિકેટ ગુમાવી હતી. ભારતીય ટીમે ૧૬૬ ઓવરમાં ૭૨૦-૯ના સ્કોરે પહેલી ઇનિંગ્સ ડિક્લેર કરીને વિદેશમાં પોતાનું બેસ્ટ પ્રદર્શન નોંધાવ્યું હતું. ૧૭૫ રન અણનમ અને ૩૧ રનની ઇનિંગ્સ રમનાર હેન્રી નિકોલ્સ પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો.

ગઈ કાલે પાંચમા દિવસે ન્યુ ઝીલૅન્ડે ૧૧૯-૨ના સ્કોરથી બીજી ઇનિંગ્સને આગળ વધારી હતી. દિવસની દસમીથી ત્રીસમી ઓવર વચ્ચેના સમયગાળામાં ભારતીય ટીમે ૪૪ રન આપીને ૩ વિકેટ લીધી હતી. જોકે ત્યાર પછી કિવી ટીમે એક પણ વિકેટ ગુમાવી નહોતી. ડેવોન કૉન્વેએ ૧૬૫ બૉલમાં ૬૫ રન, રચિન રવીન્દ્રએ ૧૨૯ બૉલમાં ૩૭ રન અને ટૉમ બ્લન્ડેલે ૫૪ બૉલમાં ૧૫ રનનું યોગદાન આપ્યું હતું.

ડૅરિલ મિચલ અને ગ્લેન ફિલિપ્સે મળીને છઠ્ઠી વિકેટ માટે ૨૫૮ બૉલમાં એટલે કે લગભગ ૪૩ ઓવર સુધી બૅટિંગ કરીને ૬૩ રનની ભાગીદારી કરી હતી. પાંચમા ક્રમે બૅટિંગ કરીને ડૅરિલ મિચલે ૧૮૬ બૉલમાં ૪ ફોર, ૧ સિક્સની મદદથી ૪૯ રન કર્યા હતા. સાતમા ક્રમે રમવા આવેલા ગ્લેન ફિલિપ્સે ૧૨૬ બૉલમાં બે ફોરની મદદથી ૨૬ રન કરીને ધીરજપૂર્વક બૅટિંગ કરી હતી.

ભારતીય ટીમ માટે બીજી ઇનિંગ્સમાં ફાસ્ટ બોલર પ્રસિદ્ધ ક્રિષ્નાએ ૧૯ ઓવરમાં ૨૩ રન આપીને બે વિકેટ લીધી હતી. વૉશિંગ્ટન સુંદર, અંશુલ કમ્બોજ અને જસપ્રીત બુમરાહને ૧-૧ વિકેટ મળી હતી.

શુભમન ગિલે બૉલ ચમકાવવા માટે ક્રિકેટ-મૅચમાં લાળ પરના પ્રતિબંધને હટાવવાની અપીલ કરી

કૅપ્ટન શુભમન ગિલ સહિતના ભારતીય પ્લેયર્સ મૅચ ડ્રૉ થયા પછી નિરાશ જોવા મળ્યા.

ભારતીય ટેસ્ટ-કૅપ્ટન શુભમન ગિલે વેલિંગ્ટનમાં ડ્રૉ મૅચ પછી મોટું નિવેદન આપ્યું છે. શુભમન ગિલે કહ્યું હતું કે ‘અમે ગયા વર્ષે ઇંગ્લૅન્ડમાં બૉલને ઝડપથી એની સખતાઈ ગુમાવતાં જોયો હતો. ત્યાં પ્રથમ ત્રણ-ચાર મૅચોમાં બૉલ ખૂબ જ ઝડપથી નરમ થઈ રહ્યો હતો. મને ખબર નથી કે બૉલની ગુણવત્તા બગડી ગઈ છે કે પછી સમસ્યા બીજી કોઈ છે. જ્યાં પિચ તરફથી કોઈ મદદ મળતી નથી અને બૉલ પણ નરમ થઈ જાય છે ત્યારે બોલરો માટે વિકેટ લેવી અત્યંત મુશ્કેલ બની જાય છે. મને સમજાતું નથી કે અમને હજુ પણ બૉલ ચમકાવવાની મંજૂરી કેમ નથી. આપણે કોવિડના સમયગાળાથી ઘણા આગળ નીકળી ગયા છીએ. એક નિયમ લાવવામાં આવ્યો હતો કે બૉલ ચમકાવવા માટે લાળનો ઉપયોગ કરી શકાતો નથી. એ વાતને સાત-આઠ વર્ષ વીતી ગયાં છે. શા માટે હજી પણ આ નિયમ ચાલુ છે.’

અગાઉ બોલર્સ બૉલના એક ભાગને ચમકદાર અને ભારે બનાવવા માટે લાળનો ઉપયોગ કરતા હતા. એનાથી બૉલને સ્વિંગ અને રિવર્સ સ્વિંગ કરવામાં મદદ મળતી હતી. કોવિડ-19ના સમયમાં સંક્રમણ અટકાવવા માટે આ પ્રયાસો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

ડ્રૉ માટે ૪૩ ઓવર મેઇડન, કિવીઓ સતત ૪૩ ડૉટ-બૉલ રમ્યા

 કિવી ટીમ બીજી ઇનિંગ્સમાં ૧૨૦માંથી ૪૩ ઓવર મેઇડન રમી હતી. વર્તમાન વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ સીઝનમાં એક ટેસ્ટ-ઇનિંગ્સનો આ સૌથી વધુ મેઇડન ઓવરનો રેકૉર્ડ છે.

 ભારતીય ટીમે છેલ્લે ૪૦થી વધુ મેઇડન ઓવર ૨૦૧૫માં સાઉથ આફ્રિકા સામેની ઇનિંગ્સમાં કરી હતી. એ સમયે ૧૪૩.૧ ઓવરમાંથી ૮૯ ઓવર મેઇડન જોવા મળી હતી.

 પહેલી ટેસ્ટ-મૅચમાં વૉશિંગ્ટન સુંદરે ૧૪, પ્રસિદ્ધ ક્રિષ્નાએ ૧૦, જસપ્રીત બુમરાહે ૭, આકાશ દીપે ૬ અને અંશુલ કમ્બોજે પાંચ ઓવર મેઇડન ફેંકી હતી.

 ભારતીય બોલર્સનું મનોબળ તોડવા ટી-બ્રેક પછી ડૅરિલ મિચલ અને ગ્લેન ફિલિપ્સ ૧૦૧.૫થી ૧૦૮.૫ ઓવર સતત ૪૩ ડૉટ-બૉલ રમ્યા હતા. એટલે કે આ દરમ્યાન તેમણે એક પણ રન લીધો નહોતો, મોટો શૉટ રમ્યો નહોતો અને કેટલાક બૉલ છોડી દીધા હતા.

 બીજી ઇનિંગ્સમાં શુભમન ગિલે ધ્રુવ જુરેલ, યશસ્વી જાયસવાલ અને દેવદત્ત પડિક્કલ સહિતના ૮ બોલર્સને બોલિંગ આપી હતી. ૨૮મી વખત ભારતે એક ઇનિંગ્સમાં ૮ બોલર્સનો ઉપયોગ કર્યો છે.

 છેલ્લી કોલંબો ટેસ્ટ-મૅચમાં પણ ભારતે એક ઇનિંગ્સમાં ૮ બોલર્સનો ઉપયોગ કર્યો હતો. અગાઉ ભારતે ૧૯૬૩-’૬૪ અને ૧૯૫૨-’૫૩માં બૅક-ટુ-બૅક ટેસ્ટ-મૅચની ઇનિંગ્સમાં ૮ બોલર્સનો ઉપયોગ કરવો પડ્યો હતો.

 એક દાયકા પછી ભારતીય ટીમે સતત બે કે તેથી વધુ ડ્રૉ મૅચ રમી છે. છેલ્લે ૨૦૧૪-’૧૫માં ઑસ્ટ્રેલિયાના મૅલબર્ન, સિડની અને બંગલાદેશના ફતુલ્લાહ શહેરમાં ભારતની સતત ત્રણ ટેસ્ટ-મૅચ ડ્રૉ રહી હતી.

new zealand india christchurch wellington world test championship test cricket team india indian cricket team cricket news sports news sports