ઝિમ્બાબ્વે સામે ક્યારેય ભારત દ્વિપક્ષીય સિરીઝ નથી હાર્યું

23 July, 2026 03:19 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

૪ ટેસ્ટ-સિરીઝ, ૮ વન-ડે સિરીઝ અને ૪ T20 સિરીઝમાં આ હરીફ સામે અપરાજિત છે ભારતીય ટીમ : આજથી શરૂ થાય છે ત્રણ મૅચની T20 સિરીઝ

કોચ વી. વી. એસ. લક્ષ્મણની આગેવાનીમાં ભારતીય ટીમે પોતાની ટ્રેઇનિંગ પહેલાં આંખ બંધ કરીને પ્રાર્થના કરી હતી.

હરારેમાં ઝિમ્બાબ્વે અને ભારતીય ટીમ વચ્ચે આજથી ૨૬ જુલાઈ સુધી ત્રણ T20 મૅચની સિરીઝ રમાશે. બન્ને ટીમ વચ્ચે સમાનતા એ છે કે બન્ને ટીમો પોતાની છેલ્લી બન્ને T20 સિરીઝમાં હારી છે. ઝિમ્બાબ્વેને અફઘાનિસ્તાન સામે ૦-૩ અને બંગલાદેશ સામે ૧-૨થી હાર મળી છે. શ્રેયસ ઐયરની આગેવાનીમાં ભારત આયરલૅન્ડ સામે ૦-૨થી અને ઇંગ્લૅન્ડ સામે પાંચ મૅચની સિરીઝમાં ૦-૪થી હાર્યું હતું. આ બન્ને ટીમ જુલાઈ ૨૦૨૪ બાદ પહેલી વખત દ્વિપક્ષીય T20 સિરીઝમાં ટકરાશે. છેલ્લે T20 વર્લ્ડ કપ દરમ્યાન બન્ને ટીમની ટક્કર ચેન્નઈમાં થઈ હતી, જેમાં ભારતે ૭૨ રનથી ઝિમ્બાબ્વેને હરાવ્યું હતું. ૨૦૧૦થી ઝિમ્બાબ્વે અને ભારતીય ટીમ વચ્ચે ૧૪ T20 મૅચ રમાઈ છે એમાંથી ભારત ૧૧ મૅચ જીત્યું છે અને ત્રણ મૅચ ઝિમ્બાબ્વે જીત્યું છે. આ હરીફ ટીમ સામે ભારતને જુલાઈ ૨૦૧૫માં ૧૦ રને, જૂન ૨૦૧૬માં બે રને અને જુલાઈ ૨૦૨૪માં ૧૩ રને હાર મળી હતી. આ ત્રણેય હાર હરારેમાં જ મળી હતી. ઝિમ્બાબ્વે પોતાના હોમગ્રાઉન્ડ હરારેમાં ૬૪ T20 મૅચમાંથી માત્ર ૧૮ મૅચ જીત્યું છે, ૪૪ મૅચમાં એને હાર મળી છે અને બે મૅચ નો-રિઝલ્ટ રહી છે. ભારતને આ મેદાન પર ૧૨ T20 મૅચમાં ૯ જીત અને ત્રણ હાર મળી છે. ઝિમ્બાબ્વે સામે ભારત ક્યારેય દ્વિપક્ષીય સિરીઝ હાર્યું નથી. ૪ ટેસ્ટ-સિરીઝ, ૮ વન-ડે સિરીઝ અને ૪ T20 સિરીઝમાં આ હરીફ સામે ભારત અપરાજિત છે. ભારત ૨૦૧૦, ૨૦૧૫, ૨૦૧૬ અને ૨૦૨૪ની એમ અગાઉની ચારેય T20 સિરીઝમાં ઝિમ્બાબ્વેમાં હરારેમાં જ રમ્યું છે. ૨૦૧૫ની બે મૅચની સિરીઝ ૧-૧થી ડ્રૉ રહી હતી.

indian cricket team sports sports news zimbabwe cricket news t20 international