10 November, 2026 10:50 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભારતીય કૅપ્ટન શુભમન ગિલ અને ન્યુ ઝીલૅન્ડનો કૅપ્ટન મિચલ સૅન્ટનર.
આજે હૅમિલ્ટનના સેડન પાર્કમાં ન્યુ ઝીલૅન્ડ અને ભારત વચ્ચેની પાંચ વન-ડે મૅચની સિરીઝની ત્રીજી મૅચ રમાશે. ૨-૦ની લીડ મેળવનાર ભારતીય ટીમ સિરીઝ પર કબજો મેળવવાના ઇરાદા સાથે મેદાન પર ઊતરશે. ફેબ્રુઆરી ૨૦૧૯ પછી ન્યુ ઝીલૅન્ડ ઘરઆંગણે સતત ૧૧ વન-ડે સિરીઝ જીત્યું છે. અજેય રેકૉર્ડ ચાલુ રાખવા ન્યુ ઝીલૅન્ડે હવે સતત ત્રણ વન-ડે મૅચ જીતવી પડશે.
હૅમિલ્ટનના સેડન પાર્કમાં ન્યુ ઝીલૅન્ડ ૧૨ જીત અને એક નો-રિઝલ્ટ મૅચ સહિત સતત છેલ્લી ૧૩ વન-ડે મૅચથી અપરાજિત છે. અહીં ન્યુ ઝીલૅન્ડની ટીમે ૨૦૨૫ સુધી ૩૮ વન-ડે મૅચ રમીને ૨૮ મૅચ જીતી છે અને ૭ મૅચમાં હારનો સામનો કર્યો છે. અન્ય ૩ વન-ડે મૅચ નો-રિઝલ્ટ રહી હતી.
ભારતીય ટીમ આ મેદાન પર ૧૨ વન-ડે મૅચમાંથી માત્ર ૩ મૅચમાં વિજેતા રહી છે. ૮ મૅચમાં હાર મળી છે અને એક મૅચ નો-રિઝલ્ટ રહી હતી. ભારતને આ મેદાન પર છેલ્લી જીત માર્ચ ૨૦૧૫માં મળી હતી એ પણ આયરલૅન્ડ સામે. માર્ચ ૧૯૯૨માં ભારતને અહીં પહેલવહેલી વન-ડે જીત ઝિમ્બાબ્વે સામે મળી હતી.
ન્યુ ઝીલૅન્ડ અને ભારત આ મેદાન પર માત્ર ૮ વન-ડે મૅચ રમ્યાં છે. એમાં ભારત માત્ર માર્ચ ૨૦૦૯ની વન-ડે મૅચ જીત્યું હતું. અન્ય ૬ મૅચમાં ન્યુ ઝીલૅન્ડ વિજેતા રહ્યું અને ૨૦૨૨ની અંતિમ મૅચ નો-રિઝલ્ટ રહી હતી.
આજની વન-ડે મૅચ પછી ભારતનો કોચિંગ સ્ટાફ બે ગ્રુપમાં વિભાજિત થશે. હેડ કોચ ગૌતમ ગંભીર અને સ્પિન-બોલિંગ કોચ સાઈરાજ બહુતુલે બાકીની બે વન-ડે મૅચ માટે વાઇસ-કૅપ્ટન શ્રેયસ ઐયર અને અન્ય પ્લેયર્સ સાથે રહેશે, જ્યારે બૅટિંગ કોચ સિતાંશુ કોટક અને ફાસ્ટ બોલિંગ કોચ મૉર્ને મૉર્કેલ ૧૯ નવેમ્બરથી શરૂ થનારી પહેલી ટેસ્ટ-સિરીઝ માટે વેલિંગ્ટનમાં પ્રી-સિરીઝ કેમ્પ માટે ટેસ્ટ-ટીમના પ્લેયર્સ સાથે જોડાશે. વન-ડે કૅપ્ટન શુભમન ગિલ સહિતના ટેસ્ટ-પ્લેયર્સ છેલ્લી બે વન-ડે મૅચમાં સામેલ નથી, તેઓ પણ ૧૧ નવેમ્બરથી શરૂ થતા આ પ્રી-સિરીઝ કૅમ્પમાં જોડાશે.
આકિબ નબી, ગુરનૂર બરાડ અને અર્શદીપ સિંહ ભારતને ટેસ્ટ-સિરીઝની તૈયારીઓમાં મદદ કરશે
સહાયક કોચ સિતાંશુ કોટક કહે છે, ‘પેસ બોલર આકિબ નબી, ગુરનૂર બરાડ, અર્શદીપ સિંહ વન-ડે સિરીઝ પછી પણ ન્યુ ઝીલૅન્ડમાં રહીને ભારતીય ટેસ્ટ-ટીમને મદદ કરશે. પ્રૅક્ટિસ-સેશન દરમ્યાન ત્રણેય નેટમાં બૅટ્સમેનને બોલિંગ કરીને તૈયારી કરાવશે.’
આ ત્રણેય બોલર બે મૅચની ટેસ્ટ-સિરીઝ માટે ભારતીય સ્ક્વૉડનો ભાગ નથી. ત્રણેયને ભારત માટે હજી એક પણ ટેસ્ટ-મૅચ રમવાની તક નથી મળી.
સતત ત્રીજી વન-ડે મૅચમાં વરસાદનો અવરોધ જોવા મળી શકે છે
સેડન પાર્ક ખાતેની ત્રીજી મૅચ પણ વરસાદથી પ્રભાવિત થઈ શકે છે. ઠંડું અને ભેજવાળું હવામાન પિચને ઝડપી બોલરો માટે અનુકૂળ બનાવશે, એનાથી તેમને સીમ-મૂવમેન્ટ અને વધારાનો બાઉન્સ મળશે જે બૅટ્સમેન માટે બેવડી મુશ્કેલી સાબિત થઈ શકે છે. ગઈ કાલે પ્રૅક્ટિસ-સેશન દરમ્યાન મેદાન પર ધોધમાર વરસાદ પડ્યો હતો. બન્ને ટીમના પ્લેયર્સે ઇન્ડોર પ્રૅક્ટિસ-સેશનમાં ભાગ લીધો હતો. ઑકલૅન્ડ અને વેલિંગ્ટનની વન-ડે મૅચમાં પણ વરસાદનું વિઘ્ન જોવા મળ્યું હતું.
ન્યુ ઝીલૅન્ડની ટીમમાંથી લૉકી ફર્ગ્યુસન અને બ્લેર ટિકનર વન-ડે સિરીઝમાંથી આઉટ
ફાસ્ટ બોલિંગ ઑલરાઉન્ડર્સ લૉકી ફર્ગ્યુસન અને બ્લેર ટિકનર ભારત સામેની વન-ડે સિરીઝમાંથી બહાર થઈ ગયા છે. જમણા પગની ઇન્જરીને કારણે પહેલી ત્રણ મૅચમાંથી બહાર થયેલો ફર્ગ્યુસન છેલ્લી બન્ને વન-ડે મૅચમાં પણ સામેલ થઈ શકશે નહીં. તે ઇન્જરીમાંથી હજી સંપૂર્ણ સ્વસ્થ થયો નથી.
બીજી વન-ડે મૅચ દરમ્યાન કાનના ભાગે બૉલ વાગ્યો હોવાથી ICCના નિયમો અનુસાર બ્લેર ટિકનેરને ૭ દિવસ આરામ કરવાની જરૂર પડશે. તેના સ્થાને ઑલરાઉન્ડર ક્રિશ્ચિયન ક્લાર્ક ત્રીજી વન-ડે મૅચમાં ભાગ લેશે. તે પહેલાંથી જ અંતિમ બે વન-ડે મૅચની સ્ક્વૉડમાં સામેલ છે. છેલ્લી બે મૅચ માટે ટીમમાં બે વધારાના પ્લેયર્સ પછીથી ઉમેરવામાં આવશે.