ભારત પહેલી વખત હરીફ સામે સતત ૧૦ ટેસ્ટ-સિરીઝ જીત્યું

15 October, 2025 07:12 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

૩૫.૨ ઓવરમાં ૧૨૪ રન કરીને ભારતે સરળ ટાર્ગેટ ચેઝ કરીને કૅરિબિયનો સામે ૨-૦થી ક્લીન સ્વીપ કરી, કૅપ્ટન તરીકે શુભમન ગિલ પહેલી ટેસ્ટ-સિરીઝ જીત્યો : રવીન્દ્ર જાડેજા બન્યો પ્લેયર ઑફ ધ સિરીઝ

વેસ્ટ ઇન્ડીઝ સામે બે મૅચની ટેસ્ટ-સિરીઝ ક્લીન સ્વીપ કર્યા બાદ ટ્રોફી સાથે જીતની ઉજવણી કરતા ભારતીય પ્લેયર્સ

દિલ્હી ટેસ્ટ-મૅચમાં ૭ વિકેટે જીત નોંધાવીને ભારતે વેસ્ટ ઇન્ડીઝ સામે ૨-૦થી ટેસ્ટ-સિરીઝ ક્લીન સ્વીપ કરી છે. કૅરિબિયોએ આપેલો ૧૨૧ રનનો સરળ ટાર્ગેટ પાંચમા દિવસના પ્રથમ સેશનમાં ૩૫.૨ ઓવરમાં ૩ વિકેટે ૧૨૪ રન કરીને ભારતે ચેઝ કર્યો હતો. ભારતે પહેલા દાવમાં પાંચ વિકેટે ૫૧૮ રન કર્યા હતા. વેસ્ટ ઇન્ડીઝે પહેલા દાવમાં ૨૪૮ રને ઑલઆઉટ થયા બાદ ફૉલોઑનમાંથી પસાર થઈને બીજા દાવમાં ૩૯૦ રન કર્યા હતા.

પાંચમા દિવસે ભારતે ૧૯મી ઓવરમાં ૧ વિકેટે ૬૩ રનના સ્કોરથી રમતની શરૂઆત કરી હતી. કૅરિબિયન કૅપ્ટન રોસ્ટન ચેઝે ભારત જીત મેળવે એ પહેલાં બે ઝટકા આપ્યા હતા. ૭૬ બૉલમાં ૩૯ રન કરનાર સાઈ સુદર્શન અને ૧૫ બૉલમાં ૧૩ રન કરનાર કૅપ્ટન શુભમન ગિલની વિકેટ તેણે લીધી હતી. ૬ ફોર અને બે સિક્સરની મદદથી ૧૦૮ બૉલમાં ૫૮ રન કરનાર કે. એલ. રાહુલે વિનિંગ ફોર ફટકારી હતી. વિકેટકીપર-બૅટર ધ્રુવ જુરેલે ૬ બૉલમાં ૬ રન કર્યા હતા.

કૅપ્ટન તરીકે શુભમન ગિલ પોતાની પહેલી સિરીઝ જીત્યો છે. તેની ઇંગ્લૅન્ડ સામેની ડેબ્યુ-સિરીઝ ૨-૨થી ડ્રૉ રહી હતી. દિલ્હી ટેસ્ટ-મૅચમાં ૮ વિકેટ લઈને સ્પિનર કુલદીપ યાદવ પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો, જ્યારે નંબર-વન ટેસ્ટ ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા સિરીઝમાં ૧૦૪ રન અને ૮ વિકેટ લઈને પ્લેયર ઑફ ધ સિરીઝનો અવૉર્ડ જીત્યો હતો.

ટેસ્ટ-મૅચ જીતવામાં વેસ્ટ ઇન્ડીઝની બરાબરી કરી ટીમ ઇન્ડિયાએ

ભારતીય ટીમની ટેસ્ટ-ઇતિહાસમાં આ ૧૮૫મી જીત હતી. સૌથી વધુ ટેસ્ટ-મૅચ જીતવામાં ભારતે ચોથા ક્રમે વેસ્ટ ઇન્ડીઝના રેકૉર્ડની બરાબરી કરી છે. ભારત ૫૯૬ અને વેસ્ટ ઇન્ડીઝ ૫૮૯ ટેસ્ટ-મૅચ રમ્યાં છે. આ લિસ્ટમાં ઑસ્ટ્રેલિયા ૮૭૭ મૅચમાં ૪૨૨ જીત સાથે પહેલા ક્રમે, ઇંગ્લૅન્ડ ૧૦૮૯ મૅચમાં ૪૦૩ જીત સાથે બીજા ક્રમે અને સાઉથ આફ્રિકા ૪૭૬ મૅચમાં ૧૮૮ જીત સાથે ત્રીજા ક્રમે છે.
ઘરઆંગણે હાઇએસ્ટ ટેસ્ટ-મૅચ જીતવાના મામલે ભારતે સાઉથ આફ્રિકાને પછાડીને ત્રીજો ક્રમ મેળવ્યો છે. ભારતમાં ટીમ ઇન્ડિયાએ ૨૯૬ મૅચમાં ૧૨૨ જીત નોંધાવી છે. સાઉથ આફ્રિકા ૨૫૪ મૅચમાં ૧૨૧ જીત સાથે ચોથા ક્રમે સરકી ગયું છે. ઑસ્ટ્રેલિયા ૪૫૦ મૅચમાં ૨૬૨ જીત અને ઇંગ્લૅન્ડ ૫૫૮ મૅચમાં ૨૪૧ જીત સાથે પહેલા-બીજા ક્રમે જળવાઈ રહ્યાં છે.

૨૩ વર્ષથી કૅરિબિયનો સામે ભારતનું વર્ચસ્વ

ભારત વેસ્ટ ઇન્ડીઝ સામે સતત ૧૦ ટેસ્ટ-સિરીઝ જીત્યું છે. ભારત આ ફૉર્મેટમાં પહેલી વખત કોઈ ટીમ સામે લાગલગાટ ૧૦ ટેસ્ટ-સિરીઝ જીત્યું છે. આ સિલસિલો ૨૦૦૨ના વર્ષથી ચાલુ છે. આ સાથે ભારતે સાઉથ આફ્રિકાના રેકૉર્ડની બરાબરી કરી છે. સાઉથ આફ્રિકાએ પણ વેસ્ટ ઇન્ડીઝ સામે સતત ૧૦ ટેસ્ટ-સિરીઝ જીત્યું હતું. છેલ્લી ૨૭ ટેસ્ટ-મૅચથી વેસ્ટ ઇન્ડીઝ સામે ભારત અપરાજિત છે. કોઈ પણ ટીમ સામે ભારતનો આ સૌથી વધુનો રેકૉર્ડ છે. મે ૨૦૦૨માં વેસ્ટ ઇન્ડીઝ સામે છેલ્લી ટેસ્ટ-મૅચ હાર્યા બાદ ભારત આ હરીફ સામે ૧૭ મૅચ જીત્યું છે અને ૧૦ મૅચ ડ્રૉ રહી છે.

14

આટલી ટેસ્ટ-મૅચથી દિલ્હીમાં અપરાજિત છે ભારતીય ટીમ. નવેમ્બર ૧૯૮૭થી ભારત અહીં ૧૨ મૅચ જીત્યું છે અને બે ડ્રૉ રહી છે. 

દિલ્હી ટેસ્ટ-મૅચનું પ્રદર્શન અમારા માટે સુધારાનું એક પગથિયું છે : કૅરિબિયન કૅપ્ટન રોસ્ટન ચેઝ

ભારત સામે વેસ્ટ ઇન્ડીઝ ૦-૨થી ટેસ્ટ-સિરીઝ હારી ગયું, પણ દિલ્હી ટેસ્ટ-મૅચમાં તેમના લડાયક પ્રદર્શનથી ટીમમાં નવો આત્મવિશ્વાસ આવ્યો છે. બાવીસ ટેસ્ટ-મૅચ બાદ દિલ્હીમાં વેસ્ટ ઇન્ડીઝના પ્લેયર્સ બન્ને ઇનિંગ્સમાં ૮૦-૮૦ પ્લસ ઓવર બૅટિંગ કરી શક્યા હતા.

કૅરિબિયન કૅપ્ટન રોસ્ટન ચેઝે કહ્યું હતું કે ‘હું છેલ્લી મૅચથી અમારા તરફથી આ પ્રકારની લડાઈ જોવા માગતો હતો. એથી મને લાગે છે કે આ ટેસ્ટ-પ્લેઇંગ રાષ્ટ્ર તરીકે સુધારાનું એક પગથિયું છે. એ અમને આત્મવિશ્વાસ આપશે અને વિશ્વાસ મજબૂત કરશે કે અમે સારું પ્રદર્શન કરી શકીએ છીએ. હું ફક્ત એટલું જ ઇચ્છું છું કે પ્લેયર્સ આ જ સ્પિરિટ જાળવી રાખે અને અમને એ જૂની પૅટર્નમાં પાછા ન પડવા દે.’

હેડ કોચ ગૌતમ ગંભીરે કહ્યું કે...

કોઈએ શુભમન ગિલને ટેસ્ટ અને વન-ડે કૅપ્ટન્સી સોંપીને ઉપકાર નથી કર્યો. ઇંગ્લૅન્ડમાં સૌથી મુશ્કેલ કસોટીમાંથી પસાર થઈને તેણે કૅપ્ટન બનવાનો અધિકાર મેળવ્યો છે.

મેન્સ ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં સૌથી વધુ જીત

આ‌ૅસ્ટ્રેલિયા : ૨૧૦૭ મૅચમાં ૧૧૫૮ જીત
ભારત : ૧૯૧૬ મૅચમાં ૯૨૨ જીત
ઇંગ્લૅન્ડ : ૨૧૧૭ મૅચમાં ૯૨૧ જીત
પાકિસ્તાન : ૧૭૩૫ મૅચમાં ૮૩૧ જીત
સાઉથ આફ્રિકા : ૧૩૭૫ મૅચમાં ૭૧૯ જીત

વર્લ્ડ ટેસ્ટ-ચૅમ્પિયનશિપ 2025-’27નું પૉઇન્ટ ટેબલ

ટીમ

મૅચ

જીત

હાર

ડ્રૉ

પૉઇન્ટ

પૉઇન્ટ ટકાવારી

ઑસ્ટ્રેલિયા

૩૬

૧૦૦

શ્રીલંકા

૧૬

૬૬.૬૭

ભારત

૫૨

૬૧.૯૦

ઇંગ્લૅન્ડ

૨૬

૪૩.૩૩

બંગલાદેશ

૧૬.૬૭

વેસ્ટ ઇન્ડીઝ

નવી WTC સીઝનમાં શુભમન ગિલ અને મોહમ્મદ સિરાજનો દબદબો

વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ 2025-’27ની શરૂઆતમાં જ હાઇએસ્ટ રન-સ્કોરર અને વિકેટ-ટેકર્સના લિસ્ટમાં ભારતીય ક્રિકેટર્સનો દબદબો જોવા મળી રહ્યો છે. ભારતીય કૅપ્ટન શુભમન ગિલે ૭ મૅચની ૧૩ ઇનિંગ્સમાં પાંચ સદી અને એક ફિફ્ટી ફટકારીને હાઇએસ્ટ ૯૪૬ રન કર્યા છે. ભારતનો કે. એલ. રાહુલ (૭૨૮ રન) બીજા ક્રમે, યશસ્વી જાયસવાલ (૬૩૦ રન) ત્રીજા ક્રમે અને રવીન્દ્ર જાડેજા (૬૨૦ રન) ચોથા ક્રમે છે. બોલર્સના લિસ્ટમાં ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ ૩૩ વિકેટ સાથે નંબર-વન છે. ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ૨૧ વિકેટ સાથે ત્રીજા ક્રમે જ્યારે રવીન્દ્ર જાડેજા ૧૫ વિકેટ સાથે છઠ્ઠા ક્રમે છે.

૨૦૨૫ના વર્ષની શરૂઆતથી આ ફૉર્મેટમાં આઠ મૅચમાં શુભમન ગિલે હાઇએસ્ટ ૯૭૯ રન કર્યા છે અને મોહમ્મદ સિરાજે હાઇએસ્ટ ૩૭ વિકેટ લીધી છે.

indian cricket team team india india west indies test cricket arun jaitley stadium new delhi sports sports news cricket news yashasvi jaiswal kl rahul sai sudharsan shubman gill nitish kumar reddy dhruv Jurel ravindra jadeja washington sundar Kuldeep Yadav jasprit bumrah mohammed siraj devdutt padikkal axar patel prasidh krishna