05 June, 2026 01:22 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રણનીતિ બનાવતો જોવા મળ્યો હેડ કોચ ગૌતમ ગંભીર, રિષભ પંત સાથે નેટ સેશનમાં કૅપ્ટન શુભમન ગિલ
IPL 2026 દરમ્યાન અલગ-અલગ ટીમો માટે રમનાર ભારતના સ્ટાર ખેલાડીઓ હવે ટીમ ઇન્ડિયા માટે ફરી એકસાથે રમતા જોવા મળશે. ૬ જૂને ન્યુ ચંડીગઢના મુલ્લાંપુરમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે એકમાત્ર ટેસ્ટ-મૅચ શરૂ થશે. શુભમન ગિલ સહિતના ખેલાડીઓએ ગૌતમ ગંભીરના કોચિંગ સ્ટાફ સાથે મુલ્લાંપુરમાં ટેસ્ટ-ફૉર્મેટમાં રમત માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે.
વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની વર્તમાન સીઝનમાં ૯ ટીમો વચ્ચે ભારત છઠ્ઠા ક્રમે છે. શુભમન ગિલની આગેવાનીમાં ભારત ૯ ટેસ્ટ-મૅચમાંથી ૪ જીત્યું છે અને ૪ હાર્યું છે, જ્યારે ૧ મૅચ ડ્રૉ રહી હતી. અફઘાનિસ્તાન વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ટૉપ-નવ રૅન્ક ટીમોનો ભાગ ન હોવાથી આ ટેસ્ટ-મૅચના પૉઇન્ટ ગણાશે નહીં. જોકે આ મૅચ ખેલાડીઓને ટેસ્ટ-ફૉર્મેટની રમત માટે ફરી અનુકુળ થવામાં મદદ કરશે.