ક્રિકેટ બોર્ડે વિશ્વવિજેતા અન્ડર-19 ટીમ માટે ૭.૫ કરોડ રૂપિયાના કૅશ પ્રાઇઝની જાહેરાત કરી

08 February, 2026 12:40 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ચૅમ્પિયન બન્યા બાદ ડ્રેસિંગ રૂમમાં પંજાબી અને ભોજપુરી સૉન્ગ પર નાચ્યા ભારતીય પ્લેયર્સ

બેડ પર ટ્રોફી સાથે પોઝ આપ્યો કૅપ્ટન આયુષ મ્હાત્રેએ. વિડિયો-કૉલની મદદથી ફૅમિલીને વર્લ્ડ કપની ટ્રોફી દેખાડતો જોવા મળ્યો હતો વૈભવ સૂર્યવંશી.

ક્રિકેટ બોર્ડે ભારતને છઠ્ઠી વખત અન્ડર-19 વન-ડે વર્લ્ડ કપ જિતાડનાર આયુષ મ્હાત્રે ઍન્ડ કંપની માટે કૅશ પ્રાઇઝની જાહેરાત કરી હતી. ઇંગ્લૅન્ડ સામે અન્ડર-19 વન-ડે વર્લ્ડ કપ ફાઇનલની રેકૉર્ડ ૧૦૦ રનની જીતને કારણે ​ક્રિકેટ બોર્ડે ભારતની અન્ડર-19 ટીમને ૭.૫ કરોડ રૂપિયાના કૅશ પ્રાઇઝથી સન્માનિત કરી છે. આ પુરસ્કાર પ્લેયર્સ સહિત સપોર્ટ-સ્ટાફ અને સિલેક્શન-કમિટીને પણ મળશે. 
ક્રિકેટ બોર્ડના સેક્રેટરી દેવજિત સૈકિયાએ કહ્યું હતું કે ‘આખો દેશ અને ક્રિકેટ બોર્ડ આપણી અન્ડર-19 ટીમ પર વર્લ્ડ કપ જીતવા બદલ ગર્વ અનુભવે છે. આપણી ટીમે ફાઇનલમાં ઇંગ્લૅન્ડને જે રીતે હરાવ્યું અને જે રીતે તેઓ ટુર્નામેન્ટમાં અજેય રહ્યા એના પર બધાને ગર્વ છે.’ 
સતત છઠ્ઠી વખત ટુર્નામેન્ટની દસમી ફાઇનલ મૅચ રમીને ભારતીય ટીમે રેકૉર્ડ છઠ્ઠી વખત આ ટાઇટલ જીત્યું હતું. 

 ભારતની ક્રિકેટ-પ્રતિભા ચમકી રહી છે. વર્લ્ડ કપ ઘરે લાવવા બદલ આપણી અન્ડર-19 ટીમ પર ગર્વ છે. ટીમે સમગ્ર ટુર્નામેન્ટ દરમ્યાન ખૂબ જ સારું પ્રદર્શન કર્યું અને અસાધારણ કૌશલ્ય દર્શાવ્યું. - વડા પ્રધાન નરેન્દ્ર મોદી 

 હિંમત, નિર્ભયતા અને દૃઢ નિશ્ચય આજના જેન-ઝી ઇન્ડિયાનાં મુખ્ય લક્ષણો છે. આ છઠ્ઠું અન્ડર-19 વર્લ્ડ કપ ટાઇટલ ભારતીય ક્રિકેટના ભવિષ્ય વિશે એક ગૌરવવાળું નિવેદન છે. શાનદાર રમ્યા ચૅમ્પિયન્સ. - કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધી

 જ્યારે તમારી પાસે સૂર્યવંશી હોય ત્યારે એક ટાઇમલેસ બ્લૉકબસ્ટરની અપેક્ષા હોય છે. શાબાશ વૈભવ. - સચિન તેન્ડુલકર 

 એજ-ગ્રુપ ક્રિકેટ અને એનાથી આગળ આપણું વર્ચસ ચાલુ છે. આખી ટીમ અને સપોર્ટ-સ્ટાફને શુભકામનાઓ. - વિરાટ કોહલી

 સમગ્ર ટુર્નામેન્ટમાં અજેય રહીને ટીમે તેમના શાનદાર પ્રદર્શનથી દેશને ગૌરવ અપાવ્યું છે. હું પ્રતિભાશાળી યુવા ખેલાડીઓના ઉજ્જ્વળ ભવિષ્યની શુભેચ્છા પાઠવું છું. મને વિશ્વાસ છે કે ભારતીય ક્રિકેટ વધુ ને વધુ મજબૂત બનશે. - રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ

વૈભવ સૂર્યવંશી માટે ડ્રેસિંગ રૂમમાં ભોજપુરી સૉન્ગ વાગ્યા 

આખી ટુર્નામેન્ટ અને ફાઇનલ મૅચના હીરો એવા ૧૪ વર્ષના વૈભવ સૂર્યવંશીએ ચૅમ્પિયન બન્યા બાદ હરારે સ્પોર્ટ્‍સ ક્લબના ડ્રેસિંગ રૂમમાંથી ટીમની ડાન્સ-પાર્ટી સમયે ઇન્સ્ટાગ્રામ લાઇવ પણ કર્યું હતું. આ વિડિયોમાં તેની ક્યુટ હરકતોએ સૌનું દિલ જીતી લીધું હતું. વિડિયોમાં તેણે કહ્યું હતું કે ‘પંજાબી સૉન્ગ સમજ નહીં આ રહા ઇસ લિએ અબ ભોજપુરી સૉન્ગ બજેગા.’ બિહારના આ ક્રિકેટરની ફરમાઇશ પર પંજાબી સૉન્ગ બદલીને ભોજપુરી સૉન્ગ વગાડવામાં આવ્યાં હતાં. વૈભવ સૂર્યવંશી સૉરી-સૉરી નામના ભોજપુરી સૉન્ગ પર શાનદાર ડાન્સમૂવ દેખાડતો જોવા મળ્યો હતો. 
જીત બાદ ટીમના પ્લેયર્સે ટ્રોફી સાથે અનોખા પોઝ આપીને ફોટો પણ શૅર કર્યો હતો. શુક્રવારની રાતે પ્લેયર્સના ઘરેથી ફૅમિલીના સભ્યોના સેલિબ્રેશનના વિડિયો પણ સોશ્યલ મીડિયા પર વાઇરલ થયા હતા. 

indian cricket team under 19 cricket world cup cricket news vaibhav sooryavanshi sports news sports