અફઘાનીઓ સામે ટીમ ઇન્ડિયાની વિજયકૂચ યથાવત્

14 September, 2026 08:24 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

પહેલી T20માં ૧૫૭ રનનો ટાર્ગેટ ભારતે ૩૮ બૉલ પહેલાં ચેઝ કર્યો, અભિષેક શર્માએ 32 બૉલમાં ફટકાર્યા 82 રન

અભિષેક શર્માએ ૮૨ રનમાંથી ૭૦ રન સિક્સ અને ફોરથી કર્યા હતા.

અફઘાનિસ્તાન સામેની ત્રણ T20 મૅચની સિરીઝની પહેલી મૅચમાં ભારતે સાત વિકેટે જીત મેળવી હતી. અફઘાનિસ્તાને ખરાબ શરૂઆત પછી ૨૦ ઓવરમાં ૧૫૬-૮નો સ્કોર કર્યો હતો. ભારતીય ટીમે ૧૩.૪ ઓવરમાં ૧૫૭-૩નો સ્કોર કરીને ૩૮ બૉલ પહેલાં જીત નોંધાવી હતી. અફઘાનિસ્તાન સામે બે ટેસ્ટ-મૅચ, સાત વન-ડે અને હવે ૧૦ T20 મૅચોથી ભારત અજેય રહ્યું છે.
ટૉસ હારીને પહેલાં બૅટિંગ કરનાર અફઘાનિસ્તાને ૭ ઓવરમાં ૪૩ રનના સ્કોર પર પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. છઠ્ઠી વિકેટ માટે થયેલી ૫૮ બૉલમાં ૮૩ રનની ભાગીદારીથી સ્કોર ૧૫૬-૮ સુધી પહોંચ્યો હતો. પાંચમા ક્રમના બૅટર અઝમતુલ્લાહ ઓમરઝાઈએ ૪૪ બૉલમાં ૪ ફોર અને ૪ સિક્સની મદદથી અણનમ ૬૪ રન કર્યા હતા. પાર્ટનરશિપમાં તેનો સાથ આપનાર મોહમ્મદ નબીએ ૨૭ બૉલમાં ૩૩ રનનું યોગદાન આપ્યું હતું. 
અર્શદીપ સિંહે ૪ ઓવરમાં ૧૯ રન આપીને ત્રણ વિકેટ લીધી હતી. ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ, સ્પિનર્સ વરુણ ચક્રવર્તી અને અક્ષર પટેલને ૧-૧ સફળતા મળી હતી. કૅપ્ટન શ્રેયસ ઐયર અને ઈશાન કિશનના શાનદાર થ્રોને કારણે બે બૅટર રન આઉટ થયા હતા.
રન ચેઝ દરમ્યાન ઓપનર સંજુ સૅમસન ૮ બૉલમાં બે ફોરની મદદથી ૧૦ રન કરી શક્યો હતો. બીજી વિકેટ માટે અભિષેક શર્મા અને ઈશાન કિશને ૫૩ બૉલમાં ૧૨૧ રનની ભાગીદારી કરી હતી. અભિષેક શર્માએ ૨૫૬.૨૫ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને ૩૨ બૉલમાં ૭-૭ ફોર-સિક્સને આધારે ૮૨ રન ઝૂડ્યા હતા.
ત્રીજા ક્રમે રમવા આવેલા ઈશાન કિશને ૩૩ બૉલમાં પાંચ ફોર, એક સિક્સના આધારે ૪૨ રન કર્યા હતા. અફઘાનિસ્તાન તરફથી ફાસ્ટ બોલર અઝમતુલ્લાહ ઓમરઝાઈએ બે વિકેટ અને સ્પિનર મોહમ્મદ નબીએ એક વિકેટ લીધી હતી.

abhishek sharma t20 international afghanistan team india indian cricket team cricket news sports news sports