22 February, 2026 09:57 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
સૂર્યકુમાર યાદવ અને એડન માર્કરમ
અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં આજે સાંજે ૭ વાગ્યે ટીમ ઇન્ડિયા T20 વર્લ્ડ કપ 2026ની પોતાની પહેલી સુપર 8 મૅચ રમશે. સાઉથ આફ્રિકા સામેની આ મૅચ ટીમ ઇન્ડિયા માટે પડકારજનક રહેશે, કારણે કે ગ્રુપ-સ્ટેજ દરમ્યાન અજેય સાઉથ આફ્રિકાએ પોતાની ચારમાંથી ૩ મૅચ અમદાવાદના આ સ્ટેડિયમમાં જ રમી છે. સાઉથ આફ્રિકાએ પહેલાં કૅનેડાને ૫૭ રને, અફઘાનિસ્તાનને ઐતિહાસિક ડબલ સુપર ઓવરમાં અને ન્યુ ઝીલૅન્ડને ૭ વિકેટે હરાવ્યું હતું. આ મેદાન પર સાઉથ આફ્રિકા ૪ T20 મૅચમાંથી એકમાત્ર ભારત સામે ડિસેમ્બર ૨૦૨૫માં હાર્યું હતું. એ મૅચ આ મેદાનની બન્ને ટીમની પહેલી T20 ટક્કર હતી. ભારત આ મેદાન પર ૯ T20 મૅચમાંથી માત્ર બે મૅચ હાર્યું છે. ભારતીય ટીમ નેધરલૅન્ડ્સ સામેની પોતાની અંતિમ ગ્રુપ-સ્ટેજ મૅચ આ જ મેદાન પર રમીને જીતી હતી. લગભગ એક અઠવાડિયાથી અમદાવાદમાં જ હોવાથી સૂર્યાના શૂરવીરો મેદાન અને પિચની પરિસ્થિતિથી બરાબરના વાકેફ થઈ ગયા છે.
૨૦૦૬થી ૨૦૨૫ દરમ્યાન બન્ને ટીમ સામસામે ૩૫ T20 મૅચ રમી છે. એમાંથી ભારત સૌથી વધુ ૨૧ મૅચ અને સાઉથ આફ્રિકા ૧૩ મૅચ જીત્યું છે. જાન્યુઆરી ૨૦૨૨માં બૅન્ગલોરમાં એક મૅચ નો-રિઝલ્ટ રહી હતી.
આજે સુપર 8 રાઉન્ડના બીજા દિવસે ડબલ હેડર ટક્કર જોવા મળશે. આજના દિવસની પહેલી મૅચ યજમાન શ્રીલંકા અને ઇંગ્લૅન્ડ વચ્ચે બપોરે ૩ વાગ્યે શરૂ થશે. છેલ્લા એક દાયકાથી સતત ૧૧ T20 મૅચમાં ઇંગ્લૅન્ડે શ્રીલંકાને માત આપી છે. બન્ને વચ્ચે રમાયેલી ૧૭ T20 મૅચમાંથી ઇંગ્લૅન્ડ ૧૩ અને શ્રીલંકા ૪ મૅચ જીત્યું છે. શ્રીલંકા છેલ્લે ઇંગ્લૅન્ડ સામે મે ૨૦૧૪માં T20 મૅચ જીત્યું હતું.
૨૦૦૭ સુપર 8 મૅચ :
ભારતની ૩૭ રને જીત
૨૦૦૯ સુપર 8 મૅચ :
સાઉથ આફ્રિકાની ૧૨ રને જીત
૨૦૧૦ ગ્રુપ-સ્ટેજ મૅચ :
ભારતની ૧૪ રને જીત
૨૦૧૨ સુપર 8 મૅચ :
ભારતની એક રને જીત
૨૦૧૪ સેમી-ફાઇનલ મૅચ :
ભારત ૬ વિકેટે જીત્યું
૨૦૨૨ સુપર 12 મૅચ :
સાઉથ આફ્રિકા પાંચ વિકેટે જીત્યું
૨૦૨૪ ફાઇનલ મૅચ :
ભારત ૭ રને જીત્યું