20 August, 2026 11:34 AM IST | Sri Lanka | Gujarati Mid-day Correspondent
સેન્ચુરી સાથે મૅચમાં કુલ ૨૧૧ રન સાથે કમાલનું કમબૅક કરનાર દેવદત્ત પડિક્કલ બન્યો મૅન ઑફ ધ મૅચ.
ભારતે એની લૅન્ડમાર્ક ૬૦૦મી ટેસ્ટ ૧૬૫ રનથી ભવ્ય વિજય મેળવીને યાદગાર બનાવી દીધી હતી. ગઈ કાલે ગૉલના મેદાનમાં બાકીના ૬ શ્રીલંકન બૅટરોને આઉટ કરવા ઉપરાંત આકાશમાં વરસાદની સાથે પણ સ્પર્ધામાં ઊતરવાનું હતું. માનવ સુથારના પંચાવન રનમાં ૬ વિકેટના દમદાર પર્ફોર્મન્સના જોરે ભારતે આખરે બન્નેમાં સફળતા મેળવી હતી. છેલ્લી વિકેટ પડી એની થોડીક મિનિટોમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો, જેને લીધે પ્રેઝન્ટેશન સેરેમની પણ મેદાનના બદલે ઇન્ડોર કરવી પડી હતી.
પ્રથમ ઇનિંગ્સમાં સેન્ચુરી કરનાર દેવદત્ત પડિક્કલ મૅન ઑફ ધ મૅચ જાહેર થયો હતો. બે વર્ષે કમબૅક કરી રહેલા પડિક્કલે પ્રથમ ઇનિંગ્સમાં ૧૬૭ રન બાદ બીજી ઇનિંગ્સમાં પણ ઉપયોગી ૪૪ રન બનાવ્યા હતા.
આ જીત સાથે ભારતે બે મૅચની સિરીઝમાં ૧-૦થી લીડ લઈ લીધી હતી અને હવે બીજી અને છેલ્લી ટેસ્ટ રવિવારથી કોલંબોમાં શરૂ થશે.
આ જીત સાથે વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપમાં ૧૦ મૅચમાં ૪ હારની સામે પાંચમી જીત નોંધાવીને ભારત ૫૩.૩૩ પર્સન્ટેજ પૉઇન્ટ સાથે બંગલાદેશ (૬૬.૬૭ પૉઇન્ટ) બાદ પાંચમાં નંબરે રહ્યું હતું અને ફાઇનલની રેસમાં જળવાઈ રહ્યું હતું, જ્યારે શ્રીલંકા માટે આ હાર સાથે ફાઇનલમાં પહોંચવાના દરવાજા ઑલમોસ્ટ બંધ થઈ ગયા છે.
માનવનું મૅજિક, પ્રથમ વાર ટનાટન ટેન
ગઈ કાલે રાજસ્થાનના ૨૪ વર્ષના લેફ્ટી સ્પિનર માનવ સુથારે શ્રીલંકાની બાકીની છમાંથી ૪ વિકેટ ઝડપીને ભારતને વરસાદ સાથેની રેસમાં જીત અપાવી હતી. કૅપ્ટન ધનંજય ડિસિલ્વાને રવીન્દ્ર જાડેજાએ અને નિરોશન ડિકવેલાને પ્રસિદ્ધ ક્રિષ્નાએ આઉટ કર્યા બાદ માનવ સુથારે માત્ર ૧૦ બૉલમાં બાકીના ચારેય લંકન બૅટરોને જાળમાં ફસાવીને ટીમને મૂલ્યવાન જીત અપાવી હતી. માનવે તેની બાવીસમી ઓવરના પહેલા, બીજા અને છેલ્લા બૉલે એમ એક જ ઓવરમાં ત્રણ વિકેટ સાથે તરખાટ મચાવ્યો હતો અને ત્યાર બાદની ઓવરના ચોથા બૉલે છેલ્લી વિકેટ સાથે શ્રીલંકાનું પૅક-અપ કરાવી દીધું હતું. માનવે અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટમાં ૩૩ રનમાં ૬ વિકેટ સાથે શાનદાર ડેબ્યુ કર્યું હતું. ગઈ કાલે ફરી સિક્સર ફટકારીને પંચાવન રનમાં ૬ વિકેટ લીધી હતી. આ ઉપરાંત આ મૅચમાં પહેલી ઇનિંગ્સની ૪ વિકેટ સાથે મૅચમાં પ્રથમ વાર અને કરીઅરની બીજી જ ટેસ્ટમાં ૧૦ વિકેટની કમાલ કરી હતી.
માનવ ઘરઆંગણે અને વિદેશમાં પોતાની પ્રથમ જ ટેસ્ટમાં પાંચ કે એથી વધુ વિકેટ લેનાર બીજો ભારતીય બોલર બની ગયો હતો. આ પહેલાં આવી કમાલ મોહમ્મદ નિસારે કરી હતી. તેમ જ પોતાની પ્રથમ બન્ને ટેસ્ટમાં એક ઇનિંગ્સમાં પાંચ કે એથી વિકેટ લેનાર નરેન્દ્ર હિરવાણી, અક્ષર પટેલ અને મોહમ્મદ નિસાર બાદ ચોથો ભારતીય બોલર પણ બની ગયો હતો.
એકલો લડ્યો દિનુશા
ગઈ કાલે મૅચ બચાવવા શ્રીલંકાએ કૅપ્ટન ધનંજય ડિસિલ્વા તેમ જ પહેલી ઇનિંગ્સના હીરો નિરોશન ડિકવેલા અને સોનલ દિનુશા પાસે આશા રાખી હતી. ધનંજય વધુ ૨૮ રન ઉમેરીને ૧૫૧ બૉલમાં ૫૯ રન પર આઉટ થઈ ગયો હતો અને ડિક્વેલા માત્ર ૧૦ રન બનાવી શક્યો હતો. પહેલી ઇનિંગ્સના સેન્ચુરીયન દિનુશાએ જોકે ૧૨૮ બૉલમાં એક સિક્સર અને ૮ ફોર સાથે ૮૪ રન બનાવીને ભારતને બરાબરનું હંફાવ્યું હતું. તે બન્ને ઇનિંગ્સમાં સેન્ચુરીથી માત્ર ૧૬ રન જ દૂર રહી ગયો હતો.
જાયસવાલે ઉશ્કેર્યો અને ડિક્વેલા આઉટ
ભારતને જે લંકન બૅટરોનો ડર હતો એમાં ડિક્વેલા પ્રમુખ હતો અને તેને વહેલો આઉટ કરવો જરૂરી હતો. તેનું ધ્યાનભંગ કરવા યશસ્વી જાયસવાલે કોઈ કમી બાકી નહોતી રાખી અને એમાં તે આખરે સફળ પણ થયો હતો. જાયસવાલે ડિક્વેલાને કહ્યું હતું ‘પ્રથમ ઇનિંગ્સમાં તું ખૂબ જ ધીમી ઇનિંગ્સ રમ્યો હતો અને બહુ ફટકા માર્યા નહોતા.’
ડિક્વેલા શાંત રહીને તેને ફક્ત ઓકે કહીને જ જવાબ આપતો રહ્યો હતો. ત્યાર બાદ જાયસવાલે તેને એક સ્ટૅન્ડ તરફ ઇશારો કરીને ત્યાં સિક્સર મારવાનું કહ્યું ત્યારે ડિક્વેલાએ વળતો જવાબ આપતાં કહ્યું હતું, ‘એ શક્ય નથી, હું જાયસવાલ નથી. પણ જો તું મને IPLમાં લેવડાવીશ તો હું ત્યાં જરૂર એવું કરી બતાવીશ.’
જાયસવાલે જવાબમાં તેને કહ્યું હતું, ‘જો તું એ સ્ટૅન્ડમાં ફટકો મારીશ તો હું જરૂર સંગાકારા સાથે વાત કરીશ.’ જાયસવાલ જે ટીમ વતી રમે છે એ રાજસ્થાન રૉયલ્સનો હેડ કોચ અને ડિરેક્ટર ઑફ ક્રિકેટ છે કુમાર સંગાકારા. આ બધામાં તેનું ધ્યાનંભગ થયું હતું અને તે તરત જ પ્રસિદ્ધ ક્રિષ્નાની ઓવરમાં આઉટ થઈ ગયો હતો અને જાયસવાલની યુક્તિ અને મહેનત સફળ રહી હતી.
6
ભારતે શ્રીલંકામાં સતત આટલામી ટેસ્ટમાં વિજય મેળવ્યો છે. આવું કરનાર એ ઇંગ્લૅન્ડ બાદ બીજી ટીમ બની છે. આ ઉપરાંત શ્રીલંકા સામે ભારત સતત ૧૧મી ટેસ્ટમાં અજેય રહ્યું છે, જેમાંથી ૯ જીતી છે અને બે ડ્રૉ રહી છે.
મૅચમાં જાડેજાએ કુલ ૪ વિકેટ લઈને ઉપયોગી યોગદાન આપ્યું હતું, પણ મૅચમાં તેના કુલ ૪ નો-બૉલને લીધે હેડ કોચ ગૌતમ ગંભીર ખુશ નથી. જાડેજાના નૉ બૉલને લીધે જ ચોથા દિવસે લંકન કૅપ્ટન ધનંજય ડિસિલ્વા કૅચ આપ્યા છતાં બચી ગયો હતો. એક ઑલરાઉન્ડર તરીકે હાલ ક્રિકેટજગતમાં રાજ કરી રહેલા જાડેજાના ૨૦૨૧ બાદના આંકડો જોઈશું તો સ્પિનરોમાં સૌથી વધુ નો-બૉલ ફેંકવાનો નામોશીભર્યો રેકૉર્ડ તેના નામે છે. તેણે આ સમયગાળામાં સૌથી વધુ ૮૪ નો-બૉલ ફેંક્યા છે અને ત્યાર બાદ બીજા નંબરે પાકિસ્તાની સ્પિનર નૌમાન અલી (૪૦) છે. આમ તેણે નૌમાલ અલી કરતાં ડબલ નો-બૉલ ફેંક્યા છે.
જીત નંબર ૧૮૮, ફોર્થ હાઇએસ્ટ
ભારતની ૬૦૦મી ટેસ્ટમાં આ ૧૮૮મી જીત હતી. આ સાથે ટેસ્ટમાં જીતના મામલે એ ઑસ્ટ્રેલિયા (૪૨૭), ઇંગ્લૅન્ડ (૪૦૫) અને સાઉથ આફ્રિકા (૧૯૧) બાદ ચોથા નંબરે પહોંચી ગયું છે. આ પહેલાં એ વેસ્ટ ઇન્ડીઝ સાથે ૧૮૭ જીત સાથે સંયુક્ત રીતે ચોથા નંબરે હતું. આ ઉપરાંત ૬૦૦ ટેસ્ટમાં ભારતનો જીત અને હારનો આંકડો પણ એકસરખો ૧૮૮ થઈ ગયો છે. કુલ ૨૨૪ મૅચ ડ્રૉ રહી છે.