✕

ભારતમાં ક્યારેય T20 સિરીઝ નથી જીતી શક્યા કૅરિબિયનો

06 October, 2026 05:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આજથી ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે પાંચ T20 મૅચની સિરીઝનો પ્રારંભ થશે, ઘરઆંગણે વેસ્ટ ઇન્ડીઝ સામે ૨૦૧૬ અને ૨૦૧૯માં એક-એક T20 મૅચ હાર્યું છે ભારત

લખનઉમાં પ્રૅક્ટિસ દરમ્યાન તોફાની બૅટિંગ કરતો વૈભવ સૂર્યવંશી

ત્રણ દિવસ પહેલાં એશિયન ગેમ્સ 2026માં ગોલ્ડ મેડલ જીતનાર ભારતીય મેન્સ T20 ટીમ આજથી વધુ એક અભિયાન માટે મેદાન પર ઊતરશે. ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે આજથી પાંચ T20 મૅચની સિરીઝ શરૂ થશે. છેલ્લી બે સિરીઝ પણ પાંચ-પાંચ મૅચની રમાઈ હતી. ૨૦૨૨માં ભારતે ૪-૧થી અને ૨૦૨૩ની સિરીઝમાં વેસ્ટ ઇન્ડીઝે ૩-૧થી જીત મેળવી હતી. 

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ૨૦૧૬થી ૭ T20 સિરીઝ રમાઈ છે. પહેલી અને ૨૦૨૩માં રમાયેલી અંતિમ એમ માત્ર બે સિરીઝમાં વેસ્ટ ઇન્ડીઝ વિજેતા રહ્યું છે. એની વચ્ચે રમાયેલી સતત પાંચ સિરીઝમાં ભારતે બાજી મારી હતી. ભારતમાં વેસ્ટ ઇન્ડીઝ ત્રણ વખત દ્વિપક્ષીય T20 સિરીઝ રમ્યું છે અને ત્રણેયમાં એને હાર મળી હતી. 

બન્ને દેશો વચ્ચે ૩૧ T20 મૅચ રમાઈ છે એમાંથી ભારત ૨૦ મૅચમાં અને વેસ્ટ ઇન્ડીઝ ૧૦ મૅચમાં વિજેતા રહ્યું છે. ઑગસ્ટ ૨૦૧૬માં માત્ર એક મૅચ નો-રિઝલ્ટ રહી હતી. ભારતીય ટીમને ભારતની ધરતી પર વેસ્ટ ઇન્ડીઝ સામે માત્ર બે T20 મૅચમાં હાર મળી છે. ૨૦૧૬ની ૩૧ માર્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ૭ વિકેટે અને ૨૦૧૯માં ૮ ડિસેમ્બરે તિરુવનંતપુરમમાં ૮ વિકેટે ભારતને હાર મળી હતી.

લખનઉમાં પ્રૅક્ટિસ દરમ્યાન તોફાની બૅટિંગ કરતો વૈભવ સૂર્યવંશી.

પહેલી વખત ભારતીય T20 ટીમમાં સ્થાન મેળવનાર સ્પિનર ઑલરાઉન્ડર નમન ધીર બોલિંગ પ્રૅક્ટિસ કરતો જોવા મળ્યો.

પ્રૅક્ટિસ-સેશનમાં શાનદાર શૉટ ફટકારતો નીતીશ કુમાર રેડ્ડી.

ભારત-વેસ્ટ ઇન્ડીઝની પાંચ T20 મૅચનું શેડ્યુલ 
૬ ઑક્ટોબર : એકાના સ્ટેડિયમ લખનઉ 
૯ ઑક્ટોબર : ઝારખંડ સ્ટેટ ક્રિકેટ અસોસિએશન સ્ટેડિયમ, રાંચી  
૧૧ ઑક્ટોબર : હોલકર સ્ટેડિયમ, ઇન્દોર 
૧૪ ઑક્ટોબર : રાજીવ ગાંધી સ્ટેડિયમ, હૈદરાબાદ
૧૭ ઑક્ટોબર : એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમ, બૅન્ગલોર

એકાના સ્ટેડિયમમાં ક્યારેય T20 મૅચ નથી હાર્યું ભારત 

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના એકાના સ્ટેડિયમમાં જાન્યુઆરી ૨૦૨૩ પછી પહેલી વખત T20 ઇન્ટરનૅશનલ મૅચ રમાશે. અહીં ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડીઝ, શ્રીલંકા અને ન્યુ ઝીલૅન્ડ સામે રમેલી ત્રણેય T20 મૅચ જીત્યું છે. વેસ્ટ ઇન્ડીઝે આ સ્ટેડિયમમાં ૪ T20 મૅચ રમી છે. એમાંથી એને નવેમ્બર ૨૦૧૯માં અફઘાનિસ્તાન સામેની એક મૅચમાં જીત મળી હતી. 

વન-ડે સિરીઝમાં સતત ત્રણ ફિફ્ટી પ્લસની ઇનિંગ્સ રમનાર આમિર જંગૂની T20 સ્ક્વૉડમાં એન્ટ્રી

વેસ્ટ ઇન્ડીઝના ૨૯ વર્ષના વિકેટકીપર-બૅટર આમિર જંગૂનો T20 સ્ક્વૉડમાં પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ૧૯ વર્ષના ઇન્જર્ડ વિકેટકીપર-બૅટર જ્વેલ ઍન્ડ્રુના કવર તરીકે તેને ટીમમાં સ્થાન મળ્યું છે. આમિર જંગૂએ ભારત સામેની વન-ડે સિરીઝમાં ૫૮ રન, ૧૧૪ રન અને ૬૭ રનની સતત ત્રણ ફિફ્ટી પ્લસની ઇનિંગ્સ રમી હતી. ૭ T20 ઇન્ટરનૅશનલમાં તેણે ૭૪ રનના હાઇએસ્ટ સ્કોર સાથે ૧૬૩ રન કર્યા છે. વન-ડે સિરીઝ પછી કે.એલ.રાહુલ સાથે આમિર જંગૂએ આ ફોટો શૅર કર્યો હતો.

cricket news sports news sports india vaibhav sooryavanshi west indies