15 August, 2026 10:10 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
વરસાદને લીધે ગઈ કાલે પિચ અને મેદાનમાં અમુક ભાગને ઢાંકીને રાખવામાં આવ્યાં હતાં.
આજથી ગૉલમાં શ્રીલંકા સામે બે-ટેસ્ટ મૅચની સિરીઝની પહેલી ટેસ્ટ મૅચ શરૂ થશે. વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (૨૦૨૫-૨૦૨૭)ની ફાઇનલની આશા જીવંત રાખવા બન્ને ટીમે બાકીની બધી જ મૅચ જીતવી જરૂરી બની ગઈ છે. ઘરઆંગણે ન્યુ ઝીલૅન્ડ અને સાઉથ આફ્રિકા સામે નામોશીને લીધે ભારતની આશાને મોટો ધક્કો લાગ્યો હતો. ભારત આ સાઇકલમાં ૯માંથી ૪ જીત અને ૪ હાર તેમ જ એક ડ્રૉ સાથે પાંચમા નંબરે છે જ્યારે શ્રીલંકા ચારમાંથી એક જીત અને એક હાર તેમ જ બે ડ્રૉ સાથે છઠ્ઠા નંબરે છે. આમ પૉઇન્ટ-ટેબલની મધ્યમાં સ્ટ્રગલ કરતી બન્ને ટીમ સામે હવે દરેક મૅચમાં જીત સિવાય કોઈ વિકલ્પ નથી. ભારત ઘરઆંગણે છેલ્લી મૅચમાં સાઉથ આફ્રિકા સામે હારી જતાં આવી કપરી પરિસ્થિતિમાં મુકાઈ ગયું છે. બીજી તરફ શ્રીલંકા પણ બદલાવના દોરમાંથી પસાર થઈ રહ્યું છે. જૂન ૨૦૨૫ બાદ એક વર્ષ સુધી એક પણ ટેસ્ટ ન રમનાર શ્રીલંકા ગયા મહિને વેસ્ટ ઇન્ડીઝ સામે રમ્યું હતું અને ૦-૧થી હારી ગયું હતું.
ઉપરાંત તાજેતરમાં આયરલૅન્ડ અને ઇંગ્લૅન્ડ ટૂરમાં ભારતના નબળા પર્ફોર્મન્સ બાદ હેડ કોચ ગૌતમ ગંભીરે ટીકાકારોને જવાબ આપવા માટે આ શ્રીલંકા સિરીઝ જીતવી ખૂબ જ જરૂરી બની ગઈ છે. જો ધાર્યું પરિણાન ન આવ્યું તો ગંભીર માટે કમ સે કમ ટેસ્ટ-ટીમના કોચ તરીકે ટકી રહેવું મુશ્કેલ બની શકે છે.
સ્પિન ઇઝ કિંગ
પ્રથમ ટેસ્ટ જ્યાં રમાવાની છે એ ગૉલમાં ૧૯૯૮થી અત્યાર સુધી રમાયેલી ૪૯ ટેસ્ટ-મૅચોમાંથી શ્રીલંકાએ ૨૭માં જીત મેળવી છે. ગૉલમાં તેમનો આ દબદબો સ્પિનરોને લીધે જ છે. શ્રીલંકન ટીમમા મુથૈયા મુરલીધરન અને રંગના હેરાથનો સુવર્ણ યુગ પસાર થઈ ગયો છે પણ તેમની પાસે આજે પણ પ્રભાત જયસૂર્યા અને રમેશ મેન્ડિસ જેવા સ્પિનરો છે જેમની કાંડાની કરામતને લીધે તેમણે ગૉલના ગઢને જાળવી રાખ્યો છે.
બીજી તરફ ભારતીય બૅટરોએ પણ આ લંકન સ્પિન-જાળને તોડવા તડામાર તૈયારી કરી છે અને ટીમમાં રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ જેવા અનુભવી ઉપરાંત માનવ સુથાર અને સારાંશ જૈન જેવા યુવા તરવરિયા સ્પિનરો સાથે ત્રાટકવા તૈયાર છે. બે દિવસ પહેલાં જ ટીમ-મૅનેજમેન્ટે ઇશારો આપી જ દીધો હતો કે ભારતીય ટીમ ત્રણ લેફ્ટ આર્મ બોલરો, જાડેજા, કુલદીપ અને માનવ સુથાર સાથે મેદાનમાં ઉતરી શકે છે.
૨૦૧૭ની કમાલ ફરી કરવી છે
ભારતીય ટીમ છેલ્લે ૨૦૧૭માં વિરાટ કોહલીના નેતૃત્વમાં શ્રીલંકામાં ટેસ્ટ-સિરીઝ રમી હતી અને શાનદાર ૩-૦થી વિજય મેળવ્યો હતો. આ જીત બાદ ભારતીય ટીમનો ટેસ્ટ-ક્રિકેટમાં દબદબો શરૂ થયો હતો. હવે ૨૦૨૬માં શુભમન ગિલ પણ પ્રમાણમાં યુવા ટીમ સાથે એ સિરીઝથી પ્રેરણા લઈને લંકનોનો સફાયો કરી ફરી ટેસ્ટ-ક્રિકેટમાં કિંગ છીએ એ સાબિત કરવા તત્પર હશે.
પંત, પડિક્કલ ને સરફરાઝ માટે મોકો
બૅટિંગમાં કૅપ્ટન શુભમન ગિલ આધારસ્તંભ હશે અને ટૉચના ત્રણ બૅટરો કે. એલ. રાહુલ, યશસ્વી જાયસવાલ અને દેવદત્ત પડિક્કલ પાસેથી મોટી આશા રહેશે. સાઈ સુદર્શનની ઇન્જરીને લીધે મળેલી તકને પડિક્કલે ઝડપી લેવી જરૂરી છે. સરફરાઝ ખાન પાસે પણ મોકો મળે તો ચમકવા સિવાય છૂટકો નથી. રિષભ પંત પાસે પણ ફરી લાઇમલાઇટમાં આવવા આ બેસ્ટ મોકો છે.
ગિલની પંસદ ક્રિષ્ના અને માનવ
ગઈ કાલે કૅપ્ટન શુભમન ગિલે પ્રથમ ટેસ્ટ માટેની પ્લેઇંગ ઇલેવન વિશે સ્પષ્ટ સંકેત આપી દીધો હતો. પ્રસિદ્ધ ક્રિષ્ના અને માનવ સુથાર આજે ટીમમાં જોવા મળશે એ ઑલમોસ્ટ ફાઇનલ છે. ગિલે કહ્યું હતું કે ‘ગુરનૂર બરાડ અને પ્રસિદ્ધ ક્રિષ્ના વચ્ચે સિલેક્શન કરવું મુશ્કેલ છે, પણ ક્રિષ્ના હમણાં સારી બોલિંગ કરી રહ્યો છે અને વૉર્મ-અપ મૅચમાં પણ આપણે એ જોયું. બીજું માનવ એક સારો સ્પિનર ઉપરાત આઠમા નંબરે એક ઉમદા બૅટિંગ-વિકલ્પ પણ બની શકે છે.’
ગિલની વાતો પરથી બરાડ ટીમમાં નહીં હોય અને આકિબ નબીએ ડેબ્યુ માટે હજુ થોડીક રાહ જોવી પડશે એવું લાગે છે.
વરસાદ પાણી ફેરવી શકે છે
ભારતને હવે જીત સિવાય કંઈ પણ ચાલે એમ નથી અને એ જ આક્રમક માઇન્ડસેટ સાથે મેદાનમાં ઊતરશે, પણ મેઘરાજા પણ આ ટક્કર માણવા પધારવાના સમાચારે ભારતની ચિંતા વધારી દીધી છે. વરસાદનું વિઘ્ન ભારતની મહેનત પર પાણી ફેરવી શકે છે.
વધુ આટલા રન બનાવતાં જ શુભમન ગિલ એક વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની સાઇકલમાં ૧૦૦૦ રન ફટકારનાર પહેલો ભારતીય કૅપ્ટન બની શકે છે. અત્યારે તેણે ૮ મૅચમાં પાંચ સેન્ચુરી અને એક હાફ સેન્ચુરી સાથે ૯૫૦ રન બનાવ્યા છે.
ગૉલમાં શ્રીલંકા ૩, ભારત ૨
ગૉલમાં ભારત અને શ્રીલંકા વચ્ચે ટેસ્ટ-મૅચનો અત્યાર સુધીનો રેકૉર્ડ જોઈશું તો યજમાન લંકનો ત્રણમાં અને ભારતીયો બે મૅચ જીત્યા છે. ઓવરઑલ બન્ને વચ્ચે અત્યાર સુધી ૪૬ ટેસ્ટ-મૅચ રમાઈ છે જેમાં ભારત બાવીસમાં જીત મેળવીને હાવી છે. શ્રીલંકા ૭ મૅચમાં જીત્યું છે અને એ સાતેય જીત તેમણે ઘરઆંગણે જ મેળવી છે.
ટેસ્ટ-નંબર ૬૦૦, ટીમ ઇન્ડિયા ત્રીજી
૧૯૩૨થી ટેસ્ટ-ક્રિકેટ રમવાનું શરૂ કરનાર ભારત આજે લૅન્ડમાર્ક ૬૦૦મી ટેસ્ટ રમવા મેદાનમાં ઊતરશે. આવું લૅન્ડમાર્ક હાંસલ કરનાર એ ઇંગ્લૅન્ડ (૧૦૯૭) અને ઑસ્ટ્રેલિયા (૮૮૩) બાદ ત્રીજી ટીમ બની જશે. ૫૯૭ ટેસ્ટ રમનાર વેસ્ટ ઇન્ડીઝ પણ ટૂંક સમયમાં આ ક્લબમાં સામેલ થઈ જશે.