22 February, 2026 10:56 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
એશિયન ક્રિકેટ કાઉન્સિલે ભારતીય કૅપ્ટન રાધા યાદવ અને બંગલાદેશની કૅપ્ટન ફહિમા ખાતૂનનો ટ્રોફી સાથેનો AI ટેક્નૉલૉજીથી જનરેટ કરેલો ફોટો શૅર કર્યો હતો.
થાઇલૅન્ડના બૅન્ગકૉકમાં આજે બપોરે ૧૨.૩૦ વાગ્યાથી વિમેન્સ એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2026નો ફાઇનલ જંગ શરૂ થશે. ટુર્નામેન્ટની પહેલી સીઝનની ફાઇનલિસ્ટ ટીમો ઇન્ડિયા A અને બંગલાદેશ A વચ્ચે આજે ફરી ટાઇટલ માટે જંગ થશે. ૨૦૨૩ની એ ફાઇનલ મૅચમાં ભારતે ૧૨૭ રન કર્યા પછી બંગલાદેશને ૯૬ રને ઑલઆઉટ કરીને ૩૧ રને જીત નોંધાવી હતી. વર્તમાન સીઝનમાં બંગલાદેશની ટીમ એકમાત્ર અજેય ટીમ રહી છે. ગ્રુપ Bમાં શ્રીલંકા, થાઇલૅન્ડ અને મલેશિયાને માત આપ્યા બાદ એણે સેમી-ફાઇનલ મૅચમાં પાકિસ્તાનને કચડી નાખ્યું હતું. ભારતે UAE સામે હાર સાથે અભિયાનની શરૂઆત કર્યા બાદ પાકિસ્તાન અને નેપાલને હરાવીને સેમી-ફાઇનલમાં શ્રીલંકાને પછાડીને સતત બીજી વખત ફાઇનલમાં એન્ટ્રી કરી હતી.
ભારતીય ક્રિકેટ બોર્ડે ક્રિકેટ અસોસિએશન ફૉર ધ બ્લાઇન્ડ ઇન ઇન્ડિયા (CABI) માટે એક સપોર્ટ-ફ્રેમવર્કની જાહેરાત કરી છે. ક્રિકેટ બોર્ડે ભારતની બ્લાઇન્ડ ક્રિકેટની પુરુષ અને મહિલા બન્ને રાષ્ટ્રીય ટીમોને સમર્થન આપવાનું વચન આપ્યું છે. ક્રિકેટ બોર્ડ આ પ્રયાસોને આગળ વધારવા અને ભારતમાં બ્લાઇન્ડ લોકો માટે વધુ ક્રિકેટની તક ઊભી કરવા માટે CABI સાથે કામ કરવા આતુર છે. ક્રિકેટ બોર્ડ કેવાં સમર્થન આપશે એની જાહેરાત ગઈ કાલે ઑફિશ્યલ નિવેદન જાહેર કરીને કરી હતી.
ઇન્ટરનૅશનલ એક્સપોઝર : પુરુષ અને મહિલા બન્ને ટીમો માટે વાર્ષિક બે વિદેશી ટુર્નામેન્ટ માટે ઇન્ટરનૅશનલ ટૂરની વ્યવસ્થા કરી આપવામાં આવશે.
સ્થાનિક સિરીઝમાં સપોર્ટ : ભારતમાં યોજાનારી દ્વિપક્ષીય સિરીઝ દરમ્યાન ઘરેલુ અને મુલાકાતી ટીમો માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવશે.
વેન્યુ ઍક્સેસ : સ્થાનિક અને ઇન્ટરનૅશનલ મૅચો માટે BCCI-સંલગ્ન સ્ટેડિયમ અને મેદાનોની ઍક્સેસ આપીને ઉચ્ચ ગુણવત્તાવાળી રમતની પરિસ્થિતિઓ અને વાતાવરણ મળે એ સુનિશ્ચિત કરવામાં આવશે.
ક્રિકેટ બોર્ડ રમતમાં પ્રવેશ વધારવાના પ્રયાસોને સમર્થન આપવા માટે પ્રતિબદ્ધ છે. બ્લાઇન્ડ ક્રિકેટરોને દેશ અને વિદેશમાં આત્મવિશ્વાસ સાથે સ્પર્ધા કરવા માટે જરૂરી સુવિધાઓ અને સમર્થન મળશે. - ક્રિકેટ બોર્ડના સચિવ દેવજિત સૈકિયા
ક્રિકેટ બોર્ડ એ ખાતરી કરવામાં પોતાની ભૂમિકા ભજવવા માટે પ્રતિબદ્ધ છે કે ક્રિકેટ એ બધાની રમત બને. - ક્રિકેટ બોર્ડના પ્રમુખ મિથુન મન્હાસ